- National
- CM મમતા બેનર્જીએ દુર્ગા પૂજા માટે પૈસા આપ્યા તો BJP થયું ગુસ્સે! ભાજપે 'નકલી હિન્દુ' જાહેર કરી દીધા
CM મમતા બેનર્જીએ દુર્ગા પૂજા માટે પૈસા આપ્યા તો BJP થયું ગુસ્સે! ભાજપે 'નકલી હિન્દુ' જાહેર કરી દીધા
પશ્ચિમ બંગાળ BJPના મહાસચિવ અગ્નિમિત્ર પોલે આરોપ લગાવ્યો છે કે, CM મમતા બેનર્જીની સરકાર ધર્મનું રાજકારણ કરી રહી છે. પોલે આ આરોપ ત્યારે લગાવ્યો, જ્યારે CM મમતા બેનર્જી સરકારે સાર્વજનિક દુર્ગા પૂજા માટે સમિતિઓને સરકાર તરફથી 1.1 લાખ રૂપિયાની ગ્રાન્ટની જાહેરાત કરી હતી. ગયા વર્ષ સુધી આ રકમ 85 હજાર હતી પરંતુ આ વખતે CM મમતા સરકારે તેમાં 30 ટકાનો વધારો કર્યો છે.
અહીં તમને બતાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં BJP સતત CM મમતા બેનર્જી પર લઘુમતી તુષ્ટિકરણનો આરોપ લગાવી રહી છે. BJPએ CM મમતા બેનર્જીને 'હિંદુ વિરોધી' ગણાવ્યા છે, પરંતુ આ મામલે પાર્ટીનું નિવેદન ખૂબ જ આશ્ચર્યજનક છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું હતું કે CM મમતા બેનર્જી નકલી હિન્દુ છે.
આસનસોલ દક્ષિણના ધારાસભ્ય અગ્નિમિત્ર પોલે કહ્યું હતું કે, CM મમતા બેનર્જી સરકાર વિકાસને અવગણી રહી છે અને ફક્ત સહાયતાઓનું વિતરણ કરી રહ્યા છે. પોલે કહ્યું છે કે, મંદિરો બનાવવા અને પૂજા માટે ગ્રાન્ટ આપવા એ સરકારનું કામ હોઈ શકે નહીં.
પત્રકારો સાથે વાત કરતા, ફેશન ડિઝાઇનરમાંથી રાજકારણી બનેલા પોલે કહ્યું, 'આ દર્શાવે છે કે સરકાર પોતાની પ્રાથમિકતાઓ બદલી રહી છે. રસ્તા બનાવવા અને રોજગારીની તકો ઉભી કરવાને બદલે, CM મમતા બેનર્જી ધર્મનું રાજકારણ કરવામાં વ્યસ્ત છે.' પોલે કહ્યું કે, હવે અન્ય સમુદાયના લોકો પણ સરકાર પાસે દિઘામાં જગન્નાથ મંદિર જેવા તેમના પૂજા સ્થાનો બનાવવાની માંગ કરશે.
CM મમતા બેનર્જી સરકારે તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં 40000 સમિતિઓ માટે દુર્ગા પૂજા ગ્રાન્ટ વધારીને 1.10 લાખ રૂપિયા કરી છે. CM મમતા બેનર્જીએ દુર્ગા પૂજા સમિતિઓ માટે વીજળી બિલમાં 80 ટકા ડિસ્કાઉન્ટની પણ જાહેરાત કરી હતી.
CM મમતા બેનર્જીએ તો એમ પણ કહ્યું કે, આ વર્ષે દુર્ગા પૂજા સમિતિઓએ ફાયર બ્રિગેડ, મ્યુનિસિપલ સંસ્થાઓ અને રાજ્ય સરકાર દ્વારા સુવિધાઓ પૂરી પાડતી કોઈપણ એજન્સીને કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં. CM મમતા બેનર્જીએ કહ્યું કે, રાજ્ય સરકાર તમારી સાથે ઉભી છે, જેથી તમે પૈસાના અભાવ વિના દુર્ગા પૂજાનું આયોજન કરી શકો.
મુર્શિદાબાદમાં થયેલી હિંસાના કિસ્સામાં, ફક્ત પશ્ચિમ બંગાળ BJP જ નહીં પરંતુ PM નરેન્દ્ર મોદીએ પણ CM મમતા બેનર્જી સરકાર પર નિશાન સાધ્યું હતું, પરંતુ હવે BJP કહી રહી છે કે CM મમતા બેનર્જી સરકાર ધર્મનું રાજકારણ કરી રહી છે.
અહીં તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં મે 2026માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને BJPએ જે રીતે CM મમતા બેનર્જીને હિન્દુ વિરોધી તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે તે જોઈને, કદાચ CMએ દુર્ગા પૂજા સમિતિઓ માટે આ જાહેરાત કરી હશે. પરંતુ હવે BJP તેનો વિરોધ કરી રહી છે.
દુર્ગા પૂજા પશ્ચિમ બંગાળનો સૌથી મોટો તહેવાર છે. તેમાં માત્ર ભક્તો જ નહીં પરંતુ રાજકીય પક્ષોના લોકો પણ મોટા પાયે ભાગ લે છે. BJPનો પ્રયાસ 2026માં રાજ્યમાં CM મમતા બેનર્જી સરકારને સત્તા પરથી દૂર કરવાનો છે.

