- Kutchh
- હળવદના હિંદુ યુવાનોએ ગરીબ મુસ્લિમ પરિવારની દીકરીઓને કરિયાવર લઇ આપ્યો
હળવદના હિંદુ યુવાનોએ ગરીબ મુસ્લિમ પરિવારની દીકરીઓને કરિયાવર લઇ આપ્યો
ઘણા લોકો હિંદુ-મુસ્લિમના નામ પર રાજકારણ કરે છે. પરંતુ ભારતમાં તમામ ધર્મના લોકો એક થઈને રહે છે. તેમાં પણ જો ગુજરાતની વાત કરવામાં આવે તો અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા લોકો પણ અહીં જેમ સાકર દૂધમાં ભળી જાય તે રીતે ગુજરાતના લોકો સાથે હળીમળીને રહે છે. એટલે ગુજરાતમાં કોમી એકતાના પણ દર્શન થાય છે. ત્યારે આવી જ એક માનવતાની ઘટના હળવદમાં સામે આવી છે કે જ્યાં કોમી એકતાની અદભુત મિસાલ સામે આવી છે.
હળવદમાં રહેતા એક મુસ્લિમ પરિવારની બે દીકરીઓના લગ્ન હતા પરંતુ, આ મુસ્લિમ પરિવારની આર્થિક સ્થિતિ સારી નહતી. તેથી તેઓ દીકરીના લગ્નના ખર્ચને લઇને મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે આવી પરિસ્થિતિમાં આ મુસ્લિમ પરિવારની મદદે એક સેવાકીય ગ્રુપના યુવકો આવ્યા. આ યુવકોએ કોઈ જાતિ ધર્મનો ભેદભાવ કર્યા વગર જ મુસ્લિમ પરિવારની દીકરીઓના લગ્નનો કરિયાવર લઈ આપ્યો હતો. મદદ કરનાર ગ્રુપનું નામ ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ હોવાનું સામે આવ્યું છે.
હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા શનિવારના રોજ એક જરૂરિયાત મંદની દીકરીને કરિયાવર લઈ આપવામાં આવ્યો હતો. દરેક માતા-પિતાની એવી ઈચ્છા કે સપનું હોય છે કે, તેમના દીકરા કે દીકરીના લગ્ન ધામધૂમથી થાય. પણ કેટલીક વખત પરિસ્થિતિના કારણે માતા-પિતાની આ ઈચ્છા પૂરી થઇ શકતા નથી. તેવામાં આ મુસ્લિમ પરિવાર દીકરીઓના કરિયાવર માટે સક્ષમ ન હોવાની જાણ થતા, ફ્રેન્ડસ યુવા ગ્રુપના યુવકો દ્વારા આ પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને મુસ્લિમ પરિવાર પણ દીકરીઓના લગ્ન ધામધૂમથી કરી શકે એટલા માટે દીકરીઓનો કરિયાવર દાતાઓના સહયોગથી લઇ આપવાનું નક્કી કરવામાં આવ્યું અને શનિવારના રોજ કરિયાવર લઇ આપવામાં આવ્યો હતો. મુસ્લિમ પરિવારની દીકરીઓને કરિયાવર મળતા તેમના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે હિન્દુ-મુસ્લિમ એકતાના પણ કેટલીક જગ્યાએ દર્શન થયા હતા. ત્યારે સુરતમાં પણ હિન્દુ-મુસ્લિમ એકતાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક હિન્દુ પરિવારના સભ્યનું અવસાન થતાં પરિવારના લોકો પાસે તેમની અર્થી તૈયાર કરવા માટેના પૈસા નહોતા અને તેમની અર્થી ઉંચકવા માટે માણસો નહોતા. તેથી તેમની સોસાયટીમાં રહેતા મુસ્લિમ લોકોએ હિન્દુ વ્યક્તિની અર્થી માટે આસપાસના લોકો પાસેથી ફાળો ઉઘરાવ્યો હતો અને ત્યારબાદ અર્થીનો સામાન લાવીને અર્થી તૈયાર કરી હતી અને ત્યારબાદ મુસ્લિમ લોકોએ હિન્દુ વ્યક્તિના મૃતદેહને કાંધ આપીને સ્મશાન સુધી લઇ ગયા હતા.

