- National
- ટ્રમ્પ અને PM મોદીએ એકબીજાની કરી પ્રશંસા, શું નરમ પડી ગયું અમેરિકા?
ટ્રમ્પ અને PM મોદીએ એકબીજાની કરી પ્રશંસા, શું નરમ પડી ગયું અમેરિકા?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પની ભાવનાઓની ખરા દિલથી પ્રશંસા કરી અને પૂરા સમર્થનની વાત કહી. બંનેના નિવેદનો પર વિદેશ મંત્રી એસ જયશંકરનું કહેવું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા સાથેની ભાગીદારીને ખૂબ મહત્ત્વ આપે છે. એક તરફ ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મિત્ર કહી રહ્યા છે અને અંગત સંબંધોનો સંદર્ભ આપી રહ્યા છે. બીજી તરફ તેમના સાથીઓ સતત ભારત પર હુમલો કરી રહ્યા છે.
શું અમેરિકા નરમ પડી ગયું છે?
અમેરિકન રાષ્ટ્રપતિનું મિત્રતાવાળું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત 50 ટકા અમેરિકન ટેરિફનો સામનો કરી રહ્યું છે. ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ગ્રેટ પ્રાઇમ મિનિસ્ટર’ કહ્યા, પરંતુ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી પર નિરાશા પણ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, ‘હું હંમેશાં મોદીનો મિત્ર રહીશ. તેઓ એક ગ્રેટ પ્રાઇમ મિનિસ્ટર છે. હું નિરાશ છું કે ભારત રશિયન તેલ ખરીદી રહ્યું છે અને મેં તેમને 50 ટકા ટેરિફ લગાવીને બતાવી દીધું છે.’
વ્યૂહાત્મક બાબતોના જાણીતા વિશ્લેષક બ્રહ્મા ચેલ્લાનીનું કહેવું છે કે એક જ સમયે બે વિરોધાભાસી નિવેદનો આપવા એ ટ્રમ્પની વિદેશ નીતિ છે. બ્રહ્મા ચેલાની X પર લખે છે કે, ‘ટ્રમ્પનું અચાનક બદલાતું વલણ. પહેલા એમ કહેવું કે ભારત 'ઊંડા, અંધારિયા ચીન’ તરફ જઇ ચૂક્યું છે અને પછી એમ કહેવું કે અમેરિકા અને ભારત વચ્ચે ‘ખૂબ જ ખાસ સંબંધ’ છે, તેમની વિદેશ નીતિની વ્યવહારિક વિચારસરણી દર્શાવે છે. આવા નિવેદનોથી તેઓ એકસાથે ઘણા લોકોને સંદેશ મોકલી શકે છે. પોતાના દેશમાં પોતાના સમર્થકોને મજબૂત લાગે છે અને સાથે જ પોતાના સહયોગી દેશો સાથે સંબંધો જાળવી રાખે છે.’
બ્રહ્મા ચેલ્લાનીનું કહેવું છે કે, ‘આ વિરોધાભાસી વાતો કોઈ ભૂલ નથી, પરંતુ ટ્રમ્પની રાજનીતિની રીત આવી છે. તેમના નિવેદનો ઘણીવાર મીડિયામાં ચર્ચા અને દબાણ બનાવવાના હેતુથી હોય છે. તેઓ એક દિવસ કડક બોલે છે અને બીજા દિવસે તેઓ કોઈ પણ સમજૂતી આપ્યા વિના તેમના શબ્દો બદલી શકે છે. આ મામલે પહેલું ધમકીભર્યું નિવેદન દબાણ બનાવવા માટે હતું અને પાછળથી આત્મવિશ્વાસપૂર્ણ નિવેદન સંબંધો સારા રાખવા માટે આપવામાં આવ્યું હતું, જેથી તેઓ નબળા ન દેખાય.’
વડાપ્રધાન મોદીનો ટ્રમ્પને જવાબ આપવું કેટલું યોગ્ય?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર લખ્યું કે, ‘હું રાષ્ટ્રપતિ ટ્રમ્પની લાગણીઓ અને આપણા સંબંધો બાબતે તેમના સકારાત્મક વિચારોની પ્રશંસા કરું છું. ભારત અને અમેરિકા વચ્ચે ખૂબ જ સકારાત્મક અને દૂરંદેશી વ્યાપક અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી છે.’
એસ. જયશંકરે સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા સાથેની અમારી ભાગીદારીને ખૂબ મહત્ત્વ આપે છે. જ્યાં સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સવાલ છે, તેમના (વડાપ્રધાન નરેન્દ્ર મોદી) હંમેશાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ખૂબ સારા વ્યક્તિગત સંબંધો રહ્યા છે, પરંતુ મુદ્દો એ છે કે અમારી અમેરિકા સાથે વાતચીત ચાલી રહી છે. હું આ સમયે આનાથી વધુ કંઈ નહીં કહી શકું.’
બ્રહ્મા ચેલાનીનું માનવું છે કે બંને નેતાઓ વચ્ચે વાતચીત માટે ફોન કોલ એક મજબૂત પહેલ હોત. તેઓ લખે છે કે, ‘ટ્રમ્પને કારણે ઉત્પન્ન થયેલા તણાવને અસરકારક રીતે ઘટાડવા માટે એક ફોન કોલ એક મજબૂત પહેલ હોત. સીધી વાતચીતથી સ્પષ્ટ સંદેશ મળ્યો હોત કે અમેરિકા-ભારત વચ્ચેના સંબંધ કેટલા મહત્ત્વપૂર્ણ છે અને મોદી રાષ્ટ્રપતિ સાથે મળીને તેને મજબૂત કરવા માટે તૈયાર છે. આ એ પણ દર્શાવે છે કે જ્યા ટ્રમ્પ અહંકારથી ચાલે છે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યક્તિગત સમીકરણોથી ઉપર ઉઠીને આ મહત્ત્વપૂર્ણ ભાગીદારીને સુધારવા અને આગળ વધારવા માટે તૈયાર છે.’
સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા કે.પી. ફેબિયન કહે છે કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૂટનીતિક રીતે યોગ્ય પગલું ભર્યું છે અને ટ્વીટનો જવાબ યોગ્ય રીતે આપ્યો છે, પરંતુ મને નથી લાગતું કે આ 2 ટ્વીટ આ સમયે મોટો ફરક લાવે છે.’
ટ્રમ્પ ભલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી રહ્યા હોય, પરંતુ તેમના નજીકના સાથીઓ સતત ભારતને નિશાન બનાવી રહ્યા છે. શુક્રવારે મોડી રાત્રે, પીટર નવારોએ તેમના X એકાઉન્ટ પર ભારતને લઈને એક પોસ્ટ લખી. તેમણે લખ્યું કે, ‘ભારતના હાઇ ટેરિફ દર અમેરિકન નોકરીઓને અસર કરે છે. ભારત માત્ર નફો કરવા માટે રશિયા પાસેથી તેલ ખરીદે છે અને આ પૈસા રશિયાના યુદ્ધ મશીનોને જાય છે. અમેરિકન કરદાતાઓને વધુ પૈસા ખર્ચવા પડી રહ્યા છે. ભારત સત્ય સ્વીકારતું નથી અને માત્ર કહાની ફેરવે છે.’
ભારતના અંગ્રેજી ‘અખબાર ધ હિન્દુ’ના ડિપ્લોમેટિક બાબતોના સંપાદક સુહાસિની હૈદરે X પર લખ્યું કે, ‘સવાલ એ છે કે... શું સંબંધો બાબતે આ સકારાત્મક નિવેદનનો આપવાનો અર્થ એ પણ છે કે 50 ટકા ટેરિફ હટશે, બળજબરીથી ડિપોર્ટેશન બંધ થશે, વિઝા પ્રતિબંધ સમાપ્ત થશે, આઉટસોર્સિંગ અને રોકાણ પરના પ્રતિબંધો હટશે, અને ઓપરેશન સિંદૂર જેવા મુદ્દાઓનો જવાબ મળશે?
પશ્ચિમ એશિયાના નિષ્ણાત વાયલ અવ્વાદનું કહેવું છે કે, ‘અમેરિકા ભારતને અવગણી નહીં શકે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે સારા સંબંધો છે. અમેરિકામાં ભારતીયોનો મોટો સમુદાય પણ છે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ તેમની સાથે વાત કરે છે, ત્યારે તેઓ સંદેશ આપવા માગે છે કે ભારત અમેરિકા માટે મહત્ત્વપૂર્ણ છે.’ પરંતુ રાષ્ટ્રપતિ તરીકે કેટલાક મુદ્દાઓ છે જે તેમણે ઉઠાવ્યા છે અને હવે તેમણે તેમને પાછા લેવા પડશે. ત્યારે જ ભારતીય કંપનીઓ કોઈપણ સમસ્યા વિના અને કોઈપણ ટેરિફ વિના અમેરિકામાં નિકાસ કરી શકશે.’
અમેરિકાના નાણામંત્રી હોવર્ડ લુટનિકનું કહેવું છે કે ભારતે અમેરિકા અને રશિયામાંથી એકની પસંદગી કરવી પડશે. બ્લૂમબર્ગ સાથે વાત કરતા લુટનિકે કહ્યું કે, ‘રશિયન તેલ ખરીદવાનું બંધ કરો. બ્રિક્સનો હિસ્સો બનવાનું બંધ કરો. અમેરિકા અને ડોલરનો સાથ આપો, નહીં તો 50 ટકા ટેરિફનો સામનો કરો.’
અરવિંદ પનગઢિયા એક જાણીતા અર્થશાસ્ત્રી છે અને ભારત સરકારના નીતિ આયોગના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ લખે છે કે, ‘વડાપ્રધાને અમેરિકી રાષ્ટ્રપતિને ખૂબ જ સુંદર અને સંક્ષિપ્ત જવાબ આપ્યો છે, જે મૈત્રીપૂર્ણ પણ છે. આશા છે કે આ વિશ્વના બે સૌથી મહત્ત્વપૂર્ણ દેશો વચ્ચેના સંબંધોને પુનઃસ્થાપિત કરવા માટે લાંબો રસ્તો નક્કી કરવામાં મદદ કરશે.’ પાકિસ્તાનમાં ભારતના પૂર્વ હાઇ કમિશનર અજય બિસારિયાએ બંને વચ્ચેની વાતચીત પર લખ્યું છે કે એવું લાગે છે કે સપ્ટેમ્બર મહિનો ઑગસ્ટ કરતા વધુ સારો રહેશે.

