- National
- ઓડિશા પોલીસે સ્પાઇડરમેનનું ચલણ બનાવ્યું, જાણો શું કર્યો હતો ગુનો
ઓડિશા પોલીસે સ્પાઇડરમેનનું ચલણ બનાવ્યું, જાણો શું કર્યો હતો ગુનો
સ્પાઇડરમેનનો ચાહક કોણ નથી. પીટર પાર્કર ઉર્ફે સ્પાઇડરમેન ઇમારતો પર ચઢી જાય છે, એક એકથી ચઢિયાતા સ્ટંટ કરે છે. પરંતુ તે આ બધું ફિલ્મોમાં કરે છે. પરંતુ હકીકતમાં સ્ટંટ કરવું સ્પાઇડરમેન માટે મોંઘુ સાબિત થયું. આ ઘટના ઓડિશાના રાઉરકેલાની છે. અહીં એક વ્યક્તિ સ્પાઇડરમેનનો સૂટ પહેરીને બાઇક પર સ્ટંટ કરી રહ્યો હતો. પરંતુ આ કોઈ ફિલ્મ નથી કે જેને પોલીસ ઇગ્નોર કરી દે. તેથી પોલીસે સ્પાઇડરમેન સાહેબને પકડી લીધો.
20 ઓગસ્ટના રોજ, રાઉરકેલામાં લોકો રોજિંદાની જેમ પોતાના કામમાં વ્યસ્ત હતા. પરંતુ ત્યારે જ રસ્તા પર જઈ રહેલા એક બાઇકરે તેમનું ધ્યાન ખેંચ્યું. હવે આના બે કારણો હતા. પહેલું તે બાઇકરનાં વાહનનું સાયલેન્સર હતું, જે મોડિફાઇડ કરાવેલું હતું અને તેમાંથી ખૂબ જ જોરથી અવાજ આવી રહ્યો હતો. બીજું તે વ્યક્તિનો દેખાવ હતો અથવા કહો કે તેનો પોશાક. બાઈકસવારે સ્પાઇડરમેનનો સૂટ પહેરેલો હતો. લોકોએ પોતાના ફોન કાઢીને તેનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું. લોકોએ બનાવેલા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા. કેટલાક લોકોને આ રમુજી લાગ્યું, તો કેટલાક લોકોએ તેમના કૃત્યને ખતરનાક અને બેદરકારીભર્યું ગણાવ્યું.
હવે અહીં, એક સવાર તરીકે, સ્પાઇડરમેને ઓછામાં ઓછી ત્રણ ભૂલો કરી. પહેલી, તેણે હેલ્મેટ પહેર્યું ન હતું. બીજી, તેની બાઇકનું સાયલેન્સર મોડીફાઇ કરેલું હતું, જે ઘણો અવાજ કરી રહ્યું હતું. ત્રીજી, તે ખૂબ જ ઝડપથી વાહન ચલાવી રહ્યો હતો. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, રાઉરકેલા ટ્રાફિક પોલીસે વીડિયોની નોંધ લીધી અને યુવાનને ટ્રેક કર્યો. થોડી જ વારમાં, પોલીસે સ્પાઇડરમેનને શોધી કાઢ્યો. પોલીસે યુવાનની બાઇકનું અલગ અલગ કલમ હેઠળ ચલણ બનાવ્યું અને બાઇક જપ્ત કરી.
https://twitter.com/Anchor_Mukesh/status/1958573515969274272
પોલીસ તપાસ દરમિયાન, યુવાન તેના કૃત્યનું કોઈ કારણ આપી શક્યો નહીં. આખરે તેની મોટરસાઇકલ જપ્ત કરવામાં આવી અને પોલીસે તેના પર 15,000 રૂપિયાનું ચલણ બનાવ્યું હતું. હેલ્મેટ પહેર્યા વિના મોટરસાઇકલ ચલાવવી, ગતિ મર્યાદાનું ઉલ્લંઘન કરવું અને મોડીફાય કરેલા સાયલેન્સરનો ઉપયોગ કરવો, આ તમામ કૃત્યો બદલ તે વ્યક્તિને દંડ ફટકારવામાં આવ્યો.
પોલીસ અધિકારીઓ કહે છે કે, માર્ગ સલામતીના નિયમો દરેકને સમાન રીતે લાગુ પડે છે. તેમણે એવી પણ ટિપ્પણી કરી હતી કે, રસ્તા પર 'સ્પાઈડર-મેન'ના પોશાક પહેરેલા બાઇક સવારને ટ્રાફિક નિયમો તોડવા બદલ 15,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, પછી ભલે તે સામાન્ય નાગરિક હોય કે ફિલ્મી પાત્રની નકલ કરનાર વ્યક્તિ. રસ્તા પર હીરો બનવાનો પ્રયાસ કરવો એ પોતાના અને બીજાના જીવન માટે ખતરો સાબિત થઈ શકે છે. અધિકારીઓ સતત અપીલ કરી રહ્યા છે કે, લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે અને તેમની સલામતીને પ્રાથમિકતા આપે.
સ્થાનિક લોકોએ પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી. તેમનું કહેવું છે કે, આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી થવી જોઈએ જેથી અન્ય લોકો પાઠ શીખે. મનોરંજન માટે ફિલ્મી પાત્ર બનવું ખોટું નથી, પરંતુ નિયમો તોડીને જાહેર રસ્તાઓ પર આવું કરવાથી અકસ્માત થવાની શક્યતા વધી જાય છે. આ ઘટના એ હકીકતનું ઉદાહરણ છે કે, કાયદા સમક્ષ બધા સમાન છે. કોઈ પોતાને સ્પાઈડર-મેન માને કે સુપરહીરો, પરંતુ રસ્તા પર જવાબદારીપૂર્વક વાહન ચલાવવું એ જ સાચી બહાદુરી છે.

