- National
- સરકારી શાળામાં બાળકોને ભણવા માટેના પુસ્તકો પસ્તીમાં વેચી દીધા
સરકારી શાળામાં બાળકોને ભણવા માટેના પુસ્તકો પસ્તીમાં વેચી દીધા
લખનઉના મોહનલાલગંજમાં એક પ્રાથમિક શાળામાં ભંગારના વેપારીને બાળકોના પુસ્તકો વેચવાનો કિસ્સો સામે આવ્યો છે. આ વીડિયો વાયરલ થવાના કારણે શિક્ષણ વિભાગમાં હોબાળો મચી ગયો. આશ્ચર્યની વાત તો એ છે કે, શહેરી અને ગ્રામીણ વિસ્તારોની આશરે 20 ટકા પ્રાથમિક શાળાઓમાં અભ્યાસક્રમના ઘણા બધા પુસ્તકોનો અભાવ છે, જ્યારે નેવાજખેડા શાળાએ વધારાના પુસ્તકો હોવા છતાં, જરૂરિયાતમંદ બાળકોને આપવાને બદલે ભંગારના વેપારીને પુસ્તકો વેચી દીધા.
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો, જ્યારે સોશિયલ મીડિયા પર પુસ્તકોથી ભરેલી બોરીઓનો વીડિયો વાયરલ થયો. વાયરલ વીડિયોમાં, એક ભંગારનો વેપારી શાળાના પરિસરમાંથી લગભગ છ બોરી પુસ્તકો અને અન્ય સામગ્રી લઈને જતો જોવા મળે છે. ગામના બાળકોએ ભંગારના વેપારીને રોક્યો અને તેને બોરીઓ ખોલવા માટે કહ્યું, જેમાં ધોરણ એકથી પાંચ સુધીના પુસ્તકો દેખાયા. પુસ્તકો અને સામગ્રીનું વજન લગભગ બે ક્વિન્ટલ હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે હાજર ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે મુખ્ય શિક્ષકની હાજરીમાં આ બધા પુસ્તકો વેચવામાં આવ્યા હતા.
મોહનલાલગંજના BEO સુશીલ કનૌજિયાએ જણાવ્યું હતું કે, તેમણે જાતે શાળાની મુલાકાત લીધી હતી અને તપાસ હાથ ધરી હતી, જેમાં ગ્રામજનો અને ભંગારના વેપારી બંનેના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. ભંગારના વેપારીએ પણ સ્વીકાર્યું હતું કે, પહેલા પુસ્તકો વેચવાના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ વીડિયો વાયરલ થયા પછી તે પાછા લઈ લેવામાં આવ્યા હતા. BEOએ મુખ્ય શિક્ષકને નોટિસ ફટકારી હતી, જેમાં ભંગારના વેપારીને વેચાયેલા પુસ્તકોના વર્ષ અને અન્ય સામગ્રીનું સંપૂર્ણ વર્ણન માંગવામાં આવ્યું હતું.
મૂળભૂત શિક્ષણ અધિકારી વિપિન કુમારે પ્રારંભિક તપાસમાં ભૂલો સ્વીકારી હતી અને મુખ્ય શિક્ષક રવિન્દ્ર ગુપ્તાને સસ્પેન્ડ કર્યા હતા. BSAએ જણાવ્યું હતું કે બની શકે છે કે, નિરીક્ષણમાં બેદરકારી રહી હશે, પરંતુ પુસ્તકો શાળામાં હાજર હતી અને તેને ભંગાર તરીકે વેચવાને બદલે જરૂરિયાતમંદ બાળકોને વહેંચવી જોઈતી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, જો તપાસમાં અન્ય કોઈ દોષિત ઠરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આશ્ચર્યજનક વાત એ છે કે, લખનઉના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં લગભગ 20 ટકા બાળકો પાસે હજુ પણ અભ્યાસક્રમના પુરા પુસ્તકો પહોંચ્યા નથી નથી. આ ઉપરાંત ઘણી શાળાઓએ પુસ્તકો માટે વિનંતીઓ નોંધાવી છે, જે હજુ સુધી પુરી કરવાની બાકી છે.

