- National
- સંસદ ભવન પાસે એક મહિલા સાંસદની સોનાની ચેઈન ખેંચાઈ, અમિત શાહને લખ્યો લેટર
સંસદ ભવન પાસે એક મહિલા સાંસદની સોનાની ચેઈન ખેંચાઈ, અમિત શાહને લખ્યો લેટર
દિલ્હીના VVIP વિસ્તાર ચાણક્યપુરીમાં સોમવારે સવારે તામિલનાડુના એક મહિલા સાંસદ સાથે ચેઈન સ્નેચિંગનો મામલો સામે આવ્યો છે. સોમવારે સવારે મહિલા સાંસદ વૉક માટે ગયા હતા, ત્યારે સ્કૂટર પર સવાર એક વ્યક્તિએ તેમની ચેઈન મારી લીધી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ માટે 10 પોલીસ ટીમો બનાવવામાં આવી છે.
આર. સુધા તામિલનાડુના મયિલાદુથુરાઈના લોકસભા સાંસદ છે. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આ ઘટનાની સંપૂર્ણ વિગત આપી, જેમાં તેમણે જણાવ્યું હતું કે આજે સવારે ચાણક્યપુરી વિસ્તારમાં પોલેન્ડના દૂતાવાસ પાસે તેમની સોનાની ચેઈન છીનવી લેવામાં આવી. આ દરમિયાન પોતાને બચાવવાનો પ્રયાસ કરતા તેમને કેટલીક ઈજાઓ પણ થઈ છે.
https://twitter.com/ANI/status/1952236227668627653
મહિલા સાંસદ આર. સુધાએ ચેઈન સ્નેચિંગની ઘટના બાદ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને પોતાની આપવીતી રજૂ કરી હતી. આ પત્રમાં તેમણે લખ્યું હતું કે, હું તામિલનાડુની સાંસદ છું અને હું નિયમિતપણે સંસદીય કાર્યવાહીમાં ભાગ લઉં છું. મારા જેવા ઘણા સાંસદોને હજુ સુધી સત્તાવાર આવાસ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું નથી, જેના કારણે હું છેલ્લા એક વર્ષથી તામિલનાડુ હાઉસમાં રહું છું. જ્યારે પણ મને સમય મળે છે, ત્યારે હું મોર્નિંગ વોક માટે જવાનું પસંદ કરું છું, આ મારી હોબી છે.
તેમણે જણાવ્યું કે, 4 ઑગસ્ટની સવારે, હું અને એક મહિલા રાજ્યસભાના સાંસદ ફરવા નીકળ્યા હતા. સવારે 6:15 થી 6:20 વાગ્યાની આસપાસ જેવા જ અમે પોલેન્ડ દૂતાવાસના ગેટ નંબર 3 અને ગેટ નંબર 4 પાસે પહોંચ્યા, હેલમેટ પહેરેલો એક શખ્સ સ્કૂટી ચલાવતો અમારી પાસે આવ્યો. તેનો આખો ચહેરો ઢંકાયેલો હતો અને તે મારી સોનાની ચેઈન ખેંચીને ભાગી ગયો. તેઓ કહે છે કે તે ખૂબ જ ઓછી સ્પીડથી સામેથી આવી રહ્યો હતો, એટલે અમને શંકા ન થઈ. પરંતુ જેવી જ તેણે મારા ગળામાંથી ચેઈન ખેંચી, મને ગળામાં કેટલીક ઈજાઓ થઈ. હું કોઈક રીતે પડી જતા બચી ગઈ. અમે મદદ માટે વિનંતી કરી. થોડા સમય બાદ અમને દિલ્હી પોલીસનું મોબાઇલ પેટ્રોલ વાહન મળ્યું, જેને અમે ઘટનાની ફરિયાદ કરી. અમને લેખિતમાં ફરિયાદ કરવા કહેવામાં આવ્યું.
સાંસદે જણાવ્યું કે, ચાણક્યપુરી જેવા હાઇ સિક્યોરિટી ઝોનમાં એક મહિલા પર આ હુમલો કરવામાં આવ્યો છે, જે સાંસદ છે. જો કોઈ મહિલા ખૂબ જ સુરક્ષિત ઝોનમાં સુરક્ષિત રીતે ફરી શકતી નથી, તો તે બીજે ક્યાં સુરક્ષિત અનુભવશે? આ સ્નેચિંગમાં મારા ગળા પર ઈજાઓ થઈ છે. મારી સોનાની ચેઈનનું વજન 4 ગ્રામથી વધુ હતું અને હું આ ઘટનાથી આઘાતમાં છું. હું તમને વિનંતી કરું છું કે, ગુનેગારને શોધીને તેની ધરપકડ કરવામાં આવે.
પોલીસનું શું કહેવું છે?
પોલીસનું કહેવું છે કે, મહિલા સાંસદ છેલ્લા એક વર્ષથી દિલ્હીના તામિલનાડુ ભવનમાં રહેતા હતા. તેઓ હંમેશાંની જેમ સોમવારે સવારે વૉક કરવા ગયા હતા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેના ગળામાંથી સોનાની ચેઈન છીનવી લીધી અને ઘટનાસ્થળેથી ભાગી ગયા. આ સંદર્ભમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
દિલ્હી પોલીસે આરોપીઓને પકડવા માટે 10થી વધુ ટીમો બનાવી છે. CCTV કેમેરા ઉપરાંત, ડમ્પ ડેટા પણ શોધવામાં આવી રહ્યો છે. આ કેસ હાઇ પ્રોફાઇલ છે, એટલે નવી દિલ્હીના DCP પોતે ચાણક્યપુરી પોલીસ સ્ટેશન પહોંચ્યા છે, જ્યાં કેસ નોંધાયેલ છે. તેઓ આ ચેઈન સ્નેચિંગની ઘટના પર વ્યક્તિગત રીતે નજર રાખી રહ્યા છે. આ ઉપરાંત, પોલીસ પ્રત્યક્ષદર્શીઓ સાથે વાત કરી રહી છે. આ ઘટના બાદ, તામિલનાડુ ભવન અને આસપાસના વિસ્તારોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તો કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી મહિલા સાંસદ સુધાને લોકસભા સ્પીકર પાસે લઈ ગયા હતા, જ્યાં તેમણે કદાચ આ ઘટનાની ફરિયાદ કરી.

