- National
- સાપ કરડ્યા બાદ યુવાનને 13 વર્ષ પહેલાં મૃત માનીને ગંગામાં ફેંકી દેવાયો હતો તે જીવતો પાછો ફર્યો!
સાપ કરડ્યા બાદ યુવાનને 13 વર્ષ પહેલાં મૃત માનીને ગંગામાં ફેંકી દેવાયો હતો તે જીવતો પાછો ફર્યો!
ઉત્તર પ્રદેશના બુલંદશહેરના સૂરજપુર ટિકરી ગામમાં દીપુ નામનો યુવાન 13 વર્ષ પછી સુરક્ષિત રીતે ઘરે પાછો ફર્યો છે. તેને સાપે કરડ્યો હતો અને મૃત માની તેના પરિવારે તેના મૃત શરીરને ગંગામાં વહેવડાવી દીધો હતો. દીપુના 'જીવતા' પાછા ફરવાના સમાચાર આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે.
હકીકતમાં, દીપુ સૈની નામનો યુવાન ઘરે પાછો ફર્યો છે. 13 વર્ષ પહેલાં, તેને સાપે કરડ્યા પછી મૃત માની લેવામાં આવ્યો હતો. આ ઘટના બુલંદશહેરના ઔરંગાબાદ વિસ્તારના સૂરજપુર ટિકરી ગામમાં બની હતી. દીપુને ઘાસના ઢગલામાંથી સાપે ડંખ માર્યો હતો. ગામના રીતરિવાજ મુજબ, તેને મૃત માની, તેના શરીરને ગંગામાં વહેવડાવી દીધો હતો. કહેવાતા સાપ પકડવાવાળા લોકોના પ્રયાસોને કારણે તે જીવતો પાછો ફર્યો હોવાનું કહેવાય છે.

દીપુના પિતા સુખપાલ સૈનીએ જણાવ્યું હતું કે, સારવાર પછી બધાએ તેને મૃત જાહેર કર્યો હતો. ગામની મહિલાઓ અને દીપુની માતા સુમન દેવી માનતા હતા કે, સર્પદંશથી મરેલા ફરીથી જીવિત થઈ શકે છે. આ દરમિયાન, સાપ પકડવાવાળાઓએ દીપુને ગંગા કિનારેથી શોધી કાઢ્યો અને તેને હરિયાણાના પલવલમાં એક બંગાળી બાબાના આશ્રમમાં લઈ ગયા. તેઓ તેને સારવાર માટે બંગાળ પણ લઈ ગયા હતા, જ્યાં તાંત્રિક વિધિઓ દ્વારા તેની સારવાર કરવામાં આવી.
દીપુ 6-7 વર્ષ બંગાળમાં રહ્યો, પછી પલવલ પાછો ફર્યો. દીપુના પરિવારને ખબર પડી કે સાપના કરડવાથી મૃત્યુ પામેલા લોકોની સારવાર પલવલમાં કરવામાં આવે છે. તેઓ તેને શોધતા શોધતા એક વર્ષ પહેલા ત્યાં પહોંચી ગયા અને ત્યાં તેમને દીપુ મળી આવ્યો. સંતોએ તેના કાન પાછળના નિશાન પરથી દીપુની ઓળખની પુષ્ટિ કરી. દીપુએ પણ તેના માતાપિતાને ઓળખી કાઢ્યા. 25 ઓક્ટોબરના રોજ, પલવલના સંતો અને ઋષિઓ દીપુને બુલંદશહેરના સૂરજપુર ટિકરી ગામમાં લઈ ગયા અને તેને તેના પરિવારને સોંપી દીધો.

દીપુના જીવતા પાછા ફરવાના સમાચાર આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે. કેટલાક લોકો તેના પર વિશ્વાસ કરે છે, જ્યારે અન્ય લોકો તેને અંધશ્રદ્ધા માને છે. આ દરમિયાન, દીપુ સૈનીએ કહ્યું, 'મને 14 વર્ષ પહેલાં સાપે ડંખ માર્યો હતો. હવે હું મારા પરિવારની પાસે પાછો આવી ગયો છું. મારી સારવાર પલવલમાં થઈ હતી. મને મારા પરિવાર સાથે ગામમાં પાછા આવીને ખૂબ સારું લાગે છે.'
આ દરમિયાન, ડોકટરોએ કહ્યું છે કે મૃત વ્યક્તિ ફરી જીવિત થઈ શકતી નથી; તબીબી વિજ્ઞાનમાં આ શક્ય નથી. તેમણે કહ્યું કે શક્ય છે કે, દીપુ માર્યો જ ન હોય, અથવા કોઈ બીજું તેની જગ્યાએ જીવંત હોવાનો દાવો કરી રહ્યું હોય. હાલ તો, તપાસ પછી જ સત્ય બહાર આવશે. ભૂતકાળમાં એવા કિસ્સાઓ બન્યા છે, જ્યાં વર્ષો પછી પુત્ર કે પતિ તરીકે પરત ફરનાર વ્યક્તિ નકલી સાબિત થયા છે.

