- National
- હાર માટે '400 પાર'ને જવાબદાર ઠેરવી CM શિંદેએ માર્યો ટોણો,BJP-શિવસેના વચ્ચે તિરાડ
હાર માટે '400 પાર'ને જવાબદાર ઠેરવી CM શિંદેએ માર્યો ટોણો,BJP-શિવસેના વચ્ચે તિરાડ

લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન પછી મહારાષ્ટ્રમાં BJP-શિવસેના અને NCPના મહાગઠબંધનમાં તિરાડ વધી રહી હોય એવું લાગી રહ્યું છે. BJPના સહયોગી શિવસેના પ્રમુખ અને રાજ્યના CM એકનાથ શિંદે હવે તેમને ટોણા મારવાનું ચાલુ કર્યું છે. તેમણે રાજ્યમાં શાસક ગઠબંધનના નબળા પ્રદર્શન માટે BJPના 400થી વધુના નારાને જવાબદાર ઠેરવવાનું શરૂ કર્યું છે.
CM એકનાથ શિંદેએ BJPના '400 પાર'ના નારા પર કટાક્ષ કરતા કહ્યું કે, 'BJPએ '400 પાર'નો નારો આપ્યો હતો અને લોકસભા ચૂંટણીમાં 400થી વધુ સીટો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ તેને લઈને કેટલાક વિસ્તારોમાં નકારાત્મક વલણ રાખવામાં આવ્યું હતું કે, બંધારણમાં ફેરફાર કરી નાંખવામાં આવશે અને તેની સાથે '400 પાર' કરવાના લક્ષ્યાંકને જોડી દેવામાં આવ્યો હતો.'
આ સૂત્રની આડઅસર વર્ણવતા CM શિંદેએ કહ્યું, 'લોકોએ વિરોધ પક્ષની આ વાતને ધ્યાનમાં લીધી અને તેની વિપરીત અસર થઈ. તેમની ગાડી 300નો આંકડો પણ પાર કરી શકી નહીં. ઘણા રાજ્યોમાં તેને મોટો આંચકો લાગ્યો. આ કારણે મહારાષ્ટ્રમાં પણ મહાયુતિને અપેક્ષા મુજબની સફળતા મળી નથી, જેની તેમને આશા હતી.'
શિવસેના પ્રમુખે કહ્યું કે, 'લોકોમાં ખોટા નિવેદનો અને અફવાઓ મોટા પાયે ફેલાવવામાં આવી હતી કે, બંધારણ બદલી નાંખવામાં આવશે અને અનામતમાં ઘટાડો થશે. તેમાં મુસ્લિમ, દલિત અને બીજા ઘણા લોકો હશે. આજે સર્જાયેલી મૂંઝવણ ચોક્કસપણે લોકો સમક્ષ આવશે. જે વોટબેંકની રાજનીતિ થઈ છે તેની લોકોને ખબર પડશે. વોટબેંકની રાજનીતિ કરનારાઓના અસલી ચહેરા પણ ચોક્કસપણે સામે આવશે.'
આ સાથે મહારાષ્ટ્રના પરિણામો પર CM એકનાથ શિંદેએ કહ્યું કે, 'હું કહીશ કે અમારી શિવસેનાનું પ્રદર્શન, અમારી સ્ટ્રાઈક રેટ પહેલા કરતા વધુ સારી થઈ ગઈ છે. અમે 13 બેઠકો પર ચૂંટણી લડી અને તેમાંથી 7 જીતી. અમને મુંબઈમાં તેમના કરતા 2 લાખથી વધુ મત મળ્યા છે. શિવસેનાના 90 ટકા વોટમાંથી અમારી પાસે 40 ટકા વોટ છે. અમને શિવસેનાના આધારે મત મળ્યા છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે અમે સ્ટ્રાઈક રેટ, વોટ શેરમાં આગળ છીએ અને લોકો અમારી સાથે છે.'
CM શિંદેના આ નિવેદનોને દબાણની રાજનીતિ તરીકે જોવામાં આવી રહ્યા છે. હકીકતમાં, મહારાષ્ટ્રમાં CM શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના લોકસભામાં 7 અને રાજ્યસભામાં એક સાંસદ છે. PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી રચાયેલી સરકારમાં, પાર્ટીને આયુષ મંત્રાલયમાં કેન્દ્રીય રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય પ્રધાનનું પદ મળ્યું છે.
શિવસેનાના ઘણા નેતાઓએ પણ હાલના દિવસોમાં મોદી કેબિનેટમાં સ્થાન ન મળવા પર નારાજગી વ્યક્ત કરી છે. માવલના લોકસભાના સભ્ય શ્રીરંગ બારનેએ પણ કહ્યું કે, જો શિવસેનાને કેબિનેટ અને રાજ્યના બે મંત્રી પદ મળે તો કેટલાક સાંસદોને સ્થાન મળત, પરંતુ તેમની માંગણી યોગ્ય સમયે પૂરી કરવામાં આવશે.