- National
- એક સમયે બંગાળમાં રાજ કરતી કોંગ્રેસની આવી હાલત કંઈ રીતે થઈ?
એક સમયે બંગાળમાં રાજ કરતી કોંગ્રેસની આવી હાલત કંઈ રીતે થઈ?
પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં રાહુલ ગાંધીનો અંદાજ એવો જ રહ્યો, જેવો દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળ્યો હતો, અને મહત્વની વાત એ છે કે, બંગાળના પરિણામો પણ દિલ્હી જેવા જ લાગી રહ્યા છે. દિલ્હીની જેમ, કોંગ્રેસ બંગાળમાં પણ માંડ 2 સીટનો આંકડો પ્રાપ્ત કરે તેવી શક્યતા છે.
પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં રાહુલ ગાંધીનો લગાવ તેમના એક વીડિયો પરથી સમજી શકાય છે. પશ્ચિમ બંગાળમાં મતદાનના બીજા તબક્કાના દિવસે, રાહુલ ગાંધીએ ગ્રેટર નિકોબાર પ્રોજેક્ટ પર નિવેદન આપ્યું હતું. 29 એપ્રિલના રોજ, સવારે 8 વાગ્યે (સવારે 7:58 વાગ્યે), રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેન્દ્ર સરકાર પર હુમલો કરતા એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો નિકોબારના કેમ્પબેલ ખાડીમાં પ્રોજેક્ટનો વિરોધ કરતા આદિવાસી નેતાઓને મળ્યા પછી બનાવવામાં આવ્યો હતો. ત્યાર પછી, સરકારે રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપ્યો.
કોંગ્રેસના પ્રચાર મુજબ, રાહુલ ગાંધીએ વિધાનસભા ચૂંટણી દરમિયાન બે વાર પશ્ચિમ બંગાળની મુલાકાત લીધી હતી અને 5 રેલીઓ યોજી હતી. તેમણે 2024ની સામાન્ય ચૂંટણીઓમાં તો પ્રચાર કર્યો પણ ન હતો. 2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં, રાહુલ ગાંધી એક દિવસની મુલાકાતે ગયા હતા અને બે ચૂંટણી રેલીઓ યોજી હતી.
આમ તો પશ્ચિમ બંગાળ કોંગ્રેસે સમગ્ર બંગાળમાં વિધાનસભા ચૂંટણી લડી હોવાનું કહેવાય છે, અને બંગાળ કોંગ્રેસના અગ્રણી નેતા અધીર રંજન ચૌધરીએ પણ વિધાનસભા ચૂંટણી લડી હતી, ત્યારે રાહુલ ગાંધી ફક્ત જવાબદારી પૂરતા જ ફક્ત બે દિવસ માટે આવ્યા હતા. આખરે પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે રાહુલ ગાંધીની રણનીતિ શું હતી?
પશ્ચિમ બંગાળમાં મતદાનના બે તબક્કામાં હિંસાની કોઈ મોટી ઘટના બની નથી, કે કોઈએ જીવ ગુમાવ્યો નથી. ચૂંટણી પંચે પહેલાથી જ શાંતિપૂર્ણ ચૂંટણીનો દાવો કર્યો હતો. જોકે, મતદાનના પહેલા તબક્કા પછી, 23 એપ્રિલે આસનસોલમાં એક કોંગ્રેસ કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળ કોંગ્રેસનો આરોપ છે કે, શાસક તૃણમૂલ કોંગ્રેસ સાથે સંકળાયેલા ગુંડાઓએ પાર્ટી કાર્યકરની હત્યા કરી હતી, જે રાજ્યની કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો પુરાવો છે.
રાહુલ ગાંધીએ પણ સોશિયલ મીડિયા સાઇટ X પર એક પોસ્ટમાં આવો જ આરોપ લગાવ્યો હતો. તેમણે લખ્યું હતું કે, 'મતદાન કર્યા પછી કોંગ્રેસ કાર્યકર દેબદીપ ચેટરજીની TMC સાથે સંકળાયેલા ગુંડાઓ દ્વારા કરવામાં આવેલી હત્યા ખૂબ જ નિંદનીય છે. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. આજે, પશ્ચિમ બંગાળમાં લોકશાહી નથી, પરંતુ TMC ગુંડાઓનું શાસન છે. મતદાન કર્યા પછી વિરોધીઓની અવાજોને ડરાવવા, મારવાનું અને ખતમ કરવાનું એ TMCનું ચરિત્ર બની ગયું છે.'
રાહુલ ગાંધીએ કોલકાતાની એક રેલીમાં પણ CM મમતા બેનર્જી પર પણ હુમલો કર્યો. તેમણે કહ્યું, 'TMCએ બંગાળમાં કંઈ કામ જ નથી કર્યું... તેણે લોકોને રોજગાર આપ્યો નથી... TMCની નબળી સરકારને કારણે જ, આજે બંગાળમાં BJP માટે માર્ગ મોકળો થઇ રહ્યો છે... CM મમતા બેનર્જીની સરકારમાં મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવ્યો છે... RG કર જેવી ઘટનાઓ આપણી સામે છે.'
પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના શ્રીરામપુર વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસની રેલીમાં, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી અને PM નરેન્દ્ર મોદી બંને પર નિશાન સાધ્યું. તેમના ભાષણમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓની ઝલક જોવા મળી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું, 'મારી સામે 36 કેસ છે... કારણ કે હું BJP સામે લડી રહ્યો છું... EDએ મારી 55 કલાક પૂછપરછ કરી... મારું ઘર છીનવી લેવામાં આવ્યું હતું... પણ CM મમતા બેનર્જી સાથે આવું કેમ ન થયું? કારણ કે CM મમતા બેનર્જી બંગાળમાં જે કરી રહ્યા છે, તે PM નરેન્દ્ર મોદી આખા દેશમાં કરી રહ્યા છે..., CM મમતા બેનર્જી બંગાળમાં BJP માટે રસ્તો ખુલ્લો કરી રહ્યા છે... દર 10-15 દિવસે મારે કેસ લડવા માટે ક્યાંકને ક્યાંક જવું પડે છે... હું તમને પૂછવા માંગુ છું કે, PM નરેન્દ્ર મોદીએ CM મમતા બેનર્જી સામે કેટલા કેસ દાખલ કર્યા છે?'
રાહુલે લગભગ 17 મિનિટનું ભાષણ આપ્યું. તેમાં તેઓ ચોક્કસપણે CM મમતા બેનર્જીને નિશાન બનાવી રહ્યા હતા, પરંતુ તેઓ CM મમતા બેનર્જી કરતાં PM નરેન્દ્ર મોદી સામે વધુ આક્રમક દેખાતા હતા. અહેવાલો દર્શાવે છે કે, જ્યારે રાહુલ ગાંધીએ CM મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા, ત્યારે લોકોએ ઉત્સાહથી ખુબ તાળીઓ પાડી હતી, પરંતુ જ્યારે તેમણે PM મોદી પર નિશાન સાધ્યું, ત્યારે સામેથી પ્રતિક્રિયા ઓછા ઉત્સાહવાળી હતી.
શું રાહુલ ગાંધી પશ્ચિમ બંગાળમાં CM મમતા બેનર્જીની હાર જ જોવા માંગતા હતા? જેવી રીતે દિલ્હીમાં રાહુલ ગાંધીએ અરવિંદ કેજરીવાલનો એક્સાઇઝ પોલિસી કેસ (દિલ્હી દારૂ કૌભાંડ) અને તેમના CM કાર્યકાળ દરમિયાન બનાવાયેલા નિવાસસ્થાનનો ઉલ્લેખ 'શીશમહેલ' ગણાવીને BJP પર નિશાન સાધ્યું હતું, તેમ CM મમતા બેનર્જી સામે પણ એવો જ અંદાજ જોવા મળ્યો હતો.
બંગાળમાં CM મમતા બેનર્જીની હારથી BJPનો વિજય નક્કી થઇ ગયો. જેમ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની હાર BJPનો વિજય બની હતી. અને બિહારમાં શું થયું? બિહારમાં પણ BJPની આગેવાની હેઠળના NDAનો વિજય થયો. અને થોડા દિવસો પછી, એક BJP નેતા જ CM પણ બની ગયા.
દિલ્હીમાં, રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલ સામે એ જ વાક્યનો ઉપયોગ કરી રહ્યા હતા, જે સામાન્ય રીતે BJPના નેતાઓના ભાષણોમાં સાંભળવા મળતું હતું. બિહારમાં, તેઓ દેખીતી રીતે તેજસ્વી યાદવ સાથે હતા, પરંતુ તેમણે જે કંઈ કર્યું તે RJD વિરુદ્ધ ગયું. રાહુલ ગાંધીએ તેજસ્વી યાદવને અંત સુધી CM પદના ઉમેદવાર માન્યા ન હતા.
દિલ્હી અને બિહાર પછી, શું રાહુલ ગાંધી બંગાળમાં પણ આવું જ પરિણામ ઇચ્છતા હતા? હવે, જો CM મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલ કહે કે, કોંગ્રેસ BJPને મદદ કરી રહી છે, તો તેમણે નારાજ થવું જોઈએ નહીં.
પશ્ચિમ બંગાળમાં જઈને રાહુલ ગાંધીએ પૂછ્યું કે, BJP સરકારે CM મમતા બેનર્જી સામે કેટલા કેસ દાખલ કર્યા છે. દિલ્હીની ચૂંટણી દરમિયાન, અરવિંદ કેજરીવાલે પણ એમ જ પૂછ્યું કે, ગાંધી પરિવારના કોઈ સભ્યને જેલ કેમ નથી મોકલવામાં આવ્યા.
હવે તો, CM મમતા બેનર્જી પણ રાહુલ ગાંધી વિશે અરવિંદ કેજરીવાલ જેવા જ પ્રશ્નો પૂછશે. INDIA બ્લોકમાં નેતૃત્વ અંગે પ્રશ્નો ઉઠાવ્યા પછી, CM મમતા બેનર્જી પશ્ચિમ બંગાળની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને શાંત થઈ ગયા હતા. જોકે, રાહુલ ગાંધીના આવા સવાલો પછી, CM મમતા બેનર્જીનું રૂપ કંઇક અલગ જ જોવા મળી શકે છે.

