- Gujarat
- આદિત્ય ગઢવી-હાર્દિક દવેના ગરબા વિવાદમાં કાજલ હિન્દુસ્તાનીની એન્ટ્રી, કહ્યું- લઘુમતીઓને ઘરે બોલાવી તમ...
આદિત્ય ગઢવી-હાર્દિક દવેના ગરબા વિવાદમાં કાજલ હિન્દુસ્તાનીની એન્ટ્રી, કહ્યું- લઘુમતીઓને ઘરે બોલાવી તમારી બહેન-દીકરીઓ સાથે રમાડો
અમદાવાદમાં નવરાત્રિમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરબાની રમઝટ જામી છે. જાણીતા ગાયકોના સૂર અને ઢોલના તાલે ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઘૂમી રહ્યા છે. જોકે, અમદાવાદમાં આદિત્ય ગઢવીના ‘રંગ મોરલા’ ગરબા કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી કરવામાં આવેલી એક જાહેરાત ચર્ચાનો વિષય બની છે. અન્ય ધર્મના લોકોને ગરબાના સ્થળેથી બહાર નીકળી જવા અંગે કરવામાં આવેલી જાહેરાત અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની હેલ્પલાઈનનો ઉલ્લેખ સામે આવ્યા બાદ આ મુદ્દે વિવાદ ઊભો થયો છે.
આ જાહેરાત સ્ટેજ પરથી RJ આકાશ દ્વારા કવામાં આવી હતી, જેને લઈને વિવાદ સર્જાયો હતો. જો કે, બાદમાં આદિત્ય ગઢવી અને RJ આકાશે આ મુદ્દે સ્પષ્ટતા કરતી સંયુક્ત પોસ્ટ ઈન્સ્ટાગ્રામ કરી હતી. જેમાં લખ્યું હતું કે, એક જૂથે બેકસ્ટેજ પર કબજો જમાવ્યો અને મારા પ્લેટફોર્મનો ઉપયોગ એવું કંઈક કરવા માટે કર્યો, જે હું ક્યારેય નહીં કરું. આ ઘટનાને લઈને ગાયક હાર્દિક દવેએ પણ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરતાં ધર્મના આધારે ભેદભાવ ન કરવા અપીલ કરી છે.
આ મામલે ગાયક હાર્દિક દવેએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી મૂકીને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે પોતાની પોસ્ટમાં ધર્મના આધારે કોઈને ગરબા સ્થળ છોડવા કહેવાની માનસિકતા સામે સવાલ ઉઠાવ્યો હતો. હાર્દિક દવેએ લખ્યું કે, એક ગરબા કાર્યક્રમમાંથી આવી જાહેરાત સાંભળીને તેમને ખૂબ દુઃખ થયું છે.
તેમણે પોતાની લાગણી વ્યક્ત કરતાં સવાલ કર્યો હતો કે, મુસ્લિમ વ્યક્તિને સ્થળ છોડવા માટે કેવી રીતે કહી શકાય? આ પ્રકારની ઘટનાને તેમણે બીજા વિશ્વયુદ્ધ પહેલાંના જર્મનીમાં યહૂદીઓને સ્થળ છોડવા કહેવાની ઘટનાઓ સાથે સરખાવી હતી. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે, ભારતની ઓળખ આવી નથી અને ધર્મ, જાતિ કે રંગના આધારે ભેદભાવ સ્વીકાર્ય ન હોવો જોઈએ.
હાર્દિક દવેએ પોતાની પોસ્ટમાં એમ પણ લખ્યું હતું કે, જો તેમને આ પ્રકારના ભેદભાવ માટે દબાણ કરવામાં આવશે, તો તેઓ પોતાના નવરાત્રિના નવ દિવસના ગરબા કાર્યક્રમો છોડી દેવા પણ તૈયાર છે. તેમની આ પ્રતિક્રિયા દ્વારા તેમણે ગરબા જેવા સાંસ્કૃતિક અને ધાર્મિક ઉત્સવમાં સૌને સમાન રીતે જોડાવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
હવે આ સમગ્ર વિવાદમાં કાજલ હિન્દુસ્તાની પણ કૂદી પડી છે. તેણે આદિત્ય ગઢવીની સાથેસાથે હાર્દિક દવેને પણ ટાર્ગેટ કરતા કહ્યું કે, લઘુમતીઓને તમારા ઘરે બોલાવી તમારી બહેન-દીકરીઓ સાથે ગરબા રમાડો. પૈસા હિન્દુઓ પાસેથી લેવા છે અને વિરોધ પણ તેમનો જ કરવો છે. ભજન બંધ કરી કવાલી શરૂ કરી દો.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, કાજલ હિન્દુસ્તાનીના વાયરલ કરેલા વીડિયોમાં કહ્યું કે, કર્ણાવતીમાં બજરંગ દળ દ્વારા પંડાલમાંથી જાહેરાત કરાવી હતી કે ગરબામાં કોઈ મુસ્લિમ હોય તો તે ગરબા પંડાલ છોડીને જતો રહે. તેમાં જે આદિત્ય ગઢવી સિંગર હતા, તેમને તે ગમ્યું નહીં. આદિત્ય ગઢવી એવી જાહેરાત કરી કે બધા લોકો મારા કાર્યક્રમમાં આવી શકે છે. આદિત્ય ગઢવીનું મને એ નથી સમજાતું કે માતાજીની શક્તિની ઉપાસના કરનાર વ્યક્તિને મહિસાસુરથી આટલો બધો ડર કેમ લાગે છે?
સિંધુ સોસાયટીના ફ્રન્ટ લાઈન વોરિયર છે તે બજરંગ દળ તેના વિરોધમાં ઉતરી ગયા છે. તેમજ અન્ય એક હાર્દિક દવે જે સંગીતકાર છે તે એક પગલું આગળ ચાલીને આવ્યા હતા. નાઝી અને યહૂદીઓ વિશે ઉદાહરણ આપીને કહે છે કે, ગરબા પંડાલમાંથી જે જાહેરાત થઈ તેનાથી એવું લાગી રહ્યું હતું કે નાઝીઓએ યહૂદીઓ પર અત્યાચાર કરી દેશની બહાર જવાનું કહ્યું હતું.
હાર્દિક દવે પર કટાક્ષ કરતા કાજલ હિન્દુસ્તાનીએ જણાવ્યું કે, તો હાર્દિક દવે એવું છે કે હોશિયાર બધા છે, તમે મૂર્ખ છો એટલે તમને લાગે છે કે બધા મૂર્ખ છે. તમારે યહૂદીઓના ઉદાહરણ આપવાના બદલે કશ્મીરી સાત લાખ કશ્મીરી હિન્દુઓને કાઢવામાં આવ્યા હતા, છોકરાઓને મારીને ઘાટી ખાલી કરવામાં આવી હતી તે ઉદાહરણ તમને કેમ ન દેખાયું. આટલા દૂર સુધી તમારી યાદદાસ ઓછી હોય તો પહેલગામનો આતંકવાદી હુમલો ન દેખાયો, જેમાં મુસ્લિમઓએ AK47 લઈને ધર્મ પૂછીને હિન્દુઓની હત્યા કરી નાખી હતી. તમને એટલો પણ વિદેશીઓથી પ્રેમ હોય તો પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાં જે હિન્દુઓ પ્રતારિત થયા છે, તેનું પણ તમે ઉદાહરણ આપી શકતા હતા.
કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું કે, બંગાળમાં પણ બહેનો દીકરીઓના ઘરમાં ઘૂસીને બળાત્કાર કરવામાં આવે છે. હિન્દુઓને પલાયન કરવા પર મજબૂર કરી દીધા છે. આ મુસ્લિમોથી તમને એટલો બધો પ્રેમ ઉભરતો હોય તો તમારા ઘરે બોલાવો અને દાંડિયા રમાડો. જેટલું પણ રમાડવું હોય તેટલું તમારા બહેનો દીકરીઓ સાથે રમાડો, અમારી બહેનો દીકરીઓનો તમે કોઈ ઠેકો નથી લીધો.
લવજેહાદની ઘટના બને ત્યારે તમે કોઈપણ બચાવવા માટે આવતા નથી. તમે હવે કવાલીઓ ગાવવાનું શરૂ કરી દો અને ભજન ગાવાનું બંધ કરી દો, તે તમારા એજન્ડાને શૂટ થાય છે. પૈસા તમારે હિન્દુઓ પાસેથી લેવા છે અને વિરોધ પણ તમારે હિન્દુઓનો કરવો છે.

