- Opinion
- આપ જેવું બાળક ઈચ્છો તેવું બાળક તમે પામશો
આપ જેવું બાળક ઈચ્છો તેવું બાળક તમે પામશો
(ઉત્કર્ષ પટેલ)
બાળકો એક નાનકડા બીજ સમાન હોય છે, જેમાં અનંત સંભાવનાઓ સમાયેલી હોય છે. તમે જેવું બાળક ઈચ્છો છો તેવું બાળક તમે પામી શકો છો પરંતુ તે માટે તમારે પોતે તેવું બનવું પડશે. બાળકો તમારું પ્રતિબિંબ હોય છે. તેઓ તમારી વાણી, વર્તન અને વિચારોથી આકાર લે છે. તેથી માતા-પિતા તરીકે તમારી ભૂમિકા અત્યંત મહત્વની છે કારણ કે તમે તેમના પ્રથમ ગુરુ છો.

જો તમે ઈચ્છો છો કે તમારું બાળક દયાળુ હોય તો તમે પહેલા દયાળુ બનો. તમારા દયાભાવથી તેમનું હૃદય ભરાઈ જશે. જો તમે ઈચ્છો છો કે તેઓ હોશિયાર હોય તો શાલીનતા અને ધીરજથી તેમને શીખવો. બાળકો શીખવાની ક્ષમતાથી ભરપૂર હોય છે તેમને યોગ્ય માર્ગદર્શન આપો તો તેઓ ઝડપથી ગ્રહણ કરશે. જો તમે ઈચ્છો છો કે તેઓ સંભાળ રાખનારા હોય તો તેમની સંભાળ લો તેમની નાની-નાની જરૂરિયાતો પર ધ્યાન આપો. આમ કરવાથી તેઓ પણ અન્યની સંભાળ રાખવાનું શીખશે.
બાળકોને સારા મિત્ર બનાવવા માટે તમે તેમના પ્રથમ મિત્ર બનો. તેમની સાથે વાત કરો, તેમની લાગણીઓ સમજો અને તેમને સુરક્ષિત અનુભવ કરાવો. તમારો દરેક શબ્દ, દરેક પ્રશંસા, દરેક પ્રેમભર્યું વર્તન તેમના મનમાં ઊંડે સુધી અંકિત થાય છે. તમે જે રીતે તેમનું વર્ણન કરો છો તે તેમનો આંતરિક અવાજ બને છે. તમે તેમને જે રીતે જોવો છો તે રીતે તેઓ પોતાને જોવા લાગે છે. તમે તેમની સાથે જે રીતે વર્તો છો તે રીતે તેઓ પોતાની સાથે વર્તવાનું શીખે છે.
-copy8.jpg)
આ બધું જ તેમના વ્યક્તિત્વનો આધાર બની જાય છે. તમે તેમનામાં જે ગુણો વાવો છો તે જ ગુણો તેમનામાં ઉગશે. એટલે દરેક પગલું કાળજીપૂર્વક ભરો. તમારું પ્રેમભર્યું માર્ગદર્શન, તમારી ધીરજ અને તમારો સાથ તેમને એવા માનવી બનાવશે જે દયાળુ, હોશિયાર અને સંભાળ રાખનારા હશે. બાળકોના પ્રથમ ગુરુ તરીકે તમે તેમના ભવિષ્યના નિર્માતા છો. તેથી પ્રેમ, ધીરજ અને સમજણથી તેમનું નિર્માણ કરો કારણ કે તમે વાવેલું બીજ એક દિવસ વિશાળ વૃક્ષ બનશે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે.)

