- National
- ગુફામાંથી મળેલી રશિયન મહિલાને પ્રેમની 'નિશાની'ના આધારે કર્ણાટકની કોર્ટે રશિયા મોકલવા પર રોક લગાવી
ગુફામાંથી મળેલી રશિયન મહિલાને પ્રેમની 'નિશાની'ના આધારે કર્ણાટકની કોર્ટે રશિયા મોકલવા પર રોક લગાવી
કર્ણાટકના ગોકર્ણમાં ગુફામાંથી 40 વર્ષીય રશિયન મહિલા નીના કુટીના અને તેની બે પુત્રીઓ મળી આવ્યા ત્યારથી, આ માતા-પુત્રીઓની વાર્તા આખા દેશમાં ચર્ચાનો વિષય બની છે. 9 જુલાઈના રોજ, ઉત્તર કન્નડ જિલ્લા નજીક ગોકર્ણમાં એક ગુફામાંથી નીના અને તેની બે પુત્રીઓ, ઉમર વર્ષ 6 અને 4, મળી આવી હતી. ત્યારપછી તેમને બેંગલુરુના ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. ત્યારપછીથી પોલીસ સતત આ મામલાની તપાસ કરી રહી હતી.
કહેવામાં આવી રહ્યું હતું કે, પૂછપરછ કર્યા પછી રશિયન મહિલાને તેના દેશમાં મોકલવામાં આવશે. પરંતુ કર્ણાટકની કોર્ટે તેના પર પણ સ્ટે લગાવી દીધો છે. જેના પછી રશિયન મહિલા નીના કુટીનાને મોટી રાહત મળી છે. આ રાહત પાછળ નીના કુટીનાનું 'પ્રેમની નિશાની' ખૂબ ઉપયોગી રહી. ચાલો જાણીએ કે કુટીનાને રાહત મળી તે 'પ્રેમની નિશાની' શું છે. અને શા માટે કુટીનાનોને મજા પડી ગઈ.
કર્ણાટક હાઈકોર્ટે નીનાના રશિયા દેશનિકાલ પર રોક લગાવી હતી. તેનું મુખ્ય કારણ તેની બે પુત્રીઓ હતી, જે ગોવાના પ્રેમનું પ્રતીક છે. એટલે કે, ગોવામાં જ નીનાને એક ઇઝરાયલી ઉદ્યોગપતિ સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો, જેના પછી તેને બે પુત્રીઓ થઈ હતી. નીનાના વકીલ બીના પિલ્લાઈએ યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ રાઈટ્સ ઓફ ધ ચાઈલ્ડ (UNCRC)નો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, બાળકોનું કલ્યાણ સૌથી મહત્વપૂર્ણ છે. અહીં તમને જણાવી દઈએ કે, યુનાઈટેડ નેશન્સ કન્વેન્શનની કલમ 3 અનુસાર, 'બાળકોને અસર કરતા તમામ નિર્ણયો અને ક્રિયાઓમાં બાળકોના શ્રેષ્ઠ હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ.'
જજ S. સુનિલ દત્ત યાદવે સ્વીકાર્યું કે, બાળકોને તેની માતાથી અલગ કરવા અથવા તેને રશિયા મોકલવા તેમના માટે નુકસાનકારક હોઈ શકે છે. કોર્ટે કહ્યું, 'બાળકોનું ભવિષ્ય પહેલા આવે છે, પછી બીજું બધું.' આગામી સુનાવણી 18 ઓગસ્ટે થશે.
નીના કુટિના તેની બે પુત્રીઓ સાથે ગોકર્ણમાં રામતીર્થ ટેકરી પર એક ગુફામાં રહેતી મળી આવી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, રશિયન મહિલા આઠ વર્ષ સુધી ભારતમાં તેના વિઝાની મુદત કરતાં વધુ સમય સુધી રહી હતી. 40 વર્ષીય રશિયન મહિલાએ પોલીસને જણાવ્યું કે, તે 'આધ્યાત્મિક એકાંત અને પ્રકૃતિની નજીક રહેવા' માટે ગોવાથી કર્ણાટક આવી હતી. 9 જુલાઈના રોજ ગુફામાં પરિવાર મળી આવ્યા પછી, અધિકારીઓએ નીના અને તેના બાળકોને આગળની કાર્યવાહી માટે તુમાકુરુના એક આશ્રય ગૃહમાં ખસેડ્યા.
ત્યારપછી નીનાના અલગ થયેલા જીવનસાથી અને પુત્રીઓના પિતા, ડ્રોર ગોલ્ડસ્ટીન આગળ આવ્યા અને કહ્યું કે તે તેની બંને પુત્રીઓની કસ્ટડી માંગે છે. ડ્રોર કહે છે કે, નીનાએ તેની પુત્રીઓ તેમની પાસેથી છીનવી લીધી. 2017માં ગોવા પોલીસમાં દાખલ કરેલી ફરિયાદમાં, ડ્રોરએ નીના પર આરોપ લગાવ્યો હતો કે તે તેને બાળકોથી દૂર રાખે છે અને પૈસા માટે તેનો ઉપયોગ કરે છે. ગોલ્ડસ્ટીને નીના પર તેના બાળકોનું બ્રેનવોશ અને તેમને તેનાથી દૂર રાખવાનો આરોપ લગાવ્યો હતો.
કોર્ટના આદેશ પછી નીના અને તેની પુત્રીઓ હાલમાં તુમાકુરુના એક આશ્રય ગૃહમાં છે. ત્યાં સુધી, દેશનિકાલ મુલતવી રાખવામાં આવ્યો છે. નીનાને રાહત થઈ છે. શું નીના ભારતમાં જ રહેશે? કે તેની પુત્રીઓ તેમના પિતા પાસે જશે? હવે આ પ્રશ્ન દરેકના મનમાં છે.

