- Politics
- EDના દરોડા બાદ I-PACએ કહ્યું- અમે ભાજપ માટે પણ કામ કર્યું છે
EDના દરોડા બાદ I-PACએ કહ્યું- અમે ભાજપ માટે પણ કામ કર્યું છે
પોલિટિકલ કન્સલ્ટન્સી ફર્મ I-PAC (ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી) પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના દરોડા બાદ સંસ્થાએ મૌન તોડ્યું છે. 8 જાન્યુઆરીએ કોલકાતામાં I-PAC ની ઓફિસ અને તેના ડિરેક્ટર પ્રતીક જૈનના નિવાસસ્થાને મની લોન્ડરિંગના કેસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતા I-PAC એ તેને એક વ્યાવસાયિક સંસ્થા માટે 'મુશ્કેલ અને કમનસીબ દિવસ' ગણાવ્યો છે.
સંસ્થાએ જારી કરેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, I-PAC માને છે કે આ પ્રકારની કાર્યવાહી અનેક ગંભીર પ્રશ્નો ઉભા કરે છે અને એક અસ્વસ્થ કરી દે તેવો દાખલો બેસાડે છે. આમ છતાં, સંસ્થાએ તપાસ એજન્સીને સંપૂર્ણ સહયોગ આપ્યો છે અને ભવિષ્યમાં પણ કાયદાના દાયરામાં રહીને પૂરી જવાબદારી અને સન્માન સાથે તપાસ પ્રક્રિયામાં સહયોગ આપવાનું ચાલુ રાખશે.
'વ્યાવસાયિક પ્રામાણિકતા સાથે સમાધાન નહીં'
I-PAC એ ભારપૂર્વક જણાવ્યું હતું કે તે હંમેશા તેના કાર્યમાં વ્યાવસાયિક પ્રામાણિકતાના સર્વોચ્ચ ધોરણો જાળવી રાખે છે. કંપનીએ ઉમેર્યું કે, ગમે તેવા સંજોગોમાં પણ સંસ્થા ડર્યા વગર અને વિચલિત થયા વિના તે જ નિરંતરતા અને જવાબદારી સાથે પોતાનું કાર્ય ચાલુ રાખવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

તમામ વિચારધારાઓ સાથે કામ કરવાનો અનુભવ
પોતાના નિવેદનમાં I-PAC એ સ્પષ્ટતા કરી છે કે તેઓ કોઈ ચોક્કસ રાજકીય પક્ષ કે વિચારધારા સાથે જોડાયેલા નથી. અમે ભાજપ સાથે પણ કામ કર્યું છે. તેમણે અત્યાર સુધી વિવિધ વિચારધારાઓ ધરાવતા અનેક પક્ષો સાથે કામ કર્યું છે, જેમાં નીચેના પક્ષોનો સમાવેશ થાય છે:
- ભારતીય જનતા પાર્ટી (BJP)
- કોંગ્રેસ (INC)
- તૃણમૂલ કોંગ્રેસ (TMC)
- આમ આદમી પાર્ટી (AAP)
- DMK, YSR કોંગ્રેસ, BRS, JDU અને શિવસેના.
અમે ન તો ચૂંટણી લડીએ છીએ અને ન તો કોઈ રાજકીય પદ પર છીએ. અમારું કામ માત્ર પારદર્શક અને વ્યાવસાયિક રાજકીય સલાહ આપવા પૂરતું મર્યાદિત છે.
બંગાળના રાજકારણમાં ગરમાવો
I-PAC ની ઓફિસ પર દરોડા અને ત્યારબાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રતીક જૈનના ઘરની મુલાકાતે રાજકીય વિવાદ છેડી દીધો છે. રાજ્યમાં આગામી થોડા મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે આ ઘટનાએ બંગાળના રાજકારણમાં ભારે હલચલ મચાવી દીધી છે. વિપક્ષો અને સત્તાધારી પક્ષો વચ્ચે આ મુદ્દે ખેંચતાણ તેજ બની છે.

