- National
- 'ગણપતિ ઉત્સવ' બન્યો મહારાષ્ટ્રનો રાજ્ય ઉત્સવ, સરકાર ગણેશોત્સવનો ખર્ચ ઉઠાવશે
'ગણપતિ ઉત્સવ' બન્યો મહારાષ્ટ્રનો રાજ્ય ઉત્સવ, સરકાર ગણેશોત્સવનો ખર્ચ ઉઠાવશે
ગણપતિ ઉત્સવ આવવાનો છે. તે પહેલાં, મહારાષ્ટ્ર સરકારે એક મોટી જાહેરાત કરી છે. સરકારે જાહેર ગણપતિ ઉત્સવને રાજ્ય ઉત્સવ જાહેર કર્યો છે. આ સાથે, સરકારે કહ્યું છે કે રાજ્ય સરકાર આ ભવ્ય ઉજવણીમાં થનારા ખર્ચનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. આ જાહેરાત કરતા, રાજ્ય સરકારના સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેલારે કહ્યું કે, ગણેશોત્સવ માત્ર એક તહેવાર નથી પરંતુ મહારાષ્ટ્રના સાંસ્કૃતિક ગૌરવ અને ઓળખનું પ્રતીક છે.
શેલારે વિધાનસભામાં કહ્યું, 'મહારાષ્ટ્રમાં જાહેર ગણેશોત્સવ 1893માં લોકમાન્ય તિલક દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. આ તહેવારનો મૂળ સાર સામાજિક એકતા, રાષ્ટ્રવાદ, સ્વતંત્રતાની ભાવના, આત્મસન્માન અને પોતાની ભાષામાં ગૌરવ છે. આ મહાન પરંપરા આજે પણ ચાલુ છે.' શેલારે કહ્યું કે, કેટલાક લોકોએ વિવિધ કોર્ટમાં અરજીઓ દાખલ કરીને સદીઓ જૂની જાહેર પરંપરાને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કર્યો, ઉત્સવને વિક્ષેપિત કરવાના સતત પ્રયાસો થયા.
વિધાનસભામાં બોલતા શેલારે કહ્યું, 'હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, CM દેવેન્દ્ર ફડણવીસ, DyCM એકનાથ શિંદે અને DyCM અજિત પવારના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકારે તમામ અવરોધો દૂર કરવા માટે ઝડપથી અને નિર્ણાયક રીતે કાર્ય કર્યું. પાછલી સરકાર દરમિયાન, CPCB (કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) માર્ગદર્શિકાનો ઉલ્લેખ કરીને, કોઈ પણ વ્યવહારુ વિકલ્પ સૂચવ્યા વિના પરંપરાગત POP (પ્લાસ્ટર ઓફ પેરિસ) મૂર્તિઓ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. તેનાથી વિપરીત, અમારા વિભાગે આ મુદ્દા પર વધુ સંતુલિત અભિગમ અપનાવ્યો હતો.'
https://twitter.com/ShelarAshish/status/1943219882960597121
સાંસ્કૃતિક બાબતોના મંત્રીએ કહ્યું, 'અમે પર્યાવરણને અનુકૂળ વિકલ્પો શોધવા અને POP ખરેખર પર્યાવરણ માટે હાનિકારક છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવા માટે એક વ્યાપક અભ્યાસ શરૂ કર્યો. અમે રાજીવ ગાંધી વિજ્ઞાન આયોગ દ્વારા કાકોડકર સમિતિ દ્વારા ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો આદેશ આપ્યો. આ પછી, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે તારણોને મંજૂરી આપી અને અગાઉ લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો. કોર્ટના ચુકાદા મુજબ, POP મૂર્તિઓનું ઉત્પાદન, પ્રદર્શન અને વેચાણ હવે માન્ય છે.'
જ્યારે મંત્રીએ દાવો કર્યો કે, CM દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની મહાયુતિ સરકારે ગણેશોત્સવ પર સ્પષ્ટ અને સક્રિય વલણ અપનાવ્યું છે. મંત્રીએ કહ્યું કે, 'પોલીસ સુરક્ષા હોય, માળખાગત સુવિધાઓની જરૂરિયાતો હોય કે પછી પુણે, મુંબઈ જેવા શહેરો અને રાજ્યભરમાં ભવ્ય ઉજવણી માટે નાણાકીય સહાય હોય, મહારાષ્ટ્ર સરકાર તમામ જરૂરી ખર્ચ ઉઠાવશે.'
26 ઓગસ્ટે ઉજવાનારા આગામી ગણેશોત્સવ અંગે, શેલારે કહ્યું, 'આ ગણેશ ઉત્સવમાં સામાજિક ચેતના, પર્યાવરણીય જવાબદારી અને ઉત્સવનો આનંદ દેખાવો જોઈએ.' સાથે તેમણે એમ પણ કહ્યું કે, હું બધા ગણપતિ મંડળોને અપીલ કરું છું કે, તેઓ તેમના આ ઉત્સવની ઉજવણીમાં એવી થીમ્સનો સમાવેશ કરે જે આપણી સેનાનું સન્માન કરે, સામાજિક પહેલ, ઓપરેશન સિંદૂર પ્રદર્શિત કરે, રાષ્ટ્રની વિકાસલક્ષી સિદ્ધિઓને પ્રકાશિત કરે અને આપણા મહાન નેતાઓને તેમના સુશોભન પ્રદર્શનમાં શ્રદ્ધાંજલિ આપે.

