- National
- ભારતના આ આદિવાસી ક્ષેત્રમાં સોનાની ખાન મળી, 222 ટન સોનું હોવાની આશંકા
ભારતના આ આદિવાસી ક્ષેત્રમાં સોનાની ખાન મળી, 222 ટન સોનું હોવાની આશંકા
રાજસ્થાનના આદિવાસી બહુમતી ધરાવતા બાંસવાડા જિલ્લામાં ફરી એકવાર સોનાની ખાણ મળી હોવાની પુષ્ટિ થઈ છે. સોનાનો ખજાનો મળવાથી આ જિલ્લો ફરી એકવાર ચર્ચામાં છે. આ સાથે જ, બાંસવાડા હવે દેશમાં ‘ગોલ્ડ હબ’ તરીકે પોતાની પ્રતિષ્ઠા મજબૂત કરી રહ્યું છે. જિલ્લાના ઘાટોલ પ્રદેશના કાંકરિયા ગામમાં સોનાની ખાણનો બ્લોક હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે. ભૂસ્તરશાસ્ત્રીઓને કાંકરિયામાં લગભગ 3 કિલોમીટરના વિશાળ વિસ્તારમાં સંભવિત સોનાના અયસ્કના ભંડારના મજબૂત સંકેતો મળ્યા છે. જલદી જ માઇનિંગ લાયસન્સ જાહેર થયા બાદ તરત જ ખનનકામ શરૂ થશે. નોંધનીય છે કે બાંસવાડાના ઘાટોલ સ્થિત જગપુરિયા અને ભુકિયામાં અગાઉ સોનાની ખાણોની પુષ્ટિ થઈ છે.

આ અગાઉ, રાજસ્થાન સરકારે લગભગ એક વર્ષ અગાઉ ભુકિયા-જગપુરા ખનન બ્લોક માટે હરાજી પ્રક્રિયા પૂર્ણ કરી હતી, જેમાં રતલામ સ્થિત એક કંપનીને લાઇસન્સ મળ્યું હતું. જો કે, કંપની દ્વારા સુરક્ષા ડિપોઝિટ જમા કરવામાં નિષ્ફળ જતા સરકારે ટેન્ડર રદ કર્યું હતું. સરકારે હવે આ બ્લોક્સ માટે ફરીથી ટેન્ડર બહાર પાડ્યા છે. સબમિશન માટેની છેલ્લી તારીખ 14 ઓક્ટોબર હતી અને ટેન્ડર 3 નવેમ્બરે ખોલવામાં આવશે. જે કંપની સૌથી વધુ આવક આપશે, તેને ખનનનું લાઇસન્સ આપવામાં આવશે.
સોનાની ખાણો કાર્યરત થયા બાદ, રાજસ્થાનનું બાંસવાડા દેશના પસંદગીના 4 રાજ્યોમાં જોડાશે જ્યાં સોનાનું ખનન થાય છે. એવો અંદાજ છે કે ભવિષ્યમાં, આ જિલ્લામાં દેશની કુલ સોનાની માગના આશરે 25% ભાગ પૂર્ણ કરવાની ક્ષમતા રાખશે. ભૂસ્તરશાસ્ત્રીઓના અંદાજ મુજબ, આ આખા ક્ષેત્રમાં 940.26 હેક્ટર ક્ષેત્રફળમાં 113.52 મિલિયન ટન (11 કરોડ 35 લાખ 20 હજાર ટન) સોનાનું આયસ્ક હોવાનો અંદાજ છે. આ વિસ્તારમાં સોનાની ધાતુનો જથ્થો 222.39 ટન હોવાનો અંદાજ છે, જે એક નોંધપાત્ર રકમ છે. આ ઉપરાંત કાંકરિયા-ગારા વિસ્તારમાં 205 હેક્ટરમાં 1.24 મિલિયન ટન સોનાના આયસ્ક નો સંભવિત ભંડાર પણ છે. આ ખાણોમાંથી સોનું કાઢવામાં આવશે, તેમજ અન્ય અનેક સહ-ખનિજો પણ કાઢવામાં આવશે.

બાંસવાડા જિલ્લામાં સોનાબી ખનનકામ શરૂ થવાથી ઇલેક્ટ્રોનિક્સ, પેટ્રોલિયમ, પેટ્રોકેમિકલ્સ, બેટરી અને એર બેગ્સ સહિત અનેક ઉદ્યોગોમાં નવું રોકાણ આકર્ષિત થશે. પરિણામે, જિલ્લામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારની અભૂતપૂર્વ તકો ઊભી થશે, જેનો સ્થાનિક યુવાનોને મોટો ફાયદો થશે.

