- National
- વિધિ વચ્ચે વરરાજો વારંવાર કન્યાના રૂમમાં જતો હતો, પિતાએ મારી થપ્પડ, લગ્ન તૂટ્યા
વિધિ વચ્ચે વરરાજો વારંવાર કન્યાના રૂમમાં જતો હતો, પિતાએ મારી થપ્પડ, લગ્ન તૂટ્યા
લગ્નની વિધિઓ દરમિયાન, વારંવાર દુલ્હનના રૂમમાં જવું વરરાજા માટે ભારે પડી ગયું હતું. બન્યું એવું કે, દુલ્હનના રૂમમાં વારંવાર ઘૂસવા બદલ ગુસ્સે ભરાયેલા પિતાએ વરરાજા બનેલા પોતાના પુત્રને થપ્પડ મારી અને જવાબમાં પુત્રએ પણ પિતા પર હાથ ઉપાડ્યો. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલી યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી અને જાન વીલા મોઢે પાછી ફરી હતી.
UPના ચિત્રકૂટ જિલ્લાના શિવરામપુર પોલીસ ચોકી વિસ્તારમાં એક ગામડાની યુવતીના લગ્ન કાનપુરના બરાના એક યુવક સાથે નક્કી કરવામાં આવ્યા હતા. તેની જાન હસી-ખુશીની સાથે છોકરીના દરવાજે પહોંચી ગઈ હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું. પરંતુ જયમાલા દરમિયાન છોકરીની સુંદરતા જોઈને વરરાજાએ એક ક્ષણ માટે પણ તેનાથી અલગ ન થવાનું નક્કી કર્યું.

વાસ્તવમાં, વરને ખબર હતી કે તેના પરિવારમાં લગ્નના 4-5 દિવસ પછી જ છોકરીને તેના પિયર મોકલી દેવામાં આવે છે અને લાંબા સમય પછી જ કન્યા તેના સાસરે આવે છે. આથી છોકરો નારાજ થઈ ગયો હતો અને મંડપમાંથી લગ્નની વિધિ દરમિયાન તે વારંવાર રૂમમાં જઈને કન્યાને સમજાવવાના, મનાવવાના પ્રયાસ કરી રહ્યો હતો.
લગ્નની વિધિ દરમિયાન વારંવાર રૂમમાં જવાથી વરરાજાના પિતા ખૂબ નારાજ થયા હતા અને તેમણે તેમના પુત્રને બધા જાનૈયાઓની વચ્ચે જ થપ્પડ મારી દીધી હતી. થપ્પડ ખાધા બાદ છોકરાનો ગુસ્સો પણ સાતમા આસમાને પહોંચી ગયો અને કંઈપણ વિચાર્યા વગર તેણે પણ બધાની સામે તેના પિતાના ગાલ પર થપ્પડ મારી દીધી. થપ્પડના આ પડઘાની કન્યાના મન પર ખૂબ જ વિપરીત અસર થઈ અને તેણે આવા પરિવારમાં લગ્ન કરવાની ના પાડી.
દુલ્હનનો આરોપ છે કે, વરરાજા તેની પાસે ઘણી વખત આવ્યો અને કહ્યું કે, તે તેને એક વર્ષ સુધી વિદાય કરશે નહીં. જો તેણે પોતાનો અભ્યાસ પૂરો કરવો હોય તો તેણે કાનપુર એટલે કે તેના સાસરેથી જ કરવું પડશે, ચિત્રકૂટથી નહીં. યુવતી આ બાબતે પહેલાથી જ ચિંતિત હતી અને ત્યારબાદ આ થપ્પડના અવાજથી તેનું દિલ તૂટી ગયું અને તેણે લગ્ન કરવાની ના પાડી દીધી.

દુલ્હનના આ નિર્ણય બાદ લગ્નની વિધિઓ બંધ થઈ ગઈ હતી. લગ્નમાં હોબાળો થયાની જાણ થતાં ફોર્સ સાથે પહોંચેલા ચોકીના ઇન્ચાર્જ રાજોલ નગરે બંને પક્ષકારોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને પક્ષો કંઈ પણ માનવા તૈયાર ન હતા. ચોકીના ઈન્ચાર્જે જણાવ્યું કે, બંને પક્ષોએ પોત પોતાનો ખર્ચ પરત કરવાની વાત કરી. બંને વચ્ચે લેવડ-દેવડનું સમાધાન થતાં વરરાજા જાનૈયાઓ સાથે વીલા મોઢે પરત ફર્યા હતા.
આ પહેલા ગત શુક્રવારે UPના ફિરોઝાબાદ જિલ્લામાં જ એક દુલ્હનએ વરરાજાની વિકલાંગતાને કારણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. કન્યાએ કહ્યું, 'હું કોઈ પણ સંજોગોમાં લગ્ન નહીં કરું. છોકરો બેસી શકતો નથી.' જ્યારે દુલ્હનની માતાનું કહેવું છે કે, તેના પતિ એટલે કે કન્યાના પિતા દારૂના વ્યસની છે. શક્ય છે કે, છોકરા પક્ષે દારૂ પીવડાવીને આ લગ્ન માટે મનાવી લીધા હોય. આ સમગ્ર મામલે શિકોહાબાદ પોલીસ સ્ટેશને કહ્યું કે, આ મામલો તેની સંજ્ઞાન હેઠળ છે. અરજી મળવા પર કાર્યવાહી કરવામાં આવશે.

