- Gujarat
- વૃદ્ધો પાછળ ભાગી ન શકે એટલે તેમને જ ટાર્ગેટ બનાવતી મહિલાઓની આ ટોળકી, ચેન ચોરી ભાગી જતી
વૃદ્ધો પાછળ ભાગી ન શકે એટલે તેમને જ ટાર્ગેટ બનાવતી મહિલાઓની આ ટોળકી, ચેન ચોરી ભાગી જતી
લૂંટારુ દુલ્હનોની ઘટનાઓ વિશે તમે ઘણું સાંભળ્યું હશે. દુલ્હનો લગ્ન કરીને પૈસા-ઘરેણાં જેવી કિંમતી વસ્તુઓ લઈને ફરાર થઈ જતી હોય છે. અને બીજી જગ્યાએ જઈને પણ આવી ઘટનાઓને અંજામ આપતી હોય છે. આવી દુલ્હનોની ગેંગ હોય છે, પરંતુ સુરતથી જે ઘટના સામે આવી છે તે જરા ચોંકાવનારી છે. સુરતમાં એક મહિલા ટોળકી વૃદ્ધ મહિલાઓને ટારગેટ કરીને ચેઇન ચોરી કરતી હતી, પરંતુ કહેવાય છે કે ‘કાનૂન કે હાથ લાંબે હોતે હૈ, બચના આસાન નહીં..’ એવું જ કંઈક થયું આ ચેઇન ચોરતી મહિલાઓની ટોળકી સાથે. સુરત ક્રાઇમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, સુરતના વેસુ નંદિની-1માં કથામાં ભીડનો લાભ લઈ 7 વૃદ્ધાની ચેઇન ચોરી કરી હતી અને સુરત ક્રાઈમબ્રાન્ચે 3 મહિલાઓને ઝડપી પાડી છે. વૃદ્ધો ચા-નાસ્તાના સ્ટોલ પર ચા પીતા હતા અને ત્યારે ચોર ટોળકીએ હાથ સાફ કરી નાખ્યા હતા. હાલ પોલીસે 3 મહિલાઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
શું છે આખો મામલો?
27 ડિસેમ્બર, 2025ના રોજ બપોરે 3-7 વાગ્યા દરમિયાન કથાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ સમયે કથામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભક્તિમય માહોલ વચ્ચે ભીડનો લાભ ઉઠાવી અજાણ્યા ઇસમે મહિલાઓની નજર ચૂકવીને તેમના ગળામાંથી કિંમતી સોનાના ઘરેણાં ચોરી લીધા હતા. જેમાં ફરિયાદીના ગળામાંથી 22 ગ્રામની સોનાની ચેઈન સહિત કુલ 7 મહિલાઓના ઘરેણાં ચોરાયા હતા.
આ મામલે વેસુમાં જ રહેતા 68 વર્ષીય વૃદ્ધા દ્રોપધીબેન પિતામ્બરદાસ ગુસ્નાનીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ મુજબ, તસ્કરોએ જે 7 ચેઈનની ચોરી કરી છે, તેનું કુલ વજન આશરે 140 ગ્રામ જેટલું થાય છે. આ સોનાના ઘરેણાંની બજાર કિંમત અંદાજે 6,77,000 આંકવામાં આવી છે. કથા પૂર્ણ થયા બાદ જ્યારે મહિલાઓને તેમના ગળામાંથી ચેઈન ગાયબ હોવાની જાણ થઈ ત્યારે સમગ્ર પંડાલમાં હાહાકાર મચી ગયો હતો.
ચોરીની ઘટના અંગેની જાણ થતા જ વેસુ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હવે સુરત ક્રાઈમબ્રાન્ચે 3 મહિલાઓને ઝડપી પાડી છે. હવે જોવાનું એ રહેશે કે આ મામલે શું નવા ખુલાસા થાય છે? શું તેમની સાથે બીજી મહિલાઓ પણ આ ઘટનામાં સંડોવાયેલી હતી? શું આ મહિલાઓની ગેંગ અગાઉ પણ ક્યાંક આવી ઘટનાઓને અંજામ આપી ચૂકી છે? એ તો પોલીસ પૂછપરછ બાદ જ વધુ માહિતી સામે આવશે.

