- National
- પતિ-પત્નીમાં ઝઘડો થતા જર્મનીથી બેન્કોક જઈ રહેલી ફ્લાઈટ દિલ્હી લેન્ડ કરવી પડી
પતિ-પત્નીમાં ઝઘડો થતા જર્મનીથી બેન્કોક જઈ રહેલી ફ્લાઈટ દિલ્હી લેન્ડ કરવી પડી

ફ્લાઈટમાં પતિ-પત્ની વચ્ચે એવો ઝઘડો થયો કે બેન્કોક જઈ રહેલી ફ્લાઈટ દિલ્હી પહોંચી ગઇ. બુધવારે જર્મનીના મ્યૂનિચ શહેરથી બેન્કોક જઇ રહેલી લુફ્તાન્ઝા એરલાઈન્સની એક ફ્લાઈટે પેસેન્જરના વ્યવહારને કારણે રસ્તો બદલવો પડ્યો અને ફ્લાઈટ દિલ્હી લેન્ડ કરાવવી પડી. ANIને સૂત્રોએ જણાવ્યું કે, વિમાનને દિલ્હી લાવવાનો નિર્ણય કેબિન ક્રૂની ફરિયાદ પછી લેવામાં આવ્યો. કેબિન ક્રૂના સભ્યોએ પતિ અને પત્ની વચ્ચે થઇ રહેલા ઝઘડાની ફરિયાદ કરી હતી.
પાકિસ્તાને ફ્લાઈટ લેન્ડ કરવાની પરવાનગી આપી નહી
દિલ્હી એરપોર્ટ પર તૈનાત સુરક્ષા કર્મીઓએ ANIને જણાવ્યું કે, પતિ-પત્ની વચ્ચે લડાઈ શા માટે થઇ તેની જાણકારી સામે આવી નથી. પણ બંને વચ્ચેની લડાઈના કારણે ફ્લાઈટની દિશા બદલવી પડી. જોકે, આ ફ્લાઈટને ચલાવી રહેલા પાયલટે પહેલા પાકિસ્તાનની નજીક પ્લેનને લેન્ડ કરવાની પરવાનગી માગી હતી. પણ પાયલટના આગ્રહને નકારી દેવામાં આવ્યો.
લુફ્તાન્ઝા એરલાઈન્સની ફ્લાઈટ LH772ને સવારે 10 વાગ્યે 26 મિનિટ પર દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ કરવાની પરવાનગી મળી ગઇ હતી. પાયલટે ATCનો સંપર્ક કરી વિમાનમાં સવાર યાત્રીઓના ખરાબ વ્યવહાર વિશે જાણકારી આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ફ્લાઈટની અંદર જર્મન યુવક અને તેની થાઈ પત્નીની વચ્ચે કોઇ વાતને લઇ લડાઈ થઇ હતી.
એક અધિકારીએ કહ્યું કે, પહેલા પત્નીએ પોતાના પતિના ખરાબ વર્તનની ફરિયાદ પાયલટને કરી હતી. મહિલાએ પાયલટને કહ્યું હતું કે, તેનો પતિ તેને ધમકી આપી રહ્યો છે અને પછી તેણે પાયલટના હસ્તક્ષેપની માગણી કરી હતી. દિલ્હી એરપોર્ટ પર વિમાન લેન્ડ થયા પછી CISFના જવાન કપલ અને ફ્લાઈટ ક્રૂ સાથે વાતચીત કરી રહ્યા છે.
દિલ્હી પહોંચ્યા પછી જર્મન નાગરિકને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યો. DGCAના અધિકારીએ કહ્યું કે, એરલાઇન હવે જર્મન એમ્બેસી સાથે સંપર્ક કરી યાત્રી વિશે વાતચીત કરી રહી છે. જોકે, પેસેન્જરે માફી માગી લીધી છે. DGCAએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે, યાત્રીને ભારતમાં એન્ફોર્સમેન્ટ એજન્સીને સોંપી દેવામાં આવશે કે પછી તેને માફ કરી ફરીથી જર્મની મોકલી દેવામાં આવશે? હજુ તે અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી.