- National
- 41 વર્ષ અગાઉ જે માતાએ ત્યજી દીધો હતો, નેધરલેન્ડનો મેયર બનીને સગી માને શોધવા પહોંચ્યો દીકરો
41 વર્ષ અગાઉ જે માતાએ ત્યજી દીધો હતો, નેધરલેન્ડનો મેયર બનીને સગી માને શોધવા પહોંચ્યો દીકરો
Abandoned 41 yrs ago as 3-day-old in Nagpur, Dutch mayor back to find mom
તારીખ હતી 10 ફેબ્રુઆરી, 1985... સ્થળ મહારાષ્ટ્રનું નાગપુર શહેર... અહીં એક બાળકનો જન્મ થયો હતો. આ માસૂમ બાળકે માંડ-માંડ આંખો ખોલી હતી કે માતાએ તેને 3 દિવસ બાદ જ એક અનાથાશ્રમમાં છોડી દીધો, પરંતુ બાળકના ભાગ્યમાં તો કંઈક એવું લખ્યું હતું જે ખરેખર હેરાન કરી દેનારું હતું. એક મહિના બાદ, દેશની મુલાકાતે આવેલા એક ડચ દંપતીએ તેને દત્તક લઈ લીધો. હવે, 41 વર્ષ બાદ તે જ બાળક નેધરલેન્ડનો મેયર બની ચૂક્યો છે. તે અહીં પોતાને જન્મ આપનાર માતાની શોધમાં અહીં પરત ફર્યા છે.
તેમનું નામ ફાલ્ગુન બિનેનડ્ડિજ્ક છે. સત્તાવાર રેકોર્ડ મુજબ, ફાલ્ગુનની માતાએ તેમને જન્મ આપ્યો ત્યારે તે અપરિણીત હતી. સામાજિક કલંકને કારણે તેણે ફાલ્ગુનને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેમને નાગપુરના MSS અનાથાશ્રમમાં છોડી ગઈ હતી. અહીં ન માત્ર બાળકો, પરંતુ સ્ત્રીઓને પણ આશ્રય આપવામાં આવે છે.
MSSની નર્સોએ એક મહિના સુધી બાળકની સંભાળ રાખી. બાળકનો જન્મ ફેબ્રુઆરીમાં થયો હતો અને તેનું નામ ફાલ્ગુન રાખવામાં આવ્યું હતું. થોડા અઠવાડિયા બાદ, ફાલ્ગુનને મુંબઈ લાવવામાં આવ્યો, જ્યાં તેને એક ડચ દંપતીએ દત્તક લઈ લીધો. ડચ દંપતી બાળકને લઈને નેધરલેન્ડ જતો રહ્યો અને ત્યાં તેનો ઉછેર કર્યો.
ફાલ્ગુન નેધરલેન્ડ્સમાં જ મોટો થયો. તેને ભારત બાબતે કશું જ જાણકારી નહોતી. તેણે ફક્ત ભૂગોળના પાઠ્યપુસ્તકોમાં ભારતના નકશા જોયા હતા. જેમ-જેમ તે મોટો થતો ગયો, ફાલ્ગુનને તેની અસલી માતા વિશે જાણવાની ઇચ્છા વધતી ગઈ, અને તેણે ભારત આવવાનો નિર્ણય લીધો.
ફાલ્ગુન 2006માં 18 વર્ષની ઉંમરે પહેલી વાર ભારત આવ્યો હતો. આ દરમિયાન તે દક્ષિણ ભારતનો પ્રવાસ કર્યો હતો. પરંતુ, આ વખતે, ફાલ્ગુનનો હેતુ અલગ હતો. કદાચ તેને તેની સગી માતાને મળી જાય તેવી ઝંખના હતી. તેમણે તેના માટે નાગપુરમાં MSSની મુલાકાત લીધી. ફાલ્ગુનનું કહેવું છે કે તેઓ એક ખુલ્લા પુસ્તક જેવા છે. તેમણે મહાભારત પણ વાંચ્યું છે. ફાલ્ગુને કહ્યું કે, ‘મને લાગે છે કે દરેક કર્ણને કુંતીને મળવાનો અધિકાર છે.’
ફાલ્ગુન એમ્સ્ટરડેમથી માત્ર 30 કિલોમીટર દૂર આવેલા નેધરલેન્ડ્સના શહેર હીમસ્ટેડના મેયર છે. ફાલ્ગુને પોતાની માતાને શોધવા માટે NGO, નગરપાલિકાઓ અને પોલીસની મદદ માંગી છે. ફાલ્ગુન કહે છે કે, ‘મને લાગે છે કે મારી માતા મને છોડીને જવાથી હજુ પણ આઘાતમાં હશે. હું ફક્ત તેમને મળીને બતાવવા માંગુ છું કે હું ઠીક છું અને ખુશ છું. હું તેમને એકવાર જોવા માંગુ છું.’

