- Politics
- અમિત શાહે એક બાદ એક ગણાવ્યા 8 મુદ્દા, બોલ્યા- ‘આ કારણે હાર્યું વિપક્ષ’
અમિત શાહે એક બાદ એક ગણાવ્યા 8 મુદ્દા, બોલ્યા- ‘આ કારણે હાર્યું વિપક્ષ’
લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. કેન્દ્રિય ગૃહ મંત્રીએ ચૂંટણીમાં વિપક્ષી પાર્ટીઓની સતત હારના કારણો પણ ગણાવ્યા હતા. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે હારની પરંપરા 2014 બાદ શરૂ થઈ. ચૂંટણી હાર બાદ તેમણે સૌથી પહેલા EVMને નિશાન બનાવ્યા.
ગૃહને સંબોધતા અમિત શાહે સવાલ કર્યો કે, હું પૂછવા માંગુ છું કે EVM કોણ લઈને આવ્યું? 15 માર્ચ 1989ના રોજ જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા, ત્યારે EVM દાખલ કરવા માટે કાયદાકીય સુધારો કરવામાં આવ્યો હતો. હવે, આ લોકો રાજીવ ગાંધીના EVM કાયદાનો વિરોધ કરી રહ્યા છે.’
ગૃહમંત્રીએ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો, જ્યારે 2002માં 5 ન્યાયાધીશોની બેન્ચે EVMમાં કાયદાકીય સુધારાને સમર્થન આપ્યું હતું. ત્યારબાદ ચૂંટણી પંચે દિલ્હી, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં 16 વિધાનસભાઓમાં ટ્રાયલ હાથ ધર્યા. બધી ટ્રાયલ બાદ, 2004માં દેશભરમાં EVMનો ઉપયોગ કરીને ચૂંટણીઓ કરવવામાં આવી.
તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, ‘તમે કાયદો લાવ્યા અને ઘણી ચૂંટણીઓ જીતી. તમે 10વર્ષ સુધી આરામથી શાસન કર્યું અને 2014માં હાર્યા બાદ તમે રડો છો.’ તેમણે દાવો કર્યો કે, 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી કોંગ્રેસે ચૂંટણી પંચને ચૂંટણી સુધારા માટે કોઈ દરખાસ્ત રજૂ કરી નથી.
ભાજપના નેતાએ કહ્યું કે, ‘અમે તેમની સામે લડતા આવી રહ્યા છીએ, અને તેઓ કહે છે કે અમે મત ચોરીથી જીત્યા છીએ. પરંતુ હું તમને કહી દઉં કે, તમે સર્જિકલ સ્ટ્રાઈકનો વિરોધ કર્યો, એર સ્ટ્રાઈકનો વિરોધ કર્યો, કલમ 370 રદ કરવાનો વિરોધ કર્યો, રામ મંદિર નિર્માણનો વિરોધ કર્યો,, ઘુસણખોરોને હટાવવાનો વિરોધ કર્યો, CAAનો વિરોધ કર્યો, તમે તીન તલાકનો વિરોધ કર્યો એટલે અમે જીત્યા છીએ.’
ગૃહમંત્રીએ અંતમાં કહ્યું કે, ‘તમે એક રાષ્ટ્ર, એક ચૂંટણીનો વિરોધ કરી રહ્યા છો, એટલે અમે ફરીથી જીતવાના છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 કરોડ ગરીબ પરિવારોને રાશન, ગેસ, પાણી, શૌચાલય પૂરા પાડ્યા અને 5 લાખ રૂપિયા સુધીની દવાઓ મફતમાં આપી. શું તમને લાગે છે કે તેઓ મત ચોરીને જીત્યા છે?

