- Politics
- કોણ હતા ગોપીનાથ બોરદોલોઈ, જેમની મૂર્તિનું PM નરેન્દ્ર મોદીએ અનાવરણ કર્યું?
કોણ હતા ગોપીનાથ બોરદોલોઈ, જેમની મૂર્તિનું PM નરેન્દ્ર મોદીએ અનાવરણ કર્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગુવાહાટીના લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર આસામના પ્રથમ મુખ્યમંત્રી અને ભારત રત્ન ગોપીનાથ બોરદોલોઈની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ કાર્યક્રમને આસામ માટે ગર્વની ક્ષણ ગણાવી. ગોપીનાથ બોરદોલોઈ બાબતે બોલતા મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ એક એવા નેતા હતા, જેમની દૂરંદેશી વિચારસરણીએ વર્તમાન આસામ બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
મુખ્યમંત્રી સરમાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘આજે આપણે એક મહાન નેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ, જેમના કારણે આસામ પૂર્વી પાકિસ્તાનમાં ન ભળ્યું. જો બોરદોલોઈ ન હોત, તો આસામનો ઇતિહાસ કંઈક અલગ હોત.’ તેમણે જણાવ્યું કે, ‘પ્રતિષ્ઠિત શિલ્પકાર રામ સુતાર દ્વારા બનાવવામાં આવેલી આ પ્રતિમા ગુવાહાટી એરપોર્ટના પ્રવેશદ્વાર પર સ્થાપિત કરવામાં આવી છે, જે ઉત્તરપૂર્વ ભારતની ઓળખ અને ભારતની એકતાનું પ્રતિક રહેશે.
કોણ હતા ગોપીનાથ બોરદોલોઈ?
6 જૂન 1890ના રોજ જન્મેલા ગોપીનાથ બોરદોલોઈ માત્ર આસામના પહેલા મુખ્યમંત્રી જ નહોતા, પરંતુ ભારતના એવા થોડા નેતાઓમાંથી એક હતા જેમણે દેશના ભાગલા દરમિયાન તેમના રાજ્યને વિભાજનથી બચાવ્યું હતું. 1940ના દાયકામાં જ્યારે ‘ગ્રુપિંગ પ્લાન’ હેઠળ આસામને પૂર્વી પાકિસ્તાનમાં સમાવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું, ત્યારે બોરદોલોઈની રાજકીય કુશળતા અને દૃઢ નિશ્ચયને કારણે આ યોજના નિષ્ફળ કરી દેવામાં આવી.
જિન્હાના દબાણ, બ્રિટિશ રાજકીય દાવપેચ અને મુસ્લિમ લીગની રણનીતિઓ વચ્ચે બોરદોલોઈ ખડકની જેમ ઉભા રહ્યા. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું, ‘આસામ ભારતનો હિસ્સો છે અને રહેશે.’ તે જ સમયે તેમણે આસામની સ્વતંત્ર ઓળખ અકબંધ રહે તે સુનિશ્ચિત કરવા માટે ગાંધીજી અને સરદાર પટેલનો સંપર્ક કર્યો હતો. તેમના અથાક પ્રયાસોને કારણે આસામ આજે ભારતનો અભિન્ન હિસ્સો છે.
બોરદોલોઈનું જીવન રાજકારણથી વિપરીત સમાજ સેવા માટે સમર્પિત હતું. ડૉક્ટરના ઘરે જન્મેલા ગોપીનાથ બાળપણથી જ અન્ય લોકોને મદદ કરવાની ભાવના સાથે મોટા થયા હતા. કોલકાતા યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા દરમિયાન તેઓ બંગાળ નવજાગરણના વિચારોથી પ્રભાવિત થયા અને શિક્ષણ પૂર્ણ કર્યા બાદ કોંગ્રેસ આંદોલનમાં સામેલ થઈ ગયા. 1950માં તેમના નિધનના દાયકાઓ બાદ 1999માં ભારત સરકારે તેમને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન'થી નવાજ્યા હતા.

