આજે સુરેન્દ્રનગરનો વારો, લખતરમાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ, અમદાવાદ સહિત 6 જિલ્લામાં આજે રેડ એલર્ટ

ગુજરાતને મેઘો ફરી ઘમરોળી રહ્યો છે, મેઘરાજા આજે સુરેન્દ્રનગરને ધમરોળી રહ્યો છે. આજે સવારના 6થી 10 વાગ્યા સુધીમાં 187 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના લખતરમાં 4.33 ઇંચ વરસાદથી તારાજી સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના જ દૃશ્યો જોવા મળી રહ્યા છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સુરેન્દ્રનગરના લખતરમાં એકબાજુ ઉમઈ નદીના પાણી અને બીજી તરફ રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતાં લીલાપુર ગામ સંપર્કવિહોણું બન્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના લીલાપુર ગામ નજીક આવેલી ઉમઈ નદીનો પાળો તૂટતા તેના પૂરના પાણી લીલાપુર ગામના ભરવાડ વાસમાં ફરી વળ્યા હતા. ઘરોમાં પાણી ઘૂસી જતા સ્થાનિકોની ઘરવખરી સહિતનો સામાન પલળી જતાં ભારે નુકસાન થયું છે. તો લીલાપુર ગામ મુખ્ય માર્ગ પર હોવાથી માર્ગ બંધ થતા આગળ આવેલા કારેલા, ઈંગરોળી અને સવલાણા સહિતના ગામોનો પણ તાલુકા મથક લખતર સાથેનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે.  જ્યારે અમદાવાદમાં પણ સવારથી કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા ગઇકાલથી મનમૂકીને વરસી રહ્યા છે. અમદાવાદ સિવાય મોરબી, રાજકોટ, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

WhatsApp Image 2026-08-01 at 12.43.39 PM

સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેર કરાયેલા રેડ એલર્ટ વચ્ચે સતત વરસાદને કારણે વાંસલ ડેમ તેની પૂર્ણ જળસપાટીએ પહોંચીને ઓવરફ્લો થયો છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારના ચુડા અને ગોખરવાળા ગામના લોકોને નદીના પટથી દૂર રહેવા અને પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડવા તાકીદ કરાઈ છે. બીજી તરફ, સતત આવકના કારણે મૂળી તાલુકાનો નાયકા ડેમ પણ 90% ભરાઈ જતાં ગમે ત્યારે દરવાજા ખોલીને પાણી છોડાય તેવી શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને ગૌતમગઢ, કુકડા, ગોદાવરી અને શેખપર ગામના રહીશોને તંત્ર દ્વારા ખાસ સતર્ક રહેવા અને અનિચ્છનીય બનાવ ટાળવા સૂચના અપાઈ છે.

સુરત શહેરમાં વરસાદે થોડા સમયના વિરામ બાદ ફરી એકવાર ધમાકેદાર ઇનિંગ શરૂ કરી છે. અગાઉ સતત વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જોકે, વરસાદ અટકતાં પાણી ઓસરી જતાં સુરતીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ હવે ફરી એકવાર ધોધમાર વરસાદ તૂટી પડતાં માર્ગો પર પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે, જેથી સ્થાનિકોમાં ફરી જળબંબાકાર થવાની ચિંતા વ્યાપી ગઈ છે.

rain2
gujaratsamachar.com

સુરત શહેરની સ્થાનિક ખાડીઓમાં પાણીની વિપુલ આવક શરૂ થઈ ગઈ છે. જેના લીધે ચોમાસામાં દર વખતે પૂરનો ભોગ બનતા સણીયા હેમદ (સણીયા અહેમદ) ગામમાં ફરી એકવાર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. અગાઉના પૂર દરમિયાન આ ગામમાં 10 થી 15 ફૂટ જેટલાં ઊંડાં પાણી ભરાઈ જતાં ભારે તારાજી સર્જાઈ હતી. હાલમાં ફરી રસ્તાઓ પર પાણી આવતાં જ ગ્રામજનો ભય અને ચિંતામાં મૂકાયા છે તથા ગામમાં ફરી પૂરની વિકટ સ્થિતિ ન સર્જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.

દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સવારે 10:00 વાગ્યાના આંકડા મુજબ ઉકાઈ ડેમમાં 3,46,200 ક્યૂસેક પાણીની પુષ્કળ આવક થઈ રહી છે, જેનાથી ડેમની સપાટી 320.82 ફૂટે પહોંચી છે (ભયજનક સપાટી: 345 ફૂટ). બીજી તરફ, રાંદેર સ્થિત વિયર-કમ-કોઝવેની સપાટી ભયજનક 6 મીટરના સ્તરને વટાવીને 7.90 મીટરે પહોંચતાં કોઝવે સંપૂર્ણ ઓવરફ્લો થયો છે. કોઝવેમાંથી તાપી નદીમાં 1,11,223 ક્યુસેક પાણીનો આઉટફ્લો થતાં તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને બંને કાંઠે વહી રહી છે.

વલસાડમાં ઔરંગા નદી ભયજનક સપાટી વટાવ્યા બાદ હવે પૂરના પાણી ઓસરતાં જ શહેર અને ભગડા ખૂર્દને જોડતા પીચિંગ વિસ્તાર સહિતના નીચાણવાળા ભાગોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. નદી કિનારે આવેલી ડમ્પિંગ સાઈટનો કચરો અને કાદવ પૂરના પાણી સાથે ઘસડાઈને રસ્તાઓ અને મકાનો સુધી પથરાઈ જતા ગંદકી ફેલાઈ છે. પરિસ્થિતિને થાળે પાડવા માટે વલસાડ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અશિષ દેસાઈના જણાવ્યા મુજબ 3-4 વિશેષ ટીમો બનાવીને સ્લમ એરિયા અને દાણા બજાર સહિતના વિસ્તારોમાં યુદ્ધધોરણે સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. રોગચાળો ન ફેલાય તે માટે સ્થાનિકો પણ વહેલી તકે કાદવ-કચરો દૂર કરવાની માંગ કરી રહ્યા છે.

નવસારી શહેરમાં પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે શાંતાદેવી રોડ વિસ્તારમાં 10થી 12 ફૂટ જેટલાં પાણી ભરાઈ જતાં એક બીમાર વ્યક્તિ અટવાયા હતા. ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયર બ્રિગેડના જવાનોએ ત્વરિત બોટ મારફતે પૂરના પાણીમાં ઉતરીને દર્દીનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. દર્દીને સલામત રીતે પૂર પ્રભાવિત વિસ્તારમાંથી બહાર કાઢીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ભરૂચ જિલ્લામાં બે દિવસથી વર્ષી રહેલા ભારે વરસાદના કારણે અનેક તાલુકાઓમાં વરસાદી પાણી ભરાઈ જતા સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે ભરૂચ શહેરના વોર્ડ નંબર 2માં આવેલા કૌસરપાર્ક સોસાયટીમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

rain1
gujaratsamachar.com

ભારે વરસાદને કારણે નડિયાદમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને તાલુકા માટે સંજીવની સમાન રમાઘાટ ડેમ ચાલુ ચોમાસાની સીઝનમાં પ્રથમ વખત પૂર્ણ જળસપાટીએ પહોંચીને ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. આ ડેમ છલકાવાથી ગઢડા, માંડવધાર, અડતાળા, લાખણકા, તતાણા અને પીપળ સહિત આસપાસના ૧૫ જેટલા ગામોને પીવાના તેમજ સિંચાઈના પાણીનો સીધો લાભ મળશે. ડેમ ઓવરફ્લો થવાના સમાચાર મળતાં જ ખેડૂતો અને શહેરીજનોમાં ભારે આનંદ વ્યાપી ગયો છે અને મનોરમ્ય દ્રશ્યો નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ડેમ પર ઉમટી પડ્યા છે.

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં વરસી રહેલા સતત વરસાદને કારણે નિલકા નદીમાં પાણીની આવકમાં મોટો વધારો થયો છે. જેના પગલે સુંદરીયાણા ગામે આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા આ માર્ગ પરથી વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. કોઝવે બંધ થઈ જતાં રસ્તો રોકાઈ ગયો છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજકોટ શહેરમાં માત્ર બે ઇંચ વરસાદ વરસતા શહેરના પોપટપરા વિસ્તારમાં આવેલ ગરનાળામાં પાણી ભરાવવાની શરૂઆત થઇ ચુકી છે. ગરનાળામાં પાણી ભરાવાની સાથે જ ગરનાળું તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે અને પોલીસ તેમજ મનપા સ્ટાફને ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યો છે.

બન્ને તરફથી ગરનાળું બંધ કરી દેવામાં આવતા રેલનગર, પોપટપરા, રેફ્યુજી કોલોની, રૂખડિયાપરા વિસ્તારના 50,000 જેટલા લોકોને અવરજવર કરવામાં અસર પહોંચી શકે છે અને તેઓને ફરીને એક તરફથી બીજી તરફ અવરજવર કરવી પડે છે. વર્ષો જૂની આ વિસ્તારની સમસ્યા છે અને નજીવા એકથી બે ઇંચ વરસાદમાં જ ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

ભારત સહિત 60 દેશોમાંથી ટેરિફ દૂર કરવાની માંગણી સાથે USના 25 રાજ્યો ટ્રમ્પને કોર્ટમાં લઈ ગયા

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના પોતાના દેશના ન્યાયતંત્ર તરફથી અનેક વખતે ઝટકો લાગ્યો છે. US કોર્ટ દ્વારા તેમના ઘણા ટેરિફ...
World 
ભારત સહિત 60 દેશોમાંથી ટેરિફ દૂર કરવાની માંગણી સાથે USના 25 રાજ્યો ટ્રમ્પને કોર્ટમાં લઈ ગયા

આ વખતે પોલીસ કીર્તિ પટેલને મૂકવાની નથી લાગતી, લેન્ડ ગ્રેબિંગ કેસમાં જેલમાં પોલીસે ધરપકડ કરી

વિવાદો સાથે જૂનો નાતો ધરાવતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. બદનક્ષી અને ખંડણી જેવા...
Gujarat 
આ વખતે પોલીસ કીર્તિ પટેલને મૂકવાની નથી લાગતી, લેન્ડ ગ્રેબિંગ કેસમાં જેલમાં પોલીસે ધરપકડ કરી

હિન્દુ-મુસ્લિમ મિત્રો સાથે લાવ્યા કાંવડ; 101 લીટર પાણીથી શિવલિંગ પર કર્યો અભિષેક

પવિત્ર શ્રાવણ મહિનાના પહેલા સોમવારે રાજસ્થાનના સૈપઉ મહાદેવ મંદિરમાં સાંપ્રદાયિક સૌહાર્દનું એક અદ્ભુત ઉદાહરણ જોવા મળ્યું. 6 હિન્દુ અને મુસ્લિમ...
હિન્દુ-મુસ્લિમ મિત્રો સાથે લાવ્યા કાંવડ; 101 લીટર પાણીથી શિવલિંગ પર કર્યો અભિષેક

જંતર-મંતર પર અભિજીત દીપકે સાથે સ્ટેજ શેર કરનાર કોન્સ્ટેબલને ઉત્તરાખંડ પોલીસે નોકરીમાંથી કાઢી મુક્યો

ઉત્તરાખંડ પોલીસે શિસ્ત, પ્રામાણિકતા અને સેવા આચરણના નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપસર પોતાના એક કોન્સ્ટેબલને નોકરીમાંથી બરતરફ કરી દીધો છે....
National 
જંતર-મંતર પર અભિજીત દીપકે સાથે સ્ટેજ શેર કરનાર કોન્સ્ટેબલને ઉત્તરાખંડ પોલીસે નોકરીમાંથી કાઢી મુક્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.