- National
- જીવિત પિતાને મૃ*ત બતાવીને પુત્રએ વેંચી દીધી લાખોની જમીન, 90 વર્ષીય પિતાએ DM પાસે માગ્યો ન્યાય
જીવિત પિતાને મૃ*ત બતાવીને પુત્રએ વેંચી દીધી લાખોની જમીન, 90 વર્ષીય પિતાએ DM પાસે માગ્યો ન્યાય
બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક પુત્રએ પોતાના જીવિત પિતાને મૃત જાહેર કરીને તેમના નામની બેઝકિંમતી જમીન બીજા કોઈના નામે કરી દીધી. પીડિત 90 વર્ષીય રાજ નારાયણ ઠાકુર હવે પ્રશાસનના ચક્કર લગાવી રહ્યા છે અને પોતાના જ પુત્ર સામે ન્યાય માટે અરજી કરી રહ્યા છે.
આખો મામલો કાંટી પોલીસ સ્ટેશન વિસ્તારના વીરપુર ગામનો છે. અહીં રહેતા રાજ નારાયણ ઠાકુરનો આરોપ છે કે 29 જુલાઈના રોજ તેના નાના પુત્ર દિલીપ ઠાકુરે ગામની લગભગ 10 દશાંશ જમીનને સુમન સૌરવ નામના વ્યક્તિના નામે મોતીપુર રજિસ્ટ્રી ઓફિસમાં નોંધાવી દીધી હતી. આ જમીનની કિંમત લાખો રૂપિયા બતાવવામાં આવી રહી છે. ચોંકાવનારી વાત એ છે કે, રાજ નારાયણ ઠાકુરને રજિસ્ટ્રી દસ્તાવેજોમાં મૃત જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે તે જીવિત છે.
જ્યારે રાજ નારાયણ ઠાકુરને આ છેતરપિંડીની જાણ થઈ, ત્યારે તેમણે તાત્કાલિક રજિસ્ટ્રી સંબંધિત કાગળો મગાવ્યા. દસ્તાવેજો જોઈને તેમના હોશ ઊડી ગયા. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, તેમણે ન તો કોઈ કાગળ પર સહી કરી છે અને ન તો પોતાની સહમતિ આપી છે. આ તેમની સાથે કરવામાં આવેલ એક ગંભીર છેતરપિંડી અને વિશ્વાસઘાત છે. તો, વૃદ્ધ ઠાકુરે ભાવુક થતા કહ્યું કે, હવે કોઈ પૂછતું પણ નથી, ખાવાનું પણ આપતું નથી કે ન તો કપડાં આપે છે. દીકરો પોતે છેતરપિંડી કરી રહ્યો છે.
વૃદ્ધે સમગ્ર પ્રકરણની ફરિયાદ જિલ્લા મેજિસ્ટ્રેટ સુબ્રત સેનને કરી અને તેમની સમક્ષ કેસ સંબંધિત તમામ દસ્તાવેજો રજૂ કર્યા. DMએ મામલાની ગંભીરતા જોતા સંબંધિત સર્કલ ઓફિસર (CO) અને સ્ટેશન ઇન્ચાર્જ (SHO)ને તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ બધા ભાઈઓની પરસ્પર સહમતિથી જમીન વહેંચવાનું સૂચન કરવામાં આવ્યું છે.
DMએ કહ્યું કે, જો પરસ્પર સહમતિ ન બને, તો સિવિલ કોર્ટમાં વિભાજનનો દાવો દાખલ કરવો પડશે, ત્યારબાદ જ રજિસ્ટ્રી રદ કરવાની કાયદાકીય પ્રક્રિયા આગળ વધી શકશે. હાલમાં પ્રશાસનિક સ્તરે પ્રયાસો ચાલી રહ્યા છે જેથી સ્થાનિક સ્તરે વિવાદનો ઉકેલ લાવી શકાય.

