- Gujarat
- સુરતના ઇજનેર- કલાકારે રજૂ કર્યું 4 કિમીમાં 20 લાખ લોકો વસી શકે તેવું ગ્રીન ગ્લોબલ સ્માર્ટ સિટી
સુરતના ઇજનેર- કલાકારે રજૂ કર્યું 4 કિમીમાં 20 લાખ લોકો વસી શકે તેવું ગ્રીન ગ્લોબલ સ્માર્ટ સિટી
સુરત: સુરતના કલાકાર અને ઇજનેર શૈલેષ ટંડેલે એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગ્રીન ગ્લોબલ સ્માર્ટ સિટીનો આઇડિયા રજૂ કર્યો છે. આ પ્રોજેક્ટમાં લોકોને પર્યાવરણની રીતે સંવેદનશીલ અને ટેકનોલોજીકલી અદ્યતન શહેરમાં કેવી રીતે જીવવું, કામ કરવું અને પ્રગતિ કરવી તે માટેની નવી કલ્પના રજૂ કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટ પાંચ વર્ષના સંશોધન અને અદ્યતન કન્સ્ટ્રક્શન થિયરીના વિકાસનું પરિણામ છે, જેની ઉપર ટંડેલે સતત કામ કર્યું છે. તેમની પદ્ધતિ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને નિર્માણ પ્રક્રિયાને ઝડપી બનાવવાની સાથે ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરવાનું લક્ષ્ય ધરાવે છે. તેમના આ આઇડિયામાં અગ્રણી બિલ્ડરો અને આર્કિટેક્ટ્સ રસ બતાવી રહ્યા છે.
1,500 મીટર ઊંચાઈ અને 1,000 મીટર વ્યાસ ધરાવતું આ મેગા-સ્ટ્રક્ચર આશરે 20 લાખ લોકો માટે ચાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં નિવાસની સુવિધા પૂરી પાડશે અને તેની આસપાસ વિશાળ ડિઝાઇનર જંગલ હશે. ટંડેલે તેને બાંધકામ અને શહેરી વિકાસ ઉદ્યોગ માટે “ગેમ-ચેન્જર” સાબિત થાય તે રીતે તૈયાર કર્યું છે.
આ પ્રોજેક્ટ અદ્યતન એન્જિનિયરીંગને પર્યાવરણ જાગૃતિ સાથે જોડે છે, જેથી આધુનિક શહેરી જીવન અને કુદરતના સંરક્ષણ વચ્ચે સંતુલન જળવાઈ શકે. સાથે જ તે તમામ સામાજિક અને આર્થિક વર્ગો માટે રોજગાર અને તકો પૂરી પાડશે.

આ ફ્યુચરિસ્ટિક શહેરમાં 10,000 ફ્લેટ્સ અને 12 સંસ્કૃતિસભર ગામો હશે, જેને અદ્યતન ઓટોમેટેડ ટ્રાન્સિટ સિસ્ટમ દ્વારા જોડવામાં આવશે. બ્લૂપ્રિન્ટમાં આંતરરાષ્ટ્રીય સ્તરના રમતગમતના મેદાનો આકાશી ઊંચાઈએ હશે, વિશ્વસ્તરની શાળાઓ, યુનિવર્સિટીઓ, આર એન્ડ ડી હબ્સ, વેલનેસ સેન્ટર્સ તથા ફિલ્મ સ્ટુડિયો, આર્ટ ગેલેરી, સાયન્સ સેન્ટર, ઓડિટોરીયમ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
ટંડેલના જણાવ્યા મુજબ, આ શહેર એક લાખથી વધુ સીધા અને ચાર લાખ પરોક્ષ રોજગાર ઉત્પન્ન કરશે. સમગ્ર શહેર સૂર્ય, પવન અને અન્ય નવીન સ્રોતો પરથી પ્રાપ્ત થતી નવીનીકરણીય ઊર્જાથી ચાલશે. તેમાં બહુસ્તરીય ઓર્ગેનિક ખેતી, આધુનિક ડેરી અને બાયોગેસ સુવિધાઓનો સમાવેશ થશે. ડિઝાઇનમાં અદ્યતન ટ્રાન્સિટ સિસ્ટમ, ડિજિટલ કરન્સી, રિસાયક્લિંગ અને હાનિકારક ઉત્પાદનોને દૂર કરવા પર ખાસ ભાર મુકાયો છે. સાથે જ વન્યજીવનના સંરક્ષણ અને આદિવાસી સંસ્કૃતિના જતન માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
સંકલ્પના અંગે વાત કરતાં શૈલેષ ટંડેલે કહ્યું,“મારું ગ્રીન ગ્લોબલ સ્માર્ટ સિટીનું સ્વપ્ન માત્ર એક ઢાંચો ઊભો કરવાની વાત નથી, પણ કુદરતનું ધ્યાન રાખતી, સંસ્કૃતિનું સન્માન કરતી અને ટેકનોલોજીથી માનવજીવન સુધારતી સ્વસ્થ અને સર્જનાત્મક સમાજ રચવાની વાત છે. મારું ધ્યેય છે બતાવવું કે ભવિષ્યના શહેરો કેવી રીતે પર્યાવરણમિત્ર, આર્થિક, ટકાઉ અને કળાત્મક રીતે પ્રેરણાદાયક બની શકે।”
તેમણે ઉમેર્યું,“આ સંકલ્પના બાંધકામ થિયરીને આગળ ધપાવવાની પણ છે. અદ્યતન પદ્ધતિઓને જોડીને આપણે નિર્માણ પ્રક્રિયાને ઝડપી બનાવી શકીએ, ખર્ચ ઘટાડી શકીએ અને છતાં પણ ટકાઉ મેગા-સ્ટ્રક્ચર ઊભું કરી શકીએ. આ સદી સુધી ટકાવી શકાય તેવું શહેરનું મોડેલ છે.”
આ ફ્યુચરિસ્ટિક સિટી બાંધવા માટે અંદાજિત ખર્ચ રૂપિયા 3 લાખ કરોડ રહેશે. નિવાસ અને રોજગાર સાથે પ્રોજેક્ટમાં ટૂરિઝમ, એક્ઝિબિશન્સ, ફેશન શો, આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો અને શહેર-નિર્માણના આ મોડલના લાઈસન્સિંગથી આવકના સ્ત્રોતો પણ છે. આ પ્રોજેક્ટનું એક મોડેલ હાલમાં સુરતના વેસુ વિસ્તારમાં આવેલી વેનેસિયાનો મોલમાં જોવા મળી શકે છે.
જ્યારે આ પ્રોજેક્ટ હાલમાં સંકલ્પના સ્તરે છે, ત્યારે પણ ટંડેલ માને છે કે તે શહેરી ભીડ, વસ્તી વૃદ્ધિ, સ્રોતોની અછત અને પર્યાવરણના હ્રાસ જેવા પડકારોનો વ્યવહારુ ઉપાય છે. તેમનો દ્રષ્ટિકોણ ગ્રીન ગ્લોબલ સ્માર્ટ સિટીને ભવિષ્ય માટે એક ટકાઉ વિકલ્પ તરીકે તથા માનવ સમાજ કુદરત સાથે કેવી રીતે સુમેળમાં જીવી શકે તેના સંપૂર્ણ દસ્તાવેજ તરીકે સ્થાપિત કરે છે.

