- Sports
- થરૂરના વખાણનો જવાબ આપવાના બહાને ગંભીરે કોના પર સાધ્યું નિશાન?
થરૂરના વખાણનો જવાબ આપવાના બહાને ગંભીરે કોના પર સાધ્યું નિશાન?
ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરના તાજેતરની ટ્વીટે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. તેમની ટ્વીટ વાયરલ થઈ રહી છે. તેમણે આ ટ્વીટ કોંગ્રેસના સાંસદ શશિ થરૂરની પ્રશંસા કરતા જવાબ આપતા કરી હતી. કોંગ્રેસના સાંસદ નાગપુરમાં T20 મેચ અગાઉ ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરને મળ્યા હતા. ત્યારબાદ તેમણે X પર ગંભીર સાથેનો ફોટો શેર કર્યો હતો. ભારતે નાગપુરમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ન્યૂઝીલેન્ડને 48 રનથી હરાવ્યું હતું.
તેમણે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પહેલી T20 મેચના એક દિવસ અગાઉ X પર લખ્યું હતું કે, ‘નાગપુરમાં મારા જૂના મિત્ર ગૌતમ ગંભીર સાથે મારી મુલાકાત દરમિયાન ખૂલીને વાત થઈ. ભારતમાં વડાપ્રધાન બાદ સૌથી મુશ્કેલ કામ તેમનું છે. દરરોજ, લાખો લોકો તેમના પર સવાલ ઉઠાવે છે. પરંતુ તેઓ સંપૂર્ણ શાંતિ અને મજબૂતી સાથે, અડગ રહીને આગળ વધી રહ્યા છે. તેમના શાંત ઈરાદા અને સક્ષમ નેતૃત્વની પ્રશંસા થવી જોઈએ. આજથી શરૂ થનારા દરેક પડકાર માટે ખૂબ શુભેચ્છાઓ.’
https://twitter.com/GautamGambhir/status/2014039384350232901?s=20
ગૌતમ ગંભીરે શશિ થરૂરના વખાણ પર પ્રતિક્રિયા આપતા તેમનો આભાર માન્યો. જોકે, તેમણે X પર કંઈક એવું પણ લખ્યું જેણે બધાનું ધ્યાન ખેંચ્યું. ભારતીય ટીમના હેડ કોચ ગંભીરે લખ્યું કે, ‘ડૉ. શશિ થરૂર ખૂબ ખૂબ આભાર. જ્યારે ધૂળ શાંત થઇ જશે, ત્યારે એક કોચ પાસે અનલિમિટેડ ઓથોરિટી હોવાનું સત્ય અને તર્ક આપમેળે સામે આવી જશે. ત્યાં સુધી મને એ વાત પર હસવું આવે છે કે મને પોતાના લોકો સામે ઊભો કરવામાં આવી રહ્યો છે.’
ત્યારબાદ, તેમની ટ્વીટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ ગઇ. કેટલાક લોકોએ કહ્યું કે આ ટ્વીટ સિલેક્શન સમિતિના અધ્યક્ષ અજિત અગરકર માટે હતી. પરંતુ, ગૌતમ ગંભીરે તેમની ટ્વીટમાં કોઈનું નામ લીધું નથી, કે ન તો સિલેક્ટર્સ તરફ ઈશારો કર્યો હતો.
ગૌતમ ગંભીરને જુલાઈ 2024માં ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે બનાવવામાં આવ્યા હતા. તેમની નિમણૂક બાદ, ત્રણેય ફોર્મેટમાં ઘણા ફેરફારો જોવા મળ્યા. સૂર્યકુમાર યાદવને T20I કેપ્ટન બનાવવામાં આવ્યો. રોહિત શર્મા, વિરાટ કોહલી અને આર. અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. આ ટ્રાન્ઝિશન પીરિયડ દરમિયાન મોટા ફેરફારો જોવા મળ્યા. ઉપ-કેપ્ટન શુભમન ગિલને T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
તાજેતરમાં જ, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચની ODI સીરિઝ રમાઈ હતી. આ સીરિઝમાં કિવીઓએ ભારતને 2-1થી હરાવ્યું હતું. આ પહેલીવાર હતું જ્યારે ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર ODI સીરિઝ જીતી હતી. તો આ અગાઉ, ગંભીરના કોચિંગ હેઠળ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ અને ODI સીરિઝ હારી ચૂકી હતી. ભારતે દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ પણ ગુમાવી હતી. ગૌતમ ગંભીરના કોચિંગની એકમાત્ર સફળતા ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટેસ્ટ સીરિઝ 2-2થી ડ્રો રહી હતી.

