- Gujarat
- ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: અઠવાડિયું વરસાદી માહોલ, દરિયા તરફ ન જવાની સૂચના
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: અઠવાડિયું વરસાદી માહોલ, દરિયા તરફ ન જવાની સૂચના
ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મહેરબાન છે અને આગામી સાત દિવસ સુધી એવી સ્થિતિ યથાવત રહેશે. હવામાન વિભાગે ગઈકાલે ભારે વરસાદની આગાહી ન હોવા છતાં અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી હતી. દરિયાકાંઠે હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખી માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.
ત્રણ સિસ્ટમની સાથોસાથ સક્રિયતા
હવામાન વિભાગ અનુસાર હાલમાં ત્રણ મહત્વની સિસ્ટમ સક્રિય છે:
લોઅર પ્રેશર સિસ્ટમ – ઉત્તરપશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં સક્રિય છે.
મોન્સૂન ટ્રફ લાઇન – ઉત્તરપૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણ બાંગ્લાદેશ સુધી ગુજરાત તરફ ફેલાઈ છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન – મધ્યપ્રદેશ, ઝારખંડ, ઉત્તર છત્તીસગઢ અને ગંગા પશ્ચિમ બંગાળ વિસ્તારમાં લગભગ 3.1 કિમી ઊંચાઈએ પ્રવાહી દબાણ સાથે સંકળાયેલું છે. આ ત્રણે સિસ્ટમ સાથે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે.
24 કલાકમાં 145 તાલુકામાં વરસાદ
સોમવારે સવારે 6 વાગ્યાથી મંગળવારે સવારે 6 વાગ્યા સુધી રાજ્યના 145 તાલુકામાં વરસાદ થયો છે. તેમાં સૌથી વધુ ઉમરપાડા (સુરત): 4.75 ઇંચ, છોટાઉદેપુર શહેર: 3.25 ઇંચ, બોડેલી: 3 ઇંચ, જાંબુઘોડા (પંચમહાલ): 2.5 ઇંચ, પાવી જેટપુર અને સોનગઢ: 2.25 ઇંચ, ગરબાડા અને ડોલવણ: 2 ઇંચ અને અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે.
ધરોઈ ડેમ અને સંત સરોવરમાં પાણીની વધતી આવક
સાબરમતી નદી પર આવેલા ધરોઈ ડેમમાં હાલમાં 83.55% પાણી ભરાઈ ચૂક્યું છે. વધુ વરસાદને પગલે ઉપરવાસ તરફથી સતત પાણીની આવક થઈ રહી છે. પરિણામે સોમવારે સવારે ડેમમાંથી 4 દરવાજા ખોલી 10,493 ક્યૂસેક પાણી છોડાયું. બપોરે 1 દરવાજો બંધ કરીને 3 દરવાજા ખોલી પ્રતિ કલાક 7,590 ક્યૂસેક પાણી છોડાયું. આ વધતી આવકના કારણે ગાંધીનગરના સંત સરોવર વિયરના રૂટ લેવલને જાળવી રાખવા દરવાજાઓ છેલ્લા 20 દિવસથી ખુલ્લા રાખવામાં આવ્યા છે.
નર્મદા ડેમમાં પણ પાણીની વધુ આવકની તૈયારી
મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમ એલર્ટ મોડ પર છે. ઇન્દિરા સાગર ડેમમાંથી ટૂંક સમયમાં 2.62 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવશે, જે અંદાજે 32 કલાકમાં સરદાર સરોવર નર્મદા ડેમ સુધી પહોંચી જશે. હાલ નર્મદા ડેમની સપાટી 124.31 મીટર છે (મહત્તમ સપાટી: 138.68 મીટર)અને આવક: 76,200 ક્યૂસેક છે. છેલ્લાં 24 કલાકમાં સપાટીમાં 33 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. આગામી એક મહિને ડેમ પૂર્ણ ભરાઈ જવાની શક્યતા છે.
નર્મદા નિગમના અધિકારીઓ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને પાવર જનરેશન વધારીને ડેમને 60% સુધી ભરેલું રાખી રહ્યા છે, જેથી પૂર જેવી સ્થિતિ સર્જાય તો પણ નદીનાં કાંઠા વિસ્તાર સુરક્ષિત રહે.
આગામી અઠવાડિયામાં ભારે વરસાદની આગાહી
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઓગસ્ટ માસ વરસાદથી ભરેલો રહેશે. ખાસ કરીને 6 થી 10 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે. આ વરસાદ ખેડુતો માટે આશાજનક ગણાઈ રહ્યો છે.

