- Gujarat
- સુરત જિલ્લા ગ્રાહક કમિશનની નોંધપાત્ર કામગીરી : માત્ર 4.5 વર્ષમાં 5,015 કેસોનો નિકાલ
સુરત જિલ્લા ગ્રાહક કમિશનની નોંધપાત્ર કામગીરી : માત્ર 4.5 વર્ષમાં 5,015 કેસોનો નિકાલ
સુરત : સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય) તથા તાપી દ્વારા છેલ્લા સાડા ચાર વર્ષમાં ગ્રાહક તકરારોના ઝડપી નિકાલની નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. તા. 1 એપ્રિલ 2022થી 30 સપ્ટેમ્બર 2026 સુધીના સમયગાળામાં કુલ 7,656 કેસો દાખલ થયા છે, જે પૈકી 5,015 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું સિનિયર એડવોકેટ શ્રેયસ દેસાઈએ જણાવ્યું છે.
તેમણે જણાવ્યું કે સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય)ના પ્રમુખ પી. પી. મેખિયા તથા સભ્ય તીર્થેશ પી. મહેતા દ્વારા ગ્રાહક કેસોના ઝડપી અને અસરકારક નિકાલ માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા છે.
આંકડાકીય વિગતો મુજબ વર્ષ 2022માં 873 કેસ દાખલ થયા અને 616 કેસોનો નિકાલ થયો હતો. વર્ષ 2023માં 1,763 કેસ દાખલ થયા અને 1,053 કેસોનો નિકાલ થયો હતો. વર્ષ 2024માં 1,744 કેસ સામે 1,114 કેસોનો નિકાલ થયો હતો. વર્ષ 2025માં 1,885 કેસ સામે 1,179 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. વર્ષ 2026માં 30 સપ્ટેમ્બર સુધીમાં 1,391 કેસ દાખલ થયા છે અને 1,053 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.
પાછલા દસ વર્ષની સરખામણીએ સાડા ચાર વર્ષમાં વધુ નિકાલ
સિનિયર એડવોકેટ શ્રેયસ દેસાઈએ ખાસ ધ્યાન દોર્યું હતું કે તા. 1 જાન્યુઆરી 2012થી 31 ડિસેમ્બર 2021 સુધીના પાછલા 10 વર્ષના સમયગાળામાં કુલ 5,457 કેસ દાખલ થયા હતા અને 3,702 કેસોનો નિકાલ થયો હતો. તેની સામે તા. 1 એપ્રિલ 2022થી 30 સપ્ટેમ્બર 2026ના માત્ર ચાર વર્ષ અને છ મહિનાના સમયગાળામાં 7,656 કેસ દાખલ થયા અને 5,015 કેસોનો નિકાલ થયો છે.
આમ, પાછલા દસ વર્ષમાં થયેલા 3,702 કેસોના નિકાલની સામે છેલ્લા સાડા ચાર વર્ષમાં 1,313 વધુ કેસોનો નિકાલ થયો છે. એટલું જ નહીં, પાછલા દસ વર્ષમાં દાખલ થયેલા કુલ કેસોની સંખ્યા કરતાં પણ છેલ્લા સાડા ચાર વર્ષમાં દાખલ થયેલા કેસોની સંખ્યા નોંધપાત્ર રીતે વધારે રહી છે.
સિનિયર એડવોકેટ શ્રેયસ દેસાઈએ જણાવ્યું હતું કે ગ્રાહક કમિશનમાં કેસોનો સમયસર નિકાલ થાય તે ગ્રાહકોને અસરકારક ન્યાય મળવા માટે અત્યંત જરૂરી છે. મોટી સંખ્યામાં નવા કેસો દાખલ થતા હોવા છતાં આટલી મોટી સંખ્યામાં કેસોનો નિકાલ થવો એ કમિશનની નોંધપાત્ર કામગીરી દર્શાવે છે.
આ કામગીરી બદલ તેમણે પ્રમુખ પી. પી. મેખિયા, સભ્ય તીર્થેશ પી. મહેતા, સ્ટેનો-ટાઇપિસ્ટ કલ્પેશભાઈ તેમજ કમિશનના અન્ય સ્ટાફની કામગીરીની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં પણ ગ્રાહકોને ઝડપી તથા અસરકારક ન્યાય મળે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

