- Tech and Auto
- હવે નવો ફોન ખરીદવા માટે તમારા ખિસ્સા હળવા થઇ શકે છે, સ્માર્ટફોનના ભાવ વધશે
હવે નવો ફોન ખરીદવા માટે તમારા ખિસ્સા હળવા થઇ શકે છે, સ્માર્ટફોનના ભાવ વધશે
જો તમે સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ મહિને ઘણી બ્રાન્ડ્સ શક્તિશાળી સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. બજેટ રેન્જથી લઈને ફ્લેગશિપ લેવલ સુધી, દરેક કેટેગરીમાં સ્માર્ટફોન લોન્ચ થવાના છે. પરિણામે, નવેમ્બર મહિનો લોન્ચથી ભરેલો છે. પરંતુ અહીં તમને થોડી વધુ કિંમત આપવી પડે તેમ છે.
વનપ્લસ 15 ભારતમાં 13 નવેમ્બરના રોજ લોન્ચ થયો હતો. આ સ્માર્ટફોનની કિંમત તેના પાછલા વર્ઝન કરતા વધારે છે. આવું ફક્ત વનપ્લસ 15 સાથે જ નહીં પરંતુ અન્ય ઘણા ફોન સાથે પણ થવાનું છે. આનો અર્થ એ છે કે આવનારા દિવસોમાં તમારે ફોન ખરીદવા માટે વધુ ખર્ચ કરવો પડશે.
વનપ્લસ 15 રૂ. 72,999થી શરૂ થાય છે. અહીં તમને બતાવી દઈએ કે, વનપ્લસ 13 રૂ. 69,999ની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ નવા ફોનની કિંમત લગભગ રૂ. 3,000 વધુ છે. બંનેની કિંમત 256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે.
વનપ્લસ 15 એકમાત્ર ફોન નથી, જે ઊંચી કિંમતે લોન્ચ થઈ રહ્યો છે. હકીકતમાં, iQOO 15 અને Oppo Find X9 પાસેથી પણ આ જ પ્રકારના સંકેતો મળી રહ્યા છે. આનો અર્થ એ છે કે, આ બંને ફોન પણ વધુ કિંમતે લોન્ચ થઈ શકે છે.
આ બધા પાછળ ફ્લેશ મેમરી ચિપ્સનો હાથ છે. હકીકતમાં ફોન ઉદ્યોગમાં ફ્લેશ મેમરી ચિપ્સની માંગ વધી છે, ખાસ કરીને AI ક્ષેત્રમાં તેજીને કારણે. ફ્લેશ મેમરી ચિપ્સનો ઉપયોગ AI મોડેલો વિકસાવવા માટે પણ થતો હોવાથી, બજારમાં અછત સર્જાઈ છે. તેમાં પહેલું કારણ છે, સ્માર્ટફોનના ઉત્પાદનમાં વપરાતી મેમરી અને ચિપ્સના ભાવ સતત વધી રહ્યા છે. તેથી વધુ, સપ્લાય ચેઇન પર દબાણ બનેલું છે, અને ડૉલર સામે ભારતીય રૂપિયાની નબળાઈએ પણ ભાવમાં વધુ વધારો કર્યો છે.
નિષ્ણાતો કહે છે કે, સપ્લાયર્સ ચિપ્સની માંગને પહોંચી વળવામાં અસમર્થ છે, જેના કારણે સ્માર્ટફોન અને સ્માર્ટ TVમાં વપરાતી મેમરી ચિપ્સ પણ AI કંપનીઓને સપ્લાય કરવામાં આવી રહી છે. આના કારણે ચિપ્સના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
આ વધેલા દરોને કારણે સ્માર્ટફોન અને સ્માર્ટ TVના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે. આની આગામી લોન્ચ પર ખુબ જ નોંધપાત્ર અસર પડશે, હવે અત્યારે મોટાભાગના સ્માર્ટફોન જૂના મોડેલો કરતાં રૂ. 3,000 સુધી વધુ કિંમત પર લોન્ચ થઇ શકે છે.
ઓપ્પોએ તેના રેનો 14 અને રેનો 14 પ્રો સ્માર્ટફોનની કિંમતમાં રૂ. 2,000નો વધારો કર્યો છે, જ્યારે વિવોએ તેના T4x અને T4x લાઇટ હેન્ડસેટની કિંમતમાં રૂ. 500નો વધારો કર્યો છે. એટલે કે જો હવે તમે ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે વધુ કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે.

