- Politics
- પંજાબમાં ભાજપ અને અકાલી દળનું ફરી ગઠબંધન થઇ ગયું, ચૂંટણી પર શું અસર પડશે?
પંજાબમાં ભાજપ અને અકાલી દળનું ફરી ગઠબંધન થઇ ગયું, ચૂંટણી પર શું અસર પડશે?
શિરોમણી અકાલી દળ (SAD) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે ગઠબંધન અંગે ચાલી રહેલી ચર્ચાઓ આખરે મંગળવારે હકીકતમાં બદલાઇ થઈ. દિલ્હીમાં ભાજપના મુખ્યાલય ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં બંને પક્ષોના અધ્યક્ષોએ સત્તાવાર રીતે આ ગઠબંધનની જાહેરાત કરી. અમિત શાહે કહ્યું કે, આ ગઠબંધન હિન્દુ અને શીખ ભાઇચારાનું પ્રતીક બનશે.
હવે જ્યારે બંને પક્ષોએ સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે, ત્યારે વિરોધી પક્ષોની છાવણીમાં હલચલ મચવી સ્વાભાવિક છે. જ્યારે પણ આ બંને પક્ષો એકસાથે આવ્યા છે, ત્યારે તેમણે તેમના હરીફો સામે મોટો પડકાર ઊભો કર્યો છે. હવે પ્રશ્ન એ છે કે, પંજાબની ચૂંટણી પર આ ગઠબંધનની શું અસર પડશે?
ભાજપ અને અકાલી દળ વચ્ચેનો સંબંધ ખૂબ જૂનો અને ઊંડો છે, તેમાં કોઈ નવાઈ નથી. આ ગઠબંધન ઘણા સમય પહેલાં,અકાલી દળે ભારતીય જનસંઘ સાથે મળીને 1967 અને 1970માં ગઠબંધન સરકારો રચી હતી. 1996માં, જ્યારે અટલ બિહારી વાજપેયીએ 13 દિવસની સરકાર બનાવી, ત્યારે પ્રકાશ સિંહ બાદલે તેમને બિનશરતી સમર્થન આપ્યું હતું. તે સમયે, અકાલી દળની ઓળખ પંથિક પક્ષ તરીકે હતી. જોકે, સ્વર્ગસ્થ સરદાર પ્રકાશ સિંહ બાદલે આ ઓળખમાં બદલાવ લાવીને તેને પંથક પક્ષમાંથી પંજાબી પક્ષની રૂપમાં બદલી. ત્યારબાદ, 1997માં બંને પક્ષોએ પંજાબમાં પ્રથમ વખત ગઠબંધન કરીને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો. આ નિર્ણય સફળ સાબિત થયો; તેમને જંગી બહુમતી મળી અને તેમણે સરકાર બનાવી.
ત્યારબાદ ફરી, 2007 થી 2012 અને ફરીથી 2012 થી 2017 સુધી આ ગઠબંધન સત્તામાં રહ્યું, જેમાં પ્રકાશ સિંહ બાદલ પાંચ વખત પંજાબના મુખ્યમંત્રી બન્યા. વર્ષ 2012માં અકાલી દળે 56 બેઠકો પર 48,28,612 મતો (મતદાનનો 34.73% હિસ્સો) મેળવ્યા હતા, જ્યારે ભાજપે 12 બેઠકો પર 9,98,098 મતો (7.18%) મેળવ્યા હતા.વર્ષ 2017માં, અકાલી દળે 15 બેઠકો પર 38,98,161 મતો (25.42% હિસ્સો) મેળવ્યા અને ભાજપે 3 બેઠકો પર 8,33,092 મતો (5.43% હિસ્સો) મેળવ્યા. તે સમયે, આ ગઠબંધન જીત મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. 2017ની ચૂંટણી કોંગ્રેસે જીતી હતી, જેને કુલ મતદાનના 38.77% મતો મળ્યા હતા.

સપ્ટેમ્બર 2020માં, જ્યારે ખેડૂતોએ ત્રણ કૃષિ કાયદાઓ સામે દિલ્હીની સરહદો પર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું, ત્યારે અકાલી દળ તેમના સમર્થનમાં આવ્યું અને કેન્દ્ર સરકારના કાયદાઓનો ખુલ્લેઆમ વિરોધ કર્યો. તે સમયે કેન્દ્રીય મંત્રી રહેલાં હરસિમરત કૌર બાદલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતું અને ગઠબંધન તોડવાની જાહેરાત કરી, જેના કારણે ભાજપ અને અકાલી દળ અલગ થઈ ગયા. પરંતુ, 2027ની ચૂંટણી નજીક આવતા-આવતા, બંને પક્ષોના નેતાઓએ તેમના રાજકીય ભાષણો અને મીડિયા બ્રીફિંગમાં એકબીજાની સીધી ટીકા કરવાનું ટાળવાનું શરૂ કર્યું. નેતાઓના દિલમાં એકબીજા માટે સોફ્ટ કોર્નર જોવા મળ્યું, ત્યારબાદ તેઓ ફરી એક થઈ શકે તેવી અટકળોને વેગ મળ્યો.
અલગ થવાનું પરિણામ બંને પક્ષોએ ભોગવવું પડ્યું
આ ગઠબંધન તૂટવાને કારણે બંને પક્ષોએ નુકસાન ઉઠાવવું પડ્યું. જો 2022ની વિધાનસભા ચૂંટણી અને 2024ની સામાન્ય ચૂંટણીના મતદાનના આંકડાઓનું વિશ્લેષણ સૂચવે છે કે જો બંને પક્ષોએ સાથે મળીને ચૂંટણી લડી હોત, તો તેઓ ઘણી બેઠકો પર મોટી જીત મેળવી શક્યા હોત. કેટલીક એવી બેઠકો હતી જ્યાં જો બંને પક્ષોના મતોને એકત્ર કરવામાં આવ્યા હોત, તો ત્યાં મોટી જીત મેળવી શકાઈ હોત. 2022ની વિધાનસભા ચૂંટણીમાં અકાલી દળે 28,61,286 મત (આશરે 18.5%) મેળવ્યા હતા, જ્યારે ભાજપને 10,27,143 મત (6.6%) મળ્યા હતા. જ્યારે, 2024ની સામાન્ય ચૂંટણી દરમિયાન, અકાલી દળનો મત હિસ્સો 13–13.5% રહ્યો હતો, જ્યારે ભાજપનો મત હિસ્સો 18–19% હતો.
2024ની વાત કરીએ તો ભાજપનો મત હિસ્સો વધીને 18.56% થયો, જ્યારે અકાલી દળનો મત હિસ્સો 13.52% રહ્યો હતો. બંને પક્ષો વચ્ચેના મતભેદોનો 2022માં આમ આદમી પાર્ટી (AAP)ને અને 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને લાભ મળ્યો. વિધાનસભા ચૂંટણીમાં AAPએ ૯૨ બેઠકો જીતી હતી, જ્યારે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 7 બેઠકો મેળવી હતી. જ્યારે, AAPના ખાતામાં 3 બેઠકો જીતવામાં સફળ રહી, 2 અપક્ષ ઉમેદવારો ચૂંટાયા, અને અકાલી દળને માત્ર એક બેઠકથી સંતોષ માનવો પડ્યો. અકાલી દળ કરતા વધુ મત હિસ્સો હોવા છતા ભાજપને એક પણ બેઠક મળી નહોતી.
શું 2027માં ફરી કોઈ ચમત્કાર થશે?
ગઠબંધનની જાહેરાત કરતા અમિત શાહે કહ્યું કે અકાલી દળની વાપસીથી NDA સંપૂર્ણ બની ગયું છે. તેમની સાથે પંજાબને નશામુક્ત બનાવવાનું અને રાજ્યમાં ફરી એકવાર સરકાર બનાવવાની જાહેરાત કરી. ભૂતકાળના આંકડાઓને જોતા 2027માં બંને પક્ષો મળીને મજબૂતીથી ચૂંટણીમાં ઉતરશે, તેની સંભાવના વધી ગઇ છે. અમિત શાહે આ ગઠબંધનને શીખ અને હિન્દુ ગઠબંધનના પ્રતીક તરીકે રજૂ કર્યું છે. પંજાબમાં હિન્દુ મતદારોનું પ્રમાણ આશરે 39% છે, જ્યારે શીખ મતદારો લગભગ 58% છે. એવામાં, જો બંને સમુદાયો આ ગઠબંધનને સમર્થન આપે, તો તે પંજાબના રાજકીય પરિદૃશ્યમાં મોટું પરિવર્તન જોવા મળી શકે છે.

જોકે, 2022ની ચૂંટણીમાં જે પ્રકારે આમ આદમી પાર્ટી (AAP)ને પ્રચંડ જીત મળી હતી, તેણે જરૂર ભાજપ-અકાલી ગઠબંધન અને કોંગ્રેસ જેવા મુખ્ય રાજકીય પક્ષો માટે પડકાર વધી ગયા છે. ખાસ કરીને છેલ્લી વખત જ્યારે પંજાબમાં અકાલી-ભાજપ ગઠબંધને સરકાર બનાવી હતી, ત્યારે આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ પણ નહોતું. 2017માં, AAPએ 20 બેઠકો જીતીને રાજકીય સમીકરણોમાં મોટું પરિવર્તન લાવી દીધું હતું, જેના પરિણામે ભાજપ-અકાલી ગઠબંધન સત્તામાંથી બહાર થઈ ગયું હતું; ત્યારબાદ કેપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વમાં કોંગ્રેસે સરકાર રચી હતી. હવે સૌની નજર એ વાત પર છે કે પંજાબના નવા રાજકીય પરિવેશમાં આ જૂનું ગઠબંધન કેટલું અસરકારક સાબિત થશે.

