- National
- ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે. અહીં ગ્રામ પંચાયતમાં 15 પંચ છે. તેમાંથી એકને તેના વડા તરીકે એટલે કે 'સરપંચ' તરીકે ચૂંટવામાં આવે છે. આ વખતે, 15 પંચોમાંથી 14 પંચો મુસ્લિમ સમુદાયના છે. હિન્દુ સમુદાયમાંથી ફક્ત એક જ પંચ 'નિશા ચૌહાણ' છે. જ્યારે આ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી પંચાયતમાં સરપંચની પસંદગી કરવાની વાત આવી, ત્યારે પંચોએ ભાઈચારો અને એકતાનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું. મુસ્લિમ પંચોએ સર્વાનુમતે એક હિન્દુ મહિલાને તેમના સરપંચ તરીકે ચૂંટ્યા.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, નૂહ હરિયાણાના સૌથી પછાત જિલ્લાઓમાંનો એક છે. જુલાઈ 2023માં, વિશ્વ હિન્દુ પરિષદે અહીં એક કૂચનું આયોજન કર્યું હતું. આ કૂચ પર હુમલાના અહેવાલો હતા. આ જિલ્લો સાંપ્રદાયિક સંઘર્ષનું કેન્દ્ર બની ગયો હતો. હવે આ જિલ્લાના એક ગામવાળાઓએ શાંતિ-ભાઇચારાનું ઉદાહરણ બેસાડ્યું છે.
પંચાયત અધિકારી નસીમે જણાવ્યું કે, 2 એપ્રિલના રોજ 30 વર્ષીય નિશા ચૌહાણ સિરોલીના સરપંચ તરીકે ચૂંટાયા હતા. નુહ જિલ્લાના મુસ્લિમ બહુમતીવાળા ગામમાં હિન્દુ સરપંચ ચૂંટાયાનો આ પહેલો કિસ્સો છે. નિશા ચૌહાણે કહ્યું છે કે, આ મેવાતમાં સદીઓ જૂની હિન્દુ-મુસ્લિમ એકતાનું બીજું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે તેમના દેશમાં હિન્દુ-મુસ્લિમ ભાઈચારાની લાંબી પરંપરા છે. મેવાતમાં કોઈ ધાર્મિક ભેદભાવ નથી. ચૌહાણે કહ્યું કે, તેમની ચૂંટણી સમગ્ર પ્રદેશમાં સાંપ્રદાયિક સૌહાર્દનો સંદેશ આપશે.

નૂહના બ્લોક ડેવલપમેન્ટ અને પંચાયત અધિકારી શમશેર સિંહે જણાવ્યું હતું કે, સિરોલીના 15 પંચોમાંથી 8 મહિલા છે. સરપંચનું પદ મહિલાઓ માટે અનામત છે. 2 એપ્રિલના રોજ સરપંચની ચૂંટણી યોજાઈ ત્યારે 15 પંચોમાંથી 10 પંચ હાજર હતા. બધાએ સર્વાનુમતે નિશા ચૌહાણના પક્ષમાં મતદાન કર્યું.

આ ગામ પુન્હાના બ્લોકમાં આવે છે. ડિસેમ્બર 2022માં અહીં પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી. વિજેતા સહાના સરપંચ તરીકે ચૂંટાયા હતા. પરંતુ પછી તેમના શિક્ષણ પ્રમાણપત્રો નકલી હોવાનું જાણવા મળ્યું. તેથી તેમને ફેબ્રુઆરી 2023માં બરતરફ કરવામાં આવ્યા હતા. આ પછી, વોર્ડ સભ્ય રૂક્ષીનાએ માર્ચ 2024માં કાર્યકારી સરપંચનું પદ સંભાળ્યું. પરંતુ તેમનો કાર્યકાળ પણ ટૂંકો હતો. કારણ કે તેમના કામથી અસંતુષ્ટ પંચાયત સભ્યોએ આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો હતો.

સિરોલીના ભૂતપૂર્વ સરપંચ અશરફ અલી હવે વોર્ડ સભ્ય છે. તેમણે કહ્યું કે પંચોએ ચૌહાણને એ આશામાં પસંદ કર્યા કે, તે અગાઉના સરપંચો કરતાં વધુ સારું કામ કરશે. તેમણે કહ્યું કે આ વિસ્તારના બંને ધાર્મિક સમુદાયોને એકબીજા પ્રત્યે કોઈ દુશ્મનાવટ નથી. અહીં એક હિન્દુ પરિવાર પોતાના મુસ્લિમ પડોશીઓને ભૂલ કરે તો ઠપકો આપી શકે છે. અમે એકબીજાના લગ્ન અને અન્ય સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપીએ છીએ.
Top News
ઓવૈસી બિહારમાં મહાગઠબંધનને ઝટકો આપવાની તૈયારીમાં છે, ભાજપને મજા પડી જશે
'હું ઈકબાલ'ના મેકર્સ લઈને આવી રહ્યાં છે સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ 'ભ્રમ', સ્ટારકાસ્ટ બની સુરતની મહેમાન
જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણય પાછળ ભાજપ સરકારનો ખેલ શું છે?
Opinion
