- Gujarat
- જીગરદાન ગઢવીની સાચી નવરાત્રિ વિવાદોમાં, કલાકોની રાહ જોયા બાદ પણ ગરબા રમવા ન મળતા ખેલૈયા વિફર્યા, કરી...
જીગરદાન ગઢવીની સાચી નવરાત્રિ વિવાદોમાં, કલાકોની રાહ જોયા બાદ પણ ગરબા રમવા ન મળતા ખેલૈયા વિફર્યા, કરી તોડફોડ
અમદાવાદમાં જીગરદાન ગઢવી દ્વારા આયોજિત સાંચી ગરબા કાર્યક્રમ વિવાદમાં ઘેરાયો છે. મોડી રાત્રે ખેલૈયાઓને ગરબા સ્થળે પ્રવેશ ન મળતા ભારે હોબાળો થયો હતો. પ્રવેશ ન મળવાને કારણે રોષે ભરાયેલા ખેલૈયાઓએ સુરક્ષાકર્મીઓ સાથે ઘર્ષણ કર્યું હતું અને ડોમ તેમજ સ્થળ પર લગાવેલા પોસ્ટરોમાં તોડફોડ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ખેલૈયાઓનો આક્રોશ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ન્યૂ સાયન્સ સિટી રોડ પર જીગરદાન ગઢવીની સાચી નવરાત્રિમાં કલાકો સુધી ખેલૈયાઓને એન્ટ્રી ગેટ પર ઊભા રાખવામાં આવ્યા હતા. પોલીસ પરવાનગી ન મળતા ગરબા શરૂ કરવામાં આવ્યા ન હતા. કલાકો સુધી રાહ જોયા બાદ પણ ગરબા રમવા ન મળતા ખેલૈયાઓએ હોબાળો કર્યા બાદ તોડફોડ કરીને પોસ્ટરો પણ ફાડી નાખ્યા હતા. કેટલાક ખેલૈયાઓ તો લાઈટો તોડીને પોતાની સાથે જ લઈ ગયા હતા.
બીજા નોરતે ગરબા ન થવાને લઈ સાચી નવરાત્રિના આયોજકોએ ખેલૈયાઓની માફી માંગી છે. સ્થળ પરની તમામ વ્યવસ્થાઓની ચકાસણી માટે સમય લાગવાના કારણે ગરબાની રમઝટ ન થઈ શક્યા હોવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી છે. ટિકિટ બુક કરાવનાર ખેલૈયાઓને ટિકિટની રકમ તાત્કાલિક પરત કરવા માટે પણ આયોજકોએ જાહેરાત કરી છે. હજી સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલીટી રિપોર્ટ મળ્યો નથી, ત્યારે બીજા નોરતાના મોડી રાત્રે જ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી ત્રીજા નોરતે પણ ગરબા યોજવા તૈયાર છીએ એવા પ્રકારે પોસ્ટ કરી દેવામાં આવી છે. જેને લઈ આજે 13 ઓક્ટોબરે ત્રીજા નોરતે ગરબા થશે કે નહીં એ સવાલ છે.
ઉલ્લેખનીય છે કે, પ્રથમ નારતે જ જીગરદાન ગઢવીની સાચી નવરાત્રિ વિવાદમાં આવી ગઈ હતી. ફાયર NOC ન મળી હોવા છતા પ્રથમ દિવસે ગરબા યોજવામાં આવતા હતા. સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ, ગઈકાલે સાંજે ફાયર NOC મળી ગઈ હતી, પરંતુ સ્ટ્રક્ચર સંબંધિત NOC બાકી હોઈ શકે છે. આ જ કારણોસર પોલીસ દ્વારા ગરબા આયોજિત કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી. અમદાવાદમાં આવા અસંખ્ય ગરબા આયોજનોને પરવાનગીના અભાવે બંધ રાખવાની સૂચના આપવામાં આવી હતી, અને સાંચી ગરબા પણ તેનો જ એક ભાગ હતો. પોલીસ દ્વારા મંજૂરી વગરના ગરબા બંધ કરાવવામાં આવ્યા હતા.
જો કે ખલૈયાઓને સાચી નવરાત્રિના આયોજકો દ્વારા ગરબા થશે કે નહીં તેને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નહોતી. જેથી AC ડોમમાં જીગરદાન ગઢવીની નવરાત્રિમાં ગરબે રમવા માટે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા સ્થળ પર 8 વાગ્યાથી પહોંચી ગયા હતા. પરંતુ થોડીવારમાં એન્ટ્રી આપવામાં આવશે તેવું કહેવામાં આવતા ખેલૈયા કલાકો સુધી એન્ટ્રી ગેટ પર ઉભા રહ્યા હતા. 10 વાગ્યા બાદ પણ એન્ટ્રી આપવામાં ન આવતા ખેલૈયાઓ રોષે ભરાયા હતા.
ભારે હોબાળો મચાવી ખેલૈયાઓ એન્ટ્રી ગેટ તોડીને AC ડોમમાં ઘૂસી ગયા હતા. એટલું જ નહીં રિફંડ રિફંડના નારા લગાવી હોબાળો કર્યો હતો. જે બાદ AC ડોમમાં ખેલૈયાઓ ભેગા થઈ જતા લાઈટો પણ બંધ કરી દેવામાં આવતા વધારે રોષે ભરાયા હતા. જો કે ત્યારબાદ સ્ટેજ પરથી ગરબા નહીં યોજાય રિફંડ મળી જશે તેવી જાહેરાત કરતા ખેલૈયા વધારે રોષે ભરાયા હતા. એ સાથે જ નિરાશ થઈને ગરબા રમ્યા વગર બહાર નીકળવું પડ્યું હતું. આ દરમિયાન આયોજકો યોગ્ય જવાબ ન આપતા હોવાના આક્ષેપ સાથે ખેલૈયાઓએ ગરબા સ્થળ પર તોડફોડ કરી હતી. બેનરો, પોસ્ટરો, CCTV પણ તોડી નાખ્યા હતા. અમદાવાદીઓને ગરબા રમવા ન મળતા તેમનું ઉગ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું.
ગરબા રમવા માટે આવેલી પ્રાંજલે જણાવ્યું હતું કે, અમે લોકો તૈયાર થઈને ફોટો પડાવવા માટે તો આવ્યા નહોતા, ગરબા રમવા જ આવ્યા હતા. ગરબા નહોતા થવાના તો પછી અગાઉથી જાણ કરવી જોઈતી હતી, જે કરવામાં આવી નહોતી. એવું કહે છે કે રિફંડ મળી જશે પરંતુ અમે હવે છેલ્લી ઘડીએ બીજે ક્યાંય જઈ પણ શક્યા નથી. તેમજ ગરબા રમવા ન મળતા એક દિવસ પણ બગડ્યો છે.
તો હેલી પટેલે જણાવ્યું હતું કે, અમે સાચી નવરાત્રીમાં પાસ ખરીદીને આવ્યા હતા. પછી ખબર પડી કે એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. તેમજ અંદર જવા દેવામાં ન આવતા કેટલાક લોકોએ તોડફોડ પણ કરી હતી. જો કે ત્યારબાદ ખબર પડી કે ગરબા રમવા દેવા માટે મંજૂરી આપવામાં આવી નથી. તો પછી તેમને અગાઉથી જાણ કરી દેવી જોઈએ જેથી અમે અમારા પૈસા પણ વેસ્ટ ન કરીએ. આવું કંઈ હોય તો અગાઉથી જાણ કરી શકાતી હતી પરંતુ અમને કોઈ જાણ કરવામાં આવી નહોતી. AC ડોમમાં આવ્યા તો લાઇટ પણ બંધ કરી દીધી હતી. ગરબા રમવા ન મળતા કહી ન શકાય એટલું દુઃખ થઈ રહ્યું છે.
પાસ લઈને આવ્યા છતા એન્ટ્રી ન મળતા લોકોનો ગુસ્સો સ્વાભાવિક છે કે તે જોવા મળતો હોય છે. રિફંડ કઈ રીતે મળશે તેને લઈને આયોજકો દ્વારા હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જે ખેલૈયાઓએ શો મેટ એપ પરથી ટિકિટ બુક કરી છે અને તેમાં રિફંડનો વિકલ્પ આપવામાં આવ્યો નથી. ટિકિટનું રિફંડ કેવી રીતે મેળવવું તેના માટે હજી સુધી લોકોમાં અસમંજસની સ્થિતિ છે. એ સાથે જ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટમાં પણ લોકો સાચી નવરાત્રીનું આયોજન ખૂબ ખરાબ હોવાને લઈને જણાવ્યું છે.
આ ઘટના દર્શાવે છે કે ગરબા આયોજકોએ સમયસર તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરવી કેટલી આવશ્યક છે. પરવાનગીના અભાવે માત્ર આયોજકોને જ નહીં, પરંતુ ઉત્સાહભેર ગરબા રમવા આવેલા ખેલૈયાઓને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. હવે જોવું રહ્યું કે આયોજકો રિફંડ બાબતે શું નિર્ણય લે છે અને ખેલૈયાઓને ક્યારે ન્યાય મળે છે.

