- National
- તિરુપતિ મંદિરની જમીન પર હવે મુમતાઝ હોટેલ નહીં બને, સરકારે પ્રોજેક્ટ બીજી જગ્યાએ મોકલ્યો
તિરુપતિ મંદિરની જમીન પર હવે મુમતાઝ હોટેલ નહીં બને, સરકારે પ્રોજેક્ટ બીજી જગ્યાએ મોકલ્યો
આંધ્રપ્રદેશ સરકારે મુમતાઝ હોટેલ અંગે મોટો નિર્ણય લીધો છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની જમીન પર પ્રસ્તાવિત ઓબેરોય ગ્રુપની મુમતાઝ હોટેલને તિરુમાલાથી તિરુપતિ ગ્રામીણ વિસ્તારમાં સ્થાનાંતરિત કરવામાં આવશે. CM N ચંદ્રબાબુ નાયડુની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ્ય તિરુમાલાની 'ધાર્મિક પવિત્રતા અને પર્યાવરણનું રક્ષણ સુનિશ્ચિત કરવાનો' છે. તિરુમાલાને ભગવાન વેંકટેશ્વરનું પવિત્ર તીર્થસ્થાન અને લાખો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે.
મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ મુજબ, ઓબેરોય ગ્રુપને 2021માં પાછલી YSRCP સરકારની પ્રવાસન નીતિ હેઠળ 20 એકર જમીન આપવામાં આવી હતી. હવે ગ્રુપને તિરુપતિ ગ્રામીણ મંડળના પેરુરુ ગામમાં 38 એકર વૈકલ્પિક જમીન મળશે. પેરુરુમાં 38 એકર જમીન વૈષ્ણવી ઇન્ફ્રા વેન્ચર્સ એન્ડ રિસોર્ટ્સ લિમિટેડને 2012માં ટેમ્પલ્સ ઓફ ઇન્ડિયા થીમ પાર્ક માટે ફાળવવામાં આવી હતી. તેમાંથી 30.32 એકર જમીન તેમને સોંપવામાં આવી હતી. 2021માં, તે જમીનમાંથી 20 એકર જમીન ઓબેરોય ગ્રુપના રિસોર્ટ પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવી હતી.
ફેબ્રુઆરી 2025માં, તિરુમાલા તિરુપતિ મંદિરના ઘણા સંતોએ મુમતાઝ હોટલ સામે ભૂખ હડતાળ કરી હતી. આ સંતોએ કહ્યું હતું કે, આ વૈભવી પ્રોજેક્ટ સાત પવિત્ર ટેકરીઓની પવિત્રતાનું ઉલ્લંઘન કરશે. આ અંગે, સંતોએ આંધ્ર પ્રદેશના CM ચંદ્રબાબુ નાયડુ અને DyCM પવન કલ્યાણને પત્ર લખીને જવાબ માંગ્યો હતો.
માર્ચમાં, CM N ચંદ્રબાબુ નાયડુએ નિર્ણાયક પ્રતિભાવ આપ્યો હતો અને મુમતાઝ હોટલ સંબંધિત તમામ ટેન્ડર રદ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની કોઈ જમીનનો ખાનગીકરણ માટે ઉપયોગ કરવામાં આવશે નહીં.'
પાછલી સરકારની ટીકા કરતા CM નાયડુએ કહ્યું હતું કે, 'તમે પાછલી સરકારને જોઈ હશે, જ્યારે તેમણે મુમતાઝ હોટેલ, દેવલોક પ્રોજેક્ટ વગેરે બનાવવાની પરવાનગી આપી હતી. તેમણે નામ બદલ્યું હતું, પરંતુ અમે તેમને કહ્યું હતું કે, અમે તેના માટે પરવાનગી આપી શકતા નથી.'
અહીં તમને બતાવી દઈએ કે, ઓબેરોય ગ્રુપે વિસ્તારના આધ્યાત્મિક સ્વભાવને ધ્યાનમાં રાખીને રિસોર્ટમાં ફક્ત શાકાહારી ભોજન પીરસવાની ઓફર કરી હોવાનું કહેવાય છે, પરંતુ સરકાર અડગ રહી. CM નાયડુએ કહ્યું, 'કોઈપણ ખાનગી સંસ્થાને આ પવિત્ર સ્થળે પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.'
ત્યાર પછી તેમણે પાછળથી ખાતરી આપી હતી કે, સરકાર કંપનીને અન્ય સ્થળે ખસેડવામાં મદદ કરશે.

