- Gujarat
- વી.ટી. ચોક્સી સાર્વજનિક લો કોલેજે વરિષ્ઠ એડવોકેટ શ્રેયસ દેસાઈનું વિશેષ સન્માન કર્યું
વી.ટી. ચોક્સી સાર્વજનિક લો કોલેજે વરિષ્ઠ એડવોકેટ શ્રેયસ દેસાઈનું વિશેષ સન્માન કર્યું
સુરત સ્થિત વી.ટી. ચોક્સી સાર્વજનિક લો કોલેજ દ્વારા વરિષ્ઠ એડવોકેટ તથા ગ્રાહક સુરક્ષા કાયદાના નિષ્ણાત એડવોકેટ શ્રેયસ દેસાઈનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. એડવોકેસી ક્ષેત્રમાં તેમના 44 વર્ષના દીર્ઘ અને ગૌરવસભર કારકિર્દી તેમજ ગ્રાહક સુરક્ષા ક્ષેત્રમાં 35 વર્ષના અવિરત અને યશસ્વી સેવા યોગદાન બદલ સન્માનપાત્ર અર્પણ કરી તેમજ શાલ ઓઢાડીને સન્માન અપાયું હતું.
શ્રેયસ દેસાઈ વી.ટી. ચોક્સી સાર્વજનિક લો કોલેજની વહીવટી સમિતિના લગભગ પાંચ વર્ષથી ચેરમેન છે. આજ કોલેજમાં તેઓ વિદ્યાર્થી રહી ચૂક્યા છે અને આ જ કોલેજમાં તેમણે વીઝીટીંગ લેક્ચરર તરીકે સેવાઓ પણ આપી છે તેમજ કોલેજના હોલના રિનોવેશન માટે રૂપિયા પાંચ લાખનું દાન પણ આપ્યું છે.
શ્રેયસ દેસાઇ વહીવટી સમિતિના ચેરમેન બન્યા ત્યારબાદ કોલેજે ઘણી પ્રગતિ કરી છે. વી.ટી. ચોક્સી સાર્વજનિક લો કોલેજની સંચાલક સંસ્થા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની મેનેજિંગ કમિટીના સભ્ય લગભગ 15 વર્ષથી છે. શ્રેયસ દેસાઇ લિખિત 8 કાનૂન-વિષયક પુસ્તકો પ્રકાશિત થયા છે. જે પૈકી 3ના સહ-લેખક ડો. ઇર્મલા દયાલ છે. શ્રેયસ દેસાઇ
35 વર્ષથી અખબારી કૉલમ પણ લખી રહ્યા છે. અગાઉ શ્રેયસ દેસાઇ સુરત મહાનગરપાલિકાના કોર્પોરટેર તથા પાલિકાની કાયદાકીય સમિતિના ચેરમેન અને જાહેર બાંધકામ સમિતિના વાઇસ-ચેરમેન રહી ચૂક્યા છે.

લો કોલેજના પ્રિન્સિપાલ ડો. ઇર્મલા દયાલ અને પ્રોફેસર નિકુંજ રાઠોડએ જણાવ્યું હતું કે એડવોકેટ શ્રેયસ દેસાઈએ કાનૂની ક્ષેત્રમાં પોતાની નિષ્ઠા, નૈતિકતા અને પ્રતિબદ્ધતા દ્વારા નામના ઊભી કરી છે. તથા ગ્રાહકોના હિતોની રક્ષા માટે યોદ્ધાની જેમ ઝઝુમી નોંધપાત્ર કામગીરી કરી છે. તેમના અનુભવ/માર્ગદર્શનથી અને પુરુષાર્થથી અનેક કાયદા વિદ્યાર્થીઓ અને યુવા વકીલોને પ્રેરણા મળી છે. અને સેકડો પક્ષકારોને ન્યાય મળી શક્યો છે.
સન્માન સ્વીકારતાં એડવોકેટ શ્રેયસ દેસાઈએ આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે ન્યાય અને ગ્રાહક હિતની રક્ષા એ તેમના વ્યાવસાયિક જીવનનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે. અને તે માટે તેઓ હમેશા પ્રયતશીલ રહ્યા છે અને રહેશે.

