- Gujarat
- ભાજપના સાંસદે કેમ કહ્યું- ગાંધીનગરવાળા પણ દૂધના ધોયેલા નથી, બધાને..
ભાજપના સાંસદે કેમ કહ્યું- ગાંધીનગરવાળા પણ દૂધના ધોયેલા નથી, બધાને..

ભાજપના સાંસદ મનસુખ વસાવા હંમેશાં પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, તેઓ ક્યારેક અધિકારીઓને આડેહાથ લઈ લે છે તો ક્યારેક પોતાની જ પાર્ટીને કઠેડામાં ઊભા કરી દે છે. આ વખત પણ કંઈક એવું જ કંઇક બન્યું છે. આ વખતે મનસુખ વસાવાએ ભરુચ માનરેગા કૌભાંડ પર કઈક એવું નિવેદન આપી દીધું છે, કે જેના કારણે રાજકીય ગરમાવો ચરમસીમા પર પહોંચી ગયો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભરુચ MNREGA કૌભાંડમાં ભાજપ, કોંગ્રેસ સહિતના વિવિધ પક્ષોના નેતાઓને અને અધિકારીઓ પણ હપ્તા મળ્યા હોવાનો દાવો કર્યો છે. આ દાવાઓએ રાજ્યના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે.
મનસુખ વસાવાએ કહ્યું કે, કૌભાંડ કરનારી એજન્સીના કેટલાક લોકો તેમને મળવા આવ્યા હતા અને રાજપીપળા ગેસ્ટ હાઉસમાં થયેલી જાહેરમાં મીટિંગ દરમિયાન તેમણે એક લિસ્ટ બતાવી હતી, જેમાં કૌભાંડના ભાગરૂપે દરેક પાર્ટીના નેતાઓને ચૂકવવામાં આવેલા રૂપિયાનો ઉલ્લેખ હતો. વિપક્ષના નેતાઓ જે આરોપ લગાવી રહ્યા છે, તેમાંથી જ કેટલાક શાહુકાર બન્યા છે. વિપક્ષના નેતાઓએ પણ રૂપિયા લીધા છે.

વસાવાએ 'સ્વર્ણિમ' નામની એજન્સીનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે, આ સ્વર્ણિમ એજન્સીએ MNREGA હેઠળ કામ કર્યા છે. આ એજન્સીના કામોની પણ વિસ્તૃત તપાસ થવી જોઈએ. મનસુખ વસાવાએ રાજ્ય સરકારને અપીલ કરી છે કે MNREGA યોજના હેઠળ થયેલા કામોની દરેક જિલ્લામાં CIDની ટીમ દ્વારા તપાસ કરાવવામાં આવે. આ માગણીથી કૌભાંડનો વ્યાપ સમગ્ર ગુજરાતમાં વિસ્તરવાની સંભાવના છે.
વસાવાએ આ કૌભાંડને ગાંધીનગર લેવલનું સેટિંગ ગણાવ્યું. જ્યાં એજન્સીને કામ મળે ત્યાં સુધીનું આયોજન હોવાનો દાવો કર્યો. તેમણે કહ્યું કે, ‘ગાંધીનગરવાળા દૂધના ધોયેલા નથી અને દીવા તળે અંધારું છે એ જોતા નથી. મનસુખ વસવાના જણાવ્યા અનુસાર, આ કૌભાંડમાં બધાને ટકાવારી મળી છે, જેમાં દરેક પાર્ટીના લોકો, મંત્રીઓ, સચિવો અને અધિકારીઓ સામેલ. વસાવાએ સ્વર્ણિમ એજન્સીની તપાસ ન થવા પર પણ સવાલ ઉઠાવ્યો અને માગ કરી કે માત્ર ભરૂચ કે નર્મદા જ નહીં, પરંતુ આખા ગુજરાતમાં MNREGAના કામોની તપાસ થવી જોઈએ. જો કે બાદમાં તેમણે નિવેદન બદલી નાખ્યું કે ગાંધીનગરની કચેરી સુધીનું સેટિંગ હોય છે.

જોકે, આટલા મોટા દાવા કર્યા બાદ વસાવાએ હપ્તા મેળવનારાઓની લિસ્ટ રજૂ કરવાની જગ્યાએ માત્ર મૌખિક દાવાઓ કર્યા. તેમણે જણાવ્યું કે આ બધી માહિતી એજન્સીના માણસો દ્વારા તેમને કહેવામાં આવી હતી. ત્યારબાદ વસાવાએ સફાઇ આપવાનો પ્રયાસ કરતા કહ્યું કે, આ બધું એજન્સીએ કહ્યું એમાં તથ્ય કેટલું છે એ તપાસનો વિષય છે.
તો આ નિવેદન બાદ ડેડિયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા મનસુખ વસાવા પર પલટવાર કરવાનું ક્યાં ચૂંકવાના હતા. તેમણે કહ્યું કે આ એ જ મનસુખ વસાવા છે જેમણે પહેલા MNREGA કૌભાંડમાં એજેન્સીઓનો બચાવ કર્યો હતો અને હવે તેમણે જ તેમની સરકારમાં ઉપર સુધી ચાલતા ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે. મનસુખ વસાવાને પોતાની જ સરકારનું કૌભાંડ ઉજાગર કરવા બદલ અભિનંદન. અગાઉ આ એજન્સીનો બચાવ કરનાર વસાવાએ હવે બધી માહિતી જાહેર કરવી જોઈએ. આ એજન્સીના મોટા કૌભાંડો માટે આઉટસોર્સિંગ કે પંચાયતોની જગ્યાએ ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. અમારી માગ છે કે હાઈકોર્ટના રિટાપર્ડ ન્યાયાધીશની અધ્યક્ષતામાં CBI અને ED દ્વારા તપાસ થાય. નાના ગુનેગારો પર દાદાનું બુલડોઝર ફરે છે, ત્યારે ગૃહમંત્રીની કોઈને ન છોડવાની નીતિ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન સાબિત કરવાનો આ યોગ્ય સમય છે.