- National
- UPમાં પૂરથી લોકોની હાલત ખરાબ, મંત્રી આવીને કહે- ગંગા મૈયા તો પગ ધોવા આવે છે અને માણસ સીધો સ્વર્ગ જાય...
UPમાં પૂરથી લોકોની હાલત ખરાબ, મંત્રી આવીને કહે- ગંગા મૈયા તો પગ ધોવા આવે છે અને માણસ સીધો સ્વર્ગ જાય છે
કાનપુર દેહાત વિસ્તારમાં પૂર પીડિતોને મળવા પહોંચેલા મંત્રી સંજય નિષાદની વાહિયાત સલાહનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મંત્રી પૂર પીડિતોને કહેતા જોવા મળી રહ્યા છે કે, ‘ગંગા મૈયા તો ગંગા પુત્રના પગ ધોવા આવે છે અને માણસ સીધો સ્વર્ગ જાય છે.’ જોકે, આ દરમિયાન મંત્રીએ પ્રશાસન સાથે મળીને પૂર પીડિતોને રાહત સામગ્રીનું વિતરણ પણ કર્યું. તેમણે નાવથી પ્રભાવિત વિસ્તારની મુલાકાત પણ લીધી હતી.
નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ગંગા, યમુના વગેરે નદીઓ બેઉ કાંઠે વહી રહી છે. નદીમાં પૂરને કારણે સેકડો ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તેમના પાક નષ્ટ થઈ ગયા છે. ઘરો અને બજારો જળમગ્ન થઈ ગયા છે. આ દરમિયાન રાજ્યના કેબિનેટ મંત્રી સંજય નિષાદ પૂર પીડિતોને મળવા કાનપુર ગ્રામ્ય વિસ્તારના ભોગનીપુર તાલુકા વિસ્તારમાં પહોંચ્યા હતા.
https://twitter.com/RamDixi72228341/status/1952442471281041878
અહીં એક ગામના લોકોએ જ્યારે તેમને કહ્યું કે અમારા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે, ઘર તૂટી ગયું છે, હવે અમે ક્યાં રહીએ, ક્યાં જઈએ. ત્યારે સંજય નિષાદ કહે છે કે, અરે ભાઈ, ગંગા મૈયા ગંગા પુત્રના પગ ધોવા આવે છે, તેને જોઈને જ ગંગા પુત્ર સીધો સ્વર્ગમાં જાય છે. વિરોધી લોકો તમને ઉલટું શીખવે છે. મંત્રીના આ નિવેદનથી પૂર પીડિતો હેરાન રહી ગયા. સાથે જ, લોકોએ ધીમા અવાજે કહ્યું કે, મંત્રીને ખબર હોવી જોઈએ કે ભોગનીપુર વિસ્તારમાં ગંગા નહીં, યમુના નદી વહે છે.
રિપોર્ટ મુજબ, આ દરમિયાન એક નેતાએ એક વૃદ્ધ મહિલાને કહ્યું કે, તે સૌભાગ્યની વાત છે કે યમુના મૈયા તમને દર્શન આપવા આવે છે. તેના પર મહિલાએ જવાબ આપ્યો તો પછી તમે પણ અહીં રહી જાવ અને રોજ દર્શન કરો! તમને જણાવી દઈએ કે, ભારે વરસાદ અને નદીઓમાં પાણી વધવાને કારણે ભોગનીપુરના ઘણા ગામો જળમગ્ન થઈ ગયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. પૂરના પાણીમાં ડઝનબંધ પશુઓ તણાઈ ગયા, સેકડો ખેડૂતોના ખેતરો તબાહ થઈ ગયા છે. હાલમાં, આ પરિસ્થિતિઓમાં, ઉત્તર પ્રદેશ સરકારે ‘ટીમ 11’ બનાવી છે અને અધિકારીઓને રાહત કાર્યની જવાબદારી સોંપી છે. ધારાસભ્યો-મંત્રીઓને પણ ગ્રાઉન્ડ પર ઉતરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના રિપોર્ટ મુજબ, પૂરથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં કાનપુર નગર, લખીમપુર ખીરી, આગ્રા, ઔરૈયા, ચિત્રકૂટ, બલિયા, બાંદા, ગાઝીપુર, મિર્ઝાપુર, પ્રયાગરાજ, વારાણસી, ચંદૌલી, જાલૌન, કાનપુર દેહાત, હમીરપુર, ઇટાવા અને ફતેહપુરનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓના 37 તાલુકાઓમાં 402 ગામો પૂરથી પ્રભાવિત છે. રાહત કમિશનર ભાનુ ચંદ્ર ગોસ્વામીના જણાવ્યા અનુસાર, કુલ 84,392 લોકો પૂરથી પ્રભાવિત થયા છે. તેમાંથી અત્યાર સુધીમાં 47,906 પીડિતોને રાહત સહાય પૂરી પાડવામાં આવી છે.
સરકારી આંકડાઓ અનુસાર, અત્યાર સુધી 493 બોટ અને મોટરબોટની મદદથી રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. અને પૂરને કારણે 343 ઘરોને નુકસાન થયું છે. જેમાંથી 327 મામલાઓમાં પીડિતોને સહાયતા આપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે 905 પૂર રાહત શિબિરો બનાવ્યા છે, જેમાં હાલમાં 11,248 લોકો અસ્થાયી રૂપે રહે છે.

