- National
- 'તમારી જાતિના લોકો ઘોડા પર ન બેસી શકે ', દલિત વરરાજાને માર મારવામાં આવ્યો હોવાનો આરોપ
'તમારી જાતિના લોકો ઘોડા પર ન બેસી શકે ', દલિત વરરાજાને માર મારવામાં આવ્યો હોવાનો આરોપ
મધ્ય પ્રદેશના દામોહ જિલ્લાના હટા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા બિજોરી પાઠક ગામની એક ગલીમાં લગ્નની વિધિ ચાલી રહી હતી. વરરાજા, ગોલુ અહિરવાર ઘોડી પર બેઠો હતો, તેની આગળ બેન્ડ વગાડવામાં આવી રહ્યા હતા અને પાછળ પરિવાર અને સંબંધીઓ ખુશીથી નાચતા હતા. પરંતુ, યુવાનોના એક જૂથે વરરાજાને રોકી દીધો. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઝઘડા દરમિયાન ગોલુ અને તેના પરિવાર સાથે હિંસા કરવામાં આવી હતી.
BBCના અહેવાલ મુજબ ગોલુ અહિરવારે કહ્યું હતું કે, ‘આમ પણ આ ગામમાં અમારી સામે ભેદભાવનો થાય છે. જોકે, તે દિવસે હદ પાર થઈ ગઈ. કારણ કે હું દલિત હોવા છતાં ઘોડા પર ચઢ્યો એટલે ગામના ઉચ્ચ જાતિના રહેવાસીઓને આ વાત સારી ન લાગી અને અમારી સાથે મારમારી કરી. તેઓ કહી રહ્યા હતા, 'તમારી જાતિના લોકો ઘોડા પર નહીં બેસી શકે.’ પોલીસના જણાવ્યા અનુસાર, ચાર આરોપીઓમાંથી ત્રણ એક જ પરિવારના છે, જ્યારે ચોથો અન્ય ગ્રામીણ છે. ચારેય લોધી સમુદાયના છે.
https://twitter.com/Anurag_Dwary/status/2046795871816486936
મારામારી કરવાનો આરોપ લોધી જાતિના સભ્યો પર લગાવવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશમાં લોધી સમુદાય અન્ય પછાત વર્ગો (OBC) શ્રેણીમાં આવે છે; રાજ્યમાં OBC વસ્તી 50 ટકાથી વધુ હોવાથી, આ સમુદાય ઘણા પ્રદેશોમાં પ્રભાવ ધરાવે છે. અત્યાર સુધીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, અને પોલીસે જણાવ્યું હતું કે બાકીના વ્યક્તિઓને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે.
આરોપીઓના પરિવારજનોએ આ આરોપોને નકારી કાઢ્યા છે, અને દાવો કર્યો છે કે લાંબા સમયથી ચાલતા જમીન વિવાદને કારણે તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે.
આ ઘટના બાદ પોલીસે ગોલુના કાકા ગરીબા આહિરવાર દ્વારા નોંધાવાયેલી ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી. FIR મુજબ, ‘ગરીબાએ જણાવ્યું હતું કે ગામના કેટલાક પ્રભાવશાળી વ્યક્તિઓએ તેમના ભત્રીજા ગોલુ પર ફક્ત એટલા માટે હુમલો કર્યો હતો કારણ કે તે દલિત હોવા છતા ઘોડા પર બેઠો.’ FIRમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ‘મોટરસાયકલ પર આવેલા વ્યક્તિઓના એક જૂથે ઘોડા પર બેઠેલા ગોલુ અને તેની પાછળ ચાલી રહેલા લોકો સાથે હિંસા કરી હતી.
આરોપીઓએ ગોલુ અને તેના પરિવારના સભ્યો સામે જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કરતા, તેના ઘોડા પર બેસવાને લઈને આપત્તિ દર્શાવવામાં આવી અને મારમારી કરી.
23 વર્ષીય ગોલુ આહિરવાર જન્મથી જ વિકલાંગ છે. તે જણાવે છે કે, પોતાના સિવાય, તેના ઘરમાં તેની માતા-પિતા, એક ભાઈ અને એક બહેન છે. મંગળવાર, 21 એપ્રિલના રોજ, ગોલુ 'રછવાઈ' વિધિનું પાલન કરી રહ્યો હતો, જે લગ્ન પહેલાની એક વિધિ હતી. રછવાઈ બુંદેલખંડ પ્રદેશમાં પ્રચલિત પરંપરા છે, જેમાં વરરાજા લગ્ન પહેલા આખા ગામમાં ઘોડા પર નીકળે છે; તેને લગ્ન પહેલાની વિધિ માનવામાં આવે છે.
ગોલુ આહિરવારે જણાવ્યું હતું, ‘હું ખૂબ જ ખુશ હતો. મારો આખો પરિવાર ખુશ હતો. અમારા ઘરમાં ઘણા લાંબા સમય પછી લગ્ન થઈ રહ્યા હતા. જોકે, તે વ્યક્તિઓને લાગ્યું કે મારી ઘોડા પર સવારી 'અયોગ્ય' છે. તેઓએ મને ઘોડી પરથી નીચે ખેંચી લીધો અને લાકડીઓથી માર માર્યો. મંગળવારે બનેલી આ ઘટનાનો એક વીડિયો બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો.
ગોલુની માતા વિદ્યા અહિરવાર કહે છે કે, ‘મારો દીકરો વિકલાંગ છે, છતા તેમણે તેના પર કોઈ દયા દાખવી નહીં. તેને ધસડીને માર્યો. જ્યારે મારી દીકરી તેને બચાવવા આગળ આવી ત્યારે તેને પણ માર મારવામાં આવ્યો.’
વરરાજાની બહેન, મનીષા અહિરવાર કહે છે કે, ‘પહેલા, તેઓએ રસ્તાની સામે મોટરસાયકલ પાર્ક કરીને અમારો રસ્તો રોક્યો. જ્યારે અમે તેમને હટાવવા કહ્યું, ત્યારે તેઓએ હુમલો કર્યો. તેઓએ મારા ભાઈને ઘોડી પરથી નીચે ઉતાર્યો અને અમને માર માર્યો. ચાર લોકો હતા. તેણે કહ્યું કે દલિત વ્યક્તિ ઘોડા પર ચઢીને આ ગામમાં નહીં ફરે. આવી જાન અમારા જેવા લોકો માટે નથી.’
પરિવારનો દાવો છે કે આ હુમલો અચાનક નહોતો, પરંતુ જાતિ આધારિત પૂર્વગ્રહમાં સાથે જોડાયેલી ઘટના છે. ઘટના બાદ, પરિવાર અને જાનમાં સામેલ હટા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી.
ગામમાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે, અને હાલમાં આરોપીઓની શોધ ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે લગ્નની બાકીની વિધિઓ પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ગોલુએ કહ્યું કે, ‘જો પોલીસ તે દિવસે સમયસર ન પહોંચી હોત, તો ન જાણે શું શું થયું હોત. મારા લગ્ન સમારોહ પોલીસ સુરક્ષા હેઠળ થયા હતા, અને અમારા ઘરની બહાર પોલીસ દળ તૈનાત છે. દામોહના પોલીસ અધિક્ષક શ્રુતકીર્તિ સોમવંશીએ જણાવ્યું હતું, ‘અમે આ મામલે SC/ST એક્ટ અને અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અમે કલેક્ટરને પત્ર લખીને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ આરોપીઓ સામે કાર્યવાહી કરવાની વિનંતી પણ કરી છે."
આ દરમિયાન બચાવ પક્ષે આ બધા આરોપોને ખોટા ગણાવ્યા છે. FIRમાં નામ આપવામાં આવેલા આરોપીઓમાંથી એક વિશ્વનાથ સિંહ લોધીના ભત્રીજા હેમરાજે જણાવ્યું કે, ‘મારા કાકા લોકો સામે ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. હરિજન સમુદાયના લોકો સાથે અમારો લાંબા સમયથી જમીનનો વિવાદ છે. આ વખતે હરિજન મોટી સંખ્યામાં હાજર હતા, અને તે પરિસ્થિતિનો લાભ લઈને, તેઓએ મારા કાકા લોકોને ખોટી રીતે ફસાવી દીધા છે.
વરરાજાને ઘોડા પર ન ચઢવા દેવા અને જાતિ આધારિત ભેદભાવના આરોપોના જવાબમાં હેમરાજે કહ્યું કે, ‘આ બધું ખોટું છે. અમને ફસાવવામાં આવી રહ્યા છે.’
આ ઘટના વિશે પૂછવામાં આવતા હટા પોલીસ સ્ટેશનના સ્ટેશન ઇન્ચાર્જ સુધીર બૈગીએ જણાવ્યું હતું, ‘આ સ્પષ્ટપણે જાતિ આધારિત ભેદભાવ અને હિંસાનો મામલો છે. વરરાજા તેના લગ્ન પહેલાની વિધિઓ કરી રહ્યો હતો. ગામના કેટલાક ઉચ્ચ જાતિના લોકોએ આ અંગે નારાજગી વ્યક્ત કરીને વરરાજા અને તેના પરિવારના સભ્યો સાથે મારામારી કરી છે. અમારી ટીમો હાલમાં આરોપીઓને પકડવાના પ્રયાસો કરી રહી છે; તેમની ખૂબ જ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.’
જોકે, ગોલુ અને તેનો પરિવાર ભયભીત છે. ફોન રાખતા ગોલુએ કહ્યું કે, ગામની એ ગલીમાં જ્યાં એ દિવસે બેન્ડ વાગી રહ્યા હતા, ત્યાં મારમારી થઈ. અમને બધાની સામે જાતિવાદી ગાળો આપવામાં આવી. અમને હજુ પણ ધમકીઓ મળી રહી છે કે તેઓ પોલીસને આ બાબતની જાણ કરવા બદલ અમારી સામે બદલો લેશે.’
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના તાજેતરના અહેવાલમાં વર્ષ 2023 સુધી થયેલા ગુનાઓનો સમાવેશ થાય છે. આ અહેવાલ મુજબ, મધ્ય પ્રદેશ 2021, 2022 અને 2023 દરમિયાન અનુસૂચિત જાતિઓ વિરુદ્ધ થયેલા ગુનાઓમાં દેશભરમાં ત્રીજા ક્રમે રહ્યું છે. તેનાથી ઉપર ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન છે.
બુંદેલખંડ પટ્ટામાં આવતા દમોહમાં આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલીવાર નથી કે દલિત વરરાજાઓને તેમના પરંપરાગત રિવાજોનું પાલન કરવા બદલ નિશાન બનાવવામાં આવ્યા હોય.
2025માં, મધ્ય પ્રદેશના બુંદેલખંડ ક્ષેત્રના ટીકમગઢ જિલ્લાના મોખરા ગામમાં, જિતેન્દ્ર અહિરવાર નામના દલિત વરરાજાને ઘોડી પર સવારી કરવા બદલ તેના લગ્ન વિધિ દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પહેલા, ડિસેમ્બર 2024માં દમોહ જિલ્લામાં ચોરાઈ ગામમાંપણ એક દલિત વરરાજાને ઘોડા ગાડીમાં બેસાડીને સરઘસમાં લઈ જવાને લઈને વિવાદ થયો હતો. આ ઝઘડા બાદ, સ્થાનિક દબંગ લોકોએ ગાડીમાં તોડફોડ કરી, વરરાજા પર હુમલો કર્યો અને ઘોડાના માલિક પર પણ શારીરિક હુમલો કર્યો.
આજે પણ, બુંદેલખંડના ઘણા ગ્રામીણ વિસ્તારોમાં દલિત વરરાજાઓ દ્વારા ઘોડા પર ચઢવાને લઈને વિવાદ સામે આવી રહ્યા છે. ભૂતકાળમાં પણ સ્થાનિક સ્તરે આવા કિસ્સાઓ નોંધાયા છે, જેમાં વરરાજાને બળજબરીથી ઘોડા પરથી નીચે ઉતારવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.

