- National
- શું TMC પોતાનું અસ્તિત્વ બચાવી શકશે? મમતા બેનર્જીનો પક્ષ 28 વર્ષના સૌથી ગંભીર સંકટમાં
શું TMC પોતાનું અસ્તિત્વ બચાવી શકશે? મમતા બેનર્જીનો પક્ષ 28 વર્ષના સૌથી ગંભીર સંકટમાં
પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવ્યાના એક મહિના બાદ અને માત્ર થોડા દિવસો પહેલાં જ 58 બળવાખોર ધારાસભ્યોએ વિધાનસભ્ય પક્ષ (Legislature Party) પર નિયંત્રણ મેળવી લીધા પછી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) આજે એક એવા સવાલનો સામનો કરી રહી છે જે એક મહિના પહેલાં અકલ્પનીય લાગતો હતો: શું મમતા બેનર્જીની આસપાસ ઊભો થયેલો પક્ષ ત્યારે પણ ટકી શકશે જ્યારે તેના પર તેમનો એકહથ્થુ અધિકાર કે વર્ચસ્વ નહીં રહે?
છેલ્લાં લગભગ ત્રણ દાયકાથી, TMCની આંતરિક વ્યવસ્થા એક નિર્વિવાદ સત્ય પર ટકેલી હતી: મમતા બેનર્જી જ પક્ષ હતા અને પક્ષ જ મમતા બેનર્જી હતા. પક્ષના ઈતિહાસમાં પહેલીવાર આ સમીકરણને ખુલ્લો પડકાર મળ્યો છે.
જે સંકટની શરૂઆત વિધાનસભાની અંદર એક નાના બળવા તરીકે થઈ હતી, તે હવે ધારાસભ્યો પર કબજો મેળવવાની લડાઈ, સંસદમાં તેની સંભવિત અસરો, ઉત્તરાધિકારનો વિવાદ, પક્ષના સત્તાવાર ચૂંટણી પ્રતીક ‘જોડા ઘાસ ફૂલ’ (ઘાસ અને ફૂલ) પરના નિયંત્રણ અને કદાચ ભારતના સૌથી મજબૂત પ્રાદેશિક પક્ષોમાંના એકના ભવિષ્યની લડાઈમાં ફેરવાઈ ગઈ છે. વર્ષ 1998માં કોંગ્રેસમાંથી અલગ થઈને પક્ષની સ્થાપના કર્યા પછી, મમતા બેનર્જી તેમના જીવનના સૌથી મોટા પડકારનો સામનો કરી રહ્યા છે – તેમના જ ચૂંટાયેલા પ્રતિનિધિઓનો એક મોટો જૂથ આ નેતાને તેમણે જ બનાવેલા રાજકીય માળખાથી અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
ભત્રીજા અભિષેક સામે બળવો અને સંસદમાં ભંગાણનો ડર
TMC માટે આ કટોકટી હવે માત્ર સત્તા ગુમાવવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ વફાદારી પરના નેતૃત્વના એકાધિકારને ગુમાવવા અંગેની છે. બળવાખોર ધારાસભ્યો હજુ પણ મમતા બેનર્જીના નેતૃત્વનો સ્વીકાર કરે છે, પરંતુ તેમના ભત્રીજા અને રાજકીય ઉત્તરાધિકારી માનવામાં આવતા અભિષેક બેનર્જીની સત્તાનો સ્પષ્ટ ઈનકાર કરી રહ્યા છે.
જોકે તાત્કાલિક લડાઈ વિધાનસભા અને સંગઠનની અંદર લડાઈ રહી છે, પરંતુ પડદા પાછળ TMCના ઘણા નેતાઓ ખાનગીમાં સ્વીકારે છે કે તેમની સૌથી મોટી ચિંતા આ વિવાદને સંસદ (લોકસભા અને રાજ્યસભા) સુધી પહોંચતો અટકાવવાની છે. ચિંતા એ વાતની નથી કે સાંસદોમાં કોઈ સત્તાવાર બળવો થયો છે, પરંતુ ડર એ છે કે જો વિધાનસભામાં આ બળવો સફળ રહ્યો, તો તે અન્ય જગ્યાએ પણ આવા જ પ્રયાસોને પ્રોત્સાહન આપી શકે છે.
TMCના વરિષ્ઠ સાંસદ સૌગત રોયે આ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે ‘ભાજપ પશ્ચિમ બંગાળ વિધાનસભાની જેમ જ TMCના લોકસભા અને રાજ્યસભાના જૂથોમાં પણ આવું જ કોઈ ઓપરેશન કરવાનો પ્રયાસ કરી શકે છે. પરંતુ મમતા બેનર્જી આનાથી પણ મોટી લડાઈઓ લડી ચૂક્યા છે અને તેઓ જોરદાર પુનરાગમન કરશે.’

સાંસદોમાં કોઈ સંગઠિત બળવાના સંકેત હજી ભલે ન હોય, પરંતુ સૌગત રોયનું આ નિવેદન પક્ષની અંદર વ્યાપેલી એ ચિંતાને ઉજાગર કરે છે કે આ કટોકટી માત્ર વિધાનસભાના વિભાજન સાથે સમાપ્ત થવાની નથી. અન્ય એક વરિષ્ઠ સાંસદે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, ‘ભાજપ પાસે બંગાળમાં ઓલરેડી સરકાર છે જ. સંસદ જ એક એવું સ્થળ છે જ્યાં તેમની પાસે પૂરતું સંખ્યાબળ નથી.’ લોકસભામાં 28 અને રાજ્યસભામાં 13 સભ્યો સાથે TMC સંસદમાં વિપક્ષના સૌથી મોટા પક્ષોમાંનો એક છે. જો અહીં કોઈ મોટું ભંગાણ પડે, તો તેનાથી માત્ર મમતા બેનર્જીનું રાષ્ટ્રીય કદ જ નહીં, પરંતુ સમગ્ર વિપક્ષી ગઠબંધનની સામૂહિક શક્તિ પણ નબળી પડી જશે. તેથી, પક્ષ માટે સંગઠનનું પુનઃનિર્માણ કરવા જેટલું જ મહત્વનું આ બળવાને ડામવાનું છે.
મહારાષ્ટ્ર જેવી સ્થિતિ અને ચૂંટણી પ્રતીક ગુમાવવાનું જોખમ
બંગાળના આ ઘટનાક્રમની સરખામણી અનિવાર્યપણે મહારાષ્ટ્રના રાજકારણ સાથે થઈ રહી છે. એકનાથ શિંદે દ્વારા શિવસેનામાં કરાયેલું ભંગાણ અને અજિત પવારના નેતૃત્વમાં NCPમાં થયેલા બળવાની જેમ જ, બંગાળનો આ બળવો પણ સંગઠનાત્મક નિયંત્રણને બદલે માત્ર વિધાનસભ્યોની સંખ્યાબળ (Legislative Arithmetic) પર આધારિત છે.
જોકે, અહીં એક મોટો તફાવત છે. શિવસેનાના ભંગાણ વખતે બાળ ઠાકરે હયાત નહોતા, જ્યારે મમતા બેનર્જી આજે પણ રાજકીય રીતે અત્યંત સક્રિય છે અને બંગાળના મતદારોના મોટા વર્ગ સાથે તેમનો ભાવનાત્મક સંબંધ અકબંધ છે. પરંતુ મહારાષ્ટ્રની ઘટના એક ચેતવણી પણ આપે છે. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર બંને શરૂઆતમાં માનતા હતા કે જનતાની નજરમાં રાજકીય માન્યતા એ ધારાસભ્યોની સંખ્યા કરતાં વધુ મહત્વની સાબિત થશે. પરંતુ અંતે, બંને નેતાઓએ માત્ર ધારાસભ્યો જ નહીં, પરંતુ પોતાના પક્ષના અસ્તિત્વ અને નામ માટે કાનૂની લડાઈ લડવી પડી હતી.
આ જ જોખમ હવે TMC પર મંડરાઈ રહ્યું છે. બળવાખોરોએ ઓલરેડી દાવો કરવાનું શરૂ કરી દીધું છે કે તેઓ જ ‘અસલી TMC’ છે. જો આ હરીફ જૂથ ચૂંટણી પંચ (EC) પાસે જશે, તો લડાઈ વિધાનસભાના ગૃહમાંથી નીકળીને કાયદાકીય કોરિડોરમાં પહોંચી જશે. વિધાનસભ્યોની સંખ્યા, સંગઠનનું સમર્થન અને પક્ષના બંધારણની જોગવાઈઓના આધારે ચૂંટણી પંચ 'ઘાસ-ફૂલ'નું પ્રતીક કોઈ એક જૂથને આપી શકે છે, તેને ફ્રીઝ (જપ્ત) કરી શકે છે અથવા બંને જૂથોને નવા પ્રતીકો સાથે ચૂંટણી લડવા માટે નિર્દેશ આપી શકે છે. આ ચૂંટણી પ્રતીક માત્ર એક ચિહ્ન નથી, પરંતુ તે બંગાળમાં ડાબેરી મોરચાના 34 વર્ષના શાસનને ઉખાડી ફેંકનારા આંદોલનની દ્રશ્યમાન ઓળખ છે. લાખો મતદારો માટે આ પ્રતીક અને મમતા બેનર્જી એકબીજાના પર્યાય છે.


પક્ષાંતરનો ઘા અને કોંગ્રેસ સાથે હાથ મિલાવવાની મજબૂરી
આધુનિક ભારતના રાજકારણમાં અન્ય પક્ષોમાંથી આવતા નેતાઓ (Political Migration) નો સૌથી વધુ ફાયદો જો કોઈને મળ્યો હોય તો તે TMC છે. સત્તાના વર્ષો દરમિયાન કોંગ્રેસ, ડાબેરીઓ અને ભાજપના ધારાસભ્યો મોટી સંખ્યામાં તૂટીને TMCમાં જોડાયા હતા, જેનાથી પક્ષનો વિસ્તાર થયો અને વિપક્ષો નબળા પડ્યા. હવે CPI(M) અને કોંગ્રેસ કહી રહ્યા છે કે જે પક્ષે પક્ષાંતર અને ભંગાણની રાજનીતિને ‘સંપૂર્ણ અને પદ્ધતિસરની’ બનાવી હતી, તે આજે પોતાના જ એ હથિયારનો ભોગ બની રહ્યો છે.
આ અભૂતપૂર્વ કટોકટી હવે એક એવી શક્યતાને પણ જીવંત કરી રહી છે જે થોડા સમય પહેલાં સુધી હાસ્યાસ્પદ લાગતી હતી – કોંગ્રેસ સાથે વ્યૂહાત્મક સમાધાન (Rapprochement). મમતા બેનર્જીએ પોતાની આખી રાજકીય કારકિર્દી કોંગ્રેસ સામે બળવો કરીને બનાવી હતી અને બાદમાં રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસના સ્થાને મુખ્ય વિપક્ષ બનવાની આકાંક્ષા રાખી હતી. પરંતુ હવે જ્યારે TMC ચારેય તરફથી ઘેરાયેલી છે અને ભાજપ મજબૂત સ્થિતિમાં છે, ત્યારે કેટલાક વિશ્લેષકો માને છે કે અસ્તિત્વ ટકાવી રાખવા માટે હવે એ જ પક્ષ સાથે ગાઢ સમજૂતી કરવી પડી શકે છે જેને તેઓ 28 વર્ષ પહેલાં છોડીને આવ્યા હતા.
રાજકીય વિશ્લેષક વિશ્વનાથ ચક્રવર્તીના મતે ‘જો ભવિષ્યનો હેતુ પક્ષની સંગઠનાત્મક શુદ્ધતા જાળવવાને બદલે ભાજપ વિરોધી રાજકીય સ્પેસને બચાવવાનો બની જશે, તો કોંગ્રેસ અને TMC વચ્ચેના વધુ નજીકના જોડાણને નકારી શકાય તેમ નથી.’
મમતા બેનર્જીના ઈતિહાસ પર ભરોસો, પણ આ વખતે લડાઈ અલગ છે
બીજી તરફ, TMCના વરિષ્ઠ સાંસદ સુદીપ બંદોપાધ્યાય હજી પણ બળવાખોરોને ગણતરીમાં લેતા નથી. તેમણે કહ્યું, ‘જે લોકો મમતા બેનર્જીનો સાથ છોડી રહ્યા છે, તેમનું મમતા વિના કોઈ રાજકીય અસ્તિત્વ કે સ્થાન જ નથી. તેઓ આજે જે કંઈ પણ છે, તે માત્ર મમતા બેનર્જીના કારણે છે.’
TMCનું સત્તાવાર નેતૃત્વ અત્યારે આ જ દલીલ પર આધાર રાખી રહ્યું છે. આ કંઈ પહેલીવાર નથી જ્યારે મમતા બેનર્જીની રાજકીય કારકિર્દીનો અંત માની લેવામાં આવ્યો હોય. વર્ષ 2004માં TMC લોકસભામાં માત્ર એક જ સીટ પર આવી ગઈ હતી, પરંતુ ત્યારબાદ સિંગુર અને નંદીગ્રામ આંદોલન દ્વારા તેમણે અસાધારણ પુનરાગમન કર્યું અને 2011માં સત્તા કબજે કરી હતી.

પરંતુ રાજકીય વિશ્લેષકો ચેતવણી આપે છે કે આ વખતની કટોકટી મૂળભૂત રીતે અલગ છે. એ સમયે તેઓ વિપક્ષમાં બેસીને લડી રહ્યા હતા. આજે, તેઓ 15 વર્ષ સત્તામાં રહ્યા પછી, સંગઠનાત્મક થાક, આંતરિક ઉત્તરાધિકારના વિવાદો અને પોતાની રાજકીય અજેયતા ગુમાવ્યા પછી પક્ષને બેઠો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજ્યસભાના સાંસદ સુખેન્દુ શેખર રોયે પણ આ અંગે આકરી ચેતવણી આપતા કહ્યું છે કે જો પરિસ્થિતિ નહીં સુધરે તો પક્ષ ‘વિખેરાઈ શકે છે અને તેનું અસ્તિત્વ સમાપ્ત થઈ શકે છે.’
પોતાના સ્થાપકથી ક્યારેય અલગ ન થઈ શકે તેવા દેખાતા પક્ષ માટે આ જ અત્યારનો સૌથી મોટો સવાલ છે. આગામી લડાઈ હવે માત્ર આગામી ચૂંટણીઓ જીતવા પૂરતી નથી, પરંતુ 'ઘાસ-ફૂલ'ના પ્રતીકને બંગાળના રાજકીય ઈતિહાસનો માત્ર એક જૂનો હિસ્સો બનતા અટકાવવાની છે.

