- National
- વહુ પગારમાંથી દર મહિને 20 હજાર રૂપિયા આપશે, જાણો હાઈ કોર્ટે કેમ આવો નિર્ણય આપ્યો
વહુ પગારમાંથી દર મહિને 20 હજાર રૂપિયા આપશે, જાણો હાઈ કોર્ટે કેમ આવો નિર્ણય આપ્યો
રાજસ્થાન હાઈકોર્ટે અનુકંપા નિમણૂક અંગે એક મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. ન્યાયાધીશ ફરઝંદ અલીની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, અનુકંપા નિમણૂક દિવંગ કર્મચારીના આશ્રિત પરિવારના હિતમાં આપવામાં આવે છે, કોઈ એક વ્યક્તિના વ્યક્તિગત લાભ માટે નહીં. આ કેસ અજમેર વિદ્યુત વિતરણ નિગમ લિમિટેડનો છે. અરજદાર, ભગવાન સિંહના પુત્ર રાજેશ કુમારનું સરકારી સેવા દરમિયાન નિધન થઇ ગયું હતું. નિગમે ભગવાન સિંહને અનુકંપા નિમણૂકનો પ્રસ્તાવ આપ્યો હતો, પરંતુ તેમણે ઉદારતા દાખવતાં તેમની પુત્રવધૂ શશિ કુમારીને આ નોકરી માટે ભલામણ કરી હતી.

નિમણૂકના સમયે પુત્રવધૂ શશિ કુમારીએ એક સોગંદનામું આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે તે પોતાના સાસુ-સસરા સાથે રહેશે અને તેમની સંભાળ રાખશે. જો કે, થોડા સમય બાદ તેણે સાસરિયાઓનું ઘર છોડી દીધું અને તેના પિયરે રહેવા લાગી અને સસરાના ભરણ-પોષણની જવાબદારીઓ ન નિભાવી. ત્યારબાદ ભગવાન સિંહે કોર્ટનો દરવાજો ખખડાવ્યો.
હાઈકોર્ટે કહ્યું કે, અનુકંપા નિમણૂકનો મૂળભૂત હેતુ પરિવારને આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે. જો લાભ મેળવનાર વ્યક્તિ પોતાની જવાબદારીઓથી છટકી જાય, તો તે નીતિની ભાવના વિરુદ્ધ છે. કોર્ટે આદેશ આપ્યો હતો કે પુત્રવધૂના પગારમાંથી દર મહિને 20,000 રૂપિયા ભગવાન સિંહના ખાતામાં જમા કરવામાં આવે અને આ રકમ તેને જીવનભર ચૂકવવામાં આવે.

આ મામલો સામે આવ્યા બાદ ન્યાયાધીશ ફરઝંદ અલીએ તેમના આદેશમાં સ્પષ્ટતા કરી હતી કે શશિ કુમારીને તેમની વ્યક્તિગત યોગ્યતા, ક્ષમતા અથવા લાયકાતના આધારે નિમણૂક મળી નથી. કોઈ જાહેરાત બહાર પાડવામાં આવી નહોતી કે કોઈ સ્પર્ધાત્મક પસંદગી કરવામાં આવી નહોતી. તેમણે ન તો લેખિત પરીક્ષા આપી હતી કે ન તો ઇન્ટરવ્યૂ. આ નોકરી રાજ્ય સરકાર તરફથી દયા બતાવતા કરવામાં આવેલું કાર્ય હતું, જે દિવંગત કર્મચારીઓના આશ્રિતોને સહાય કરવા માટે કરવામાં આવ્યું છે. આ નિર્ણય એવા કિસ્સાઓ માટે એક ઉદાહરણ માનવામાં આવી રહ્યો છે જ્યાં અનુકંપા નિમણૂકના દુરુપયોગની ફરિયાદો સામે આવે છે.

