- National
- ચૂંટણી પંચની PC બાદ કોંગ્રેસ કહે- અમારા સવાલના જવાબ નથી આપ્યા, BJP કહે- ચૂંટણી પંચે યોગ્ય જવાબ આપ્યો...
ચૂંટણી પંચની PC બાદ કોંગ્રેસ કહે- અમારા સવાલના જવાબ નથી આપ્યા, BJP કહે- ચૂંટણી પંચે યોગ્ય જવાબ આપ્યો
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની પ્રેસ કોન્ફરન્સ પર કોંગ્રેસે પોતાની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના નેતા પવન ખેરાએ કહ્યું છે કે, ચૂંટણી પંચની આ પ્રેસ કોન્ફરન્સમાં વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના સીધા જવાબ આપવામાં આવ્યા નથી.
પવન ખેરાએ કહ્યું, 'શું જ્ઞાનેશ ગુપ્તા (મુખ્ય ચૂંટણી કમિશનર)એ મહાદેવપુરામાં અમે જે એક લાખ મતદારોનો ખુલાસો કર્યો હતો તેના વિશે કોઈ જવાબ આપ્યો? તેમણે નથી આપ્યો.'
તેમણે કહ્યું, 'અમને આશા હતી કે, આજે જ્ઞાનેશ કુમાર (મુખ્ય ચૂંટણી કમિશનર) અમારા પ્રશ્નોના જવાબ આપશે... પરંતુ એવું લાગતું હતું કે, કોઈ BJP નેતા (પ્રેસ કોન્ફરન્સમાં) બોલી રહ્યા છે.'

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે રવિવારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન, મશીન રીડેબલ મતદાર યાદીના પ્રશ્ન પર, તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે 2019માં જ કહ્યું હતું કે, આ મતદારની ગોપનીયતાનું ઉલ્લંઘન હોઈ શકે છે.
આ અંગે પવન ખેરાએ કહ્યું, 'અનુરાગ ઠાકુરને છ લોકસભા મતવિસ્તારોની ડિજિટલ મતદાર યાદી મળી, પરંતુ (ચૂંટણી પંચ) આ યાદી અમને આપી રહી નથી. આજે કમિશન કહે છે કે, ડિજિટલ મતદાર યાદી આપવાથી પણ લોકોની ગોપનીયતાનું ઉલ્લંઘન થાય છે.'
BJPએ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની પ્રેસ કોન્ફરન્સને વિપક્ષને 'યોગ્ય જવાબ' ગણાવી છે.
BJP નેતા શાહનવાઝ હુસૈને કહ્યું, 'ચૂંટણી પંચે ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થા પર હુમલો કરનારાઓને યોગ્ય જવાબ આપ્યો છે. ચૂંટણી પંચે સ્પષ્ટપણે કહ્યું છે કે, તેમના માટે કોઈ શાસક પક્ષ અને વિપક્ષ નથી, તેઓ દરેકને એક જ નજરે જુએ છે.'
તેમણે કહ્યું કે, વિપક્ષ દ્વારા જે પ્રકારની ગેરસમજ ઉભી કરવામાં આવી હતી, ચૂંટણી પંચે તેનો જવાબ આપ્યો છે.

BJP નેતા શાહનવાઝ હુસૈને કહ્યું, 'બિહારના જે મતદારોના નામ ઉમેરવામાં આવ્યા નથી તેઓ માટે હજુ સમય છે, તેઓ તેમાં પોતાના નામ ઉમેરી શકે છે.'
હકીકતમાં, મુખ્ય ચૂંટણી કમિશનરે રવિવારે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે, જો બિહારમાં હાથ ધરવામાં આવેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ તૈયાર કરાયેલ ડ્રાફ્ટ યાદીમાં કોઈ ભૂલ હોય, તો તેને દૂર કરવા માટે 1 સપ્ટેમ્બર સુધીનો સમય છે.

