- Politics
- અજિત-શરદ પવારની NCP એક થવાની હતી, જાહેરાતની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી, પરંતુ હવે શું થશે?
અજિત-શરદ પવારની NCP એક થવાની હતી, જાહેરાતની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી, પરંતુ હવે શું થશે?
વિમાન દુર્ઘટનામાં અજિત પવારના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે, NCPના બંને જૂથો ટૂંક સમયમાં એક થઈ જશે. શરદ પવારની આગેવાની હેઠળની NCP (SP) અને અજિત પવારની આગેવાની હેઠળના જૂથનું વિલિનીકરણ થવાનું છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, બંને જૂથો વચ્ચે વિલિનીકરણની વાતચીત ખૂબ જ આગળ વધી ગઈ હતી. પાર્ટીના નેતાઓ તેના પર કામ કરી રહ્યા હતા, અને જિલ્લા પરિષદની ચૂંટણીના પરિણામો બાદ ઔપચારિક જાહેરાત થવાની હતી. આ જાહેરાત 8 ફેબ્રુઆરીએ થવાની હતી, પરંતુ અજિત પવારના નિધનથી બધું બદલાઈ ગયું. અજિત પવાર બંને જૂથો વચ્ચે આ અંગે વાતચીત પણ કરી રહ્યા હતા. તેઓ શરદ પવાર જૂથ સાથે વાતચીત ફરી શરૂ કરવા અને નેગોશિએશન લીડ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા.
NCP (SP)ના વરિષ્ઠ ધારાસભ્ય જયંત પાટીલ અને પાર્ટી ચીફ શશિકાંત શિંદેએ આ વાતની પુષ્ટિ કરી છે. જયંત પાટીલે કહ્યું કે, ‘તાજેતરમાં, બંને જૂથો વચ્ચે વાતચીત ચાલી રહી હતી. 16 જાન્યુઆરીએ મારા ઘરે એક બેઠક યોજાઈ હતી, જ્યાં સાથે મળીને ચૂંટણી લડવાની વાત થઈ. 17 જાન્યુઆરીએ શરદ પવારના ઘરે એક બેઠક યોજાઈ હતી.’ તેમણે અજિત પવારના મૃત્યુને બંને પાર્ટીઓ માટે મોટું નુકસાન ગણાવ્યું હતું.
શશિકાંત શિંદેએ એમ પણ કહ્યું હતું કે, ‘સાથે આવવાની વાતચીત પહેલાની સમજૂતી મુજબ ચાલી રહી હતી. હવે આના પર ખૂલીને બોલવું જરૂરી છે.’ અજિત પવારે કહ્યું હતું કે, ‘અમે મ્યુનિસિપલ ચૂંટણી પછી સાથે આવીશું. આ માટે બેઠકો પણ યોજાઈ હતી. અજિત દાદાએ શરદ પવાર તરફ જોતા આ વાત કહી હતી. હવે અમે તે દિશામાં કામ કરીશું.’ શિંદેએ એવો પણ સંકેત આપ્યો હતો કે આ બાબતમાં વિલંબ થઈ શકે છે, પરંતુ તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
અહેવાલ મુજબ, અજિત પવારના નિધન બાદ, NCPના વરિષ્ઠ નેતાઓ બારામતી પહોંચ્યા હતા. ત્યાં, તેમણે અજિત પવારને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ, નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જ્યાં આ બદલાતી રાજકીય પરિસ્થિતિઓ વચ્ચે વાતચીત કેવી રીતે ચાલુ રાખવી તે અંગે ચર્ચાઓ થઈ હતી. સૂત્રોનું કહેવું છે કે બંને પક્ષોનું વિલીનીકરણ હજુ પણ ટ્રેક પર છે.
જો શરદ પવારના નેતૃત્વવાળી NCP (SP) અને અજિત પવારના નેતૃત્વ હેઠળના જૂથનું વિલીનીકરણ થાય છે, તો શરદ પવારની પાર્ટી સરકારમાં જોડાઈ શકે છે. હાલમાં, અજિત પવાર જૂથ મહાયુતિ (મહાગઠબંધન)માં છે, જ્યારે NCP SP વિપક્ષ છે. વિલીનીકરણથી મંત્રીમંડળમાં ફેરબદલ અને નવા ચહેરાઓનોને જગ્યા મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બાબતો પર બિનસત્તાવાર ચર્ચા પણ થઈ ચૂકી હતી.
બંને જૂથોએ પુણે અને પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ સાથે મળીને લડી હતી, જેના કારણે વિલીનીકરણના સમાચારોને વેગ મળ્યો હતો. નેતાઓએ જાહેરમાં તેમનું પોઝિશન પણ નરમ કર્યું હતું અને આંતરિક મતભેદોને ઉકેલવાનો સંકેત પણ આપ્યા હતા.
અહેવાલો અનુસાર, જિલ્લા પરિષદની ચૂંટણીઓ સાથે મળીને લડવાની યોજના હતી, જે વિશ્વાસ વધારવાની કવાયતનો હિસ્સો હતી. ત્યારબાદ ચૂંટણી પરિણામો બાદ વિલીનીકરણની જાહેરાત થવાની હતી. અજિત પવાર તેમની રેલીઓમાં વિલીનીકરણ પર સવાલ ઉઠાવનારાઓને પણ ટારગેટ કરવા લાગ્યા હતા. એક રેલીમાં તેમણે કહ્યું હતું કે, ‘જો આપણે સાથે આવીએ છીએ તો કેટલાકને તેનાથી પરેશાની કેમ થઈ રહી છે?’
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1999માં શરદ પવારે NCPની સ્થાપના કરી હતી. પરંતુ 2023માં, પાર્ટીમાં ભાગલા પડી ગયા અને અજિત પવાર (શરદ પવારના ભત્રીજા)એ બળવો કરી દીધો અને પોતાનું જૂથ બનાવી લીધું. અજિત પવારનું જૂથ મહારાષ્ટ્રના શાસક મહાયુતિ ગઠબંધન (ભાજપ, શિવસેના-એકનાથ શિંદે જૂથ) સાથે જતું રહ્યું, જ્યારે શરદ પવારનું જૂથ NCP (SP) મહા વિકાસ આઘાડી શિવસેના-UBT અને કોંગ્રેસ સાથે. આ વિભાજન બાદ, બંને જૂથો વચ્ચે વર્ષો સુધી તણાવ ચાલુ રહ્યો, પરંતુ તાજેતરના મહિનાઓમાં સમાધાનના પ્રયાસો વધુ તેજ થઈ ગયા હતા.

