- Politics
- સંસદમાં હોબાળો અને શિયાળુ સત્રની પૂર્ણાહુતિ બાદ બધી પાર્ટીઓના સાંસદોએ સાથે બેસીને ચાની ચૂસ્કી લીધી
સંસદમાં હોબાળો અને શિયાળુ સત્રની પૂર્ણાહુતિ બાદ બધી પાર્ટીઓના સાંસદોએ સાથે બેસીને ચાની ચૂસ્કી લીધી
શિયાળુ સત્રના સમાપનનું સીન કંઈક અલગ નજરે પડ્યું. સંસદનું શિયાળુ સત્ર સમાપ્ત થયા બાદ પક્ષ-વિપક્ષના નેતાઓ એક સાથે ‘ચા’ની ચૂસ્કી લેતા જોવા મળ્યા હતા. VB-G RAM G બિલ પર ગૃહમાં થયેલા ઘર્ષણ બાદ, આવી અપેક્ષા નહોતી કે સ્પીકરની ચા પાર્ટી કોંગ્રેસના સાંસદો પણ ઉત્સાહપૂર્વક સામેલ હશે. કોંગ્રેસના સાંસદોના મતે, આ વખતે ગૃહમાં વાતાવરણ પાછલા સત્ર કરતા તદ્દન અલગ હતું. વિપક્ષને પણ પોતાના વિચારો વ્યક્ત કરવાની તક આપવામાં આવી હતી. એવામાં વિપક્ષમાં એ નારાજગી જોવા ન મળી, જે પાછલા સંસદ સત્ર દરમિયાન દેખાઈ હતી.
જ્યારે કોંગ્રેસના સૂત્રોને સ્પીકર ઓમ બિરલાની ચા પાર્ટી વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે, ‘મલ્લિકાર્જૂન ખડગેએ નક્કી કર્યું હતું કે અમે સ્પીકર અને અધ્યક્ષ દ્વારા આયોજિત પરંપરાગત ચા પાર્ટીમાં સામેલ થઇએ, કારણ કે અમે બિલ પર સરકારની કાર્યવાહીનો વિરોધ કરીએ છીએ, પરંતુ અધ્યક્ષ થોડા વધુ ઉદાર હતા. આ ગયા ચોમાસા સત્રથી વિપરીત હતું, જ્યાં વિપક્ષને બોલવાની મંજૂરી આપવામાં આવી નહોતી. એટલે, લોકસભામાં શૈલજા કુમારી સિંહ, પ્રિયંકા ગાંધી, મણિકમ ટાગોર અને મોહમ્મદ જાવેદે કોંગ્રેસ તરફથી ભાગ લીધો હતો. રાજ્યસભામાં મલ્લિકાર્જૂન ખડગે, સોનિયા ગાંધી, દિગ્વિજય સિંહ અને જયરામ રમેશે ભાગ લીધો હતો.’
https://twitter.com/ANI/status/2001901715738841536?s=20
પાછલા સત્રમાં વિપક્ષે સ્પીકરની ચા પાર્ટીનો બહિષ્કાર કર્યો હતો. રાહુલ ગાંધીની ગેરહાજરીમાં તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 3 દેશોના વ્યસ્ત પ્રવાસ બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. સ્પીકરની ચા પાર્ટી એક પરંપરા છે. દરેક સત્રના સમાપન બાદ, તમામ પાર્ટીઓના અગ્રણી નેતાઓ તેમના ચેમ્બરમાં ભેગા થાય છે. ગૃહમાં વાર-પલટવાર અને આરોપ-પ્રત્યારોપથી તીખા થયેલા વાતાવરણ સૌહાર્દ અને સદ્વભાવથી હળવું કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
લગભગ 20 મિનિટ ચાલેલી આ ચા પાર્ટીમાં કેટલાક વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગ્રહ કર્યો કે નવી સંસદ ભવનમાં સાંસદો માટે એક સેન્ટ્રલ હોલ પણ હોવો જોઈએ. વાસ્તવમાં જૂની સંસદ ભવનમાં એક ઐતિહાસિક સેન્ટ્રલ હોલ છે જ્યાં સાંસદો, પૂર્વ સાંસદો અને અન્ય લોકો સત્ર દરમિયાન અનૌપચારિક ચર્ચાઓ કરે છે. નવા સંસદ ભવનમાં સાંસદોને આ વાતની અછત વર્તાઇ રહી છે, કારણ કે એકમાત્ર બેઠક સ્થળ કેન્ટિન છે. જૂના સંસદ ભવનને હવે બંધારણ ભવન બનાવી દેવામાં આવ્યું છે અને સેન્ટ્રલ હોલનો ઉપયોગ ભાગ્યે જ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો કે, એ તો નિવૃત્તિ પછી માટે છે. તમારે હજુ ઘણી સેવા કરવાની છે. તેના પર બેઠકમાં ઉપસ્થિત રહેલા નેતાએ ખડખડાટ હસી પડ્યા હતા.

