- Sports
- પાકિસ્તાન સાથે મેચ પર પ્રેસ કોન્ફરન્સમાં ઉઠ્યો સવાલ, BCCIએ રિપોર્ટરને વચ્ચે જ રોક્યો
પાકિસ્તાન સાથે મેચ પર પ્રેસ કોન્ફરન્સમાં ઉઠ્યો સવાલ, BCCIએ રિપોર્ટરને વચ્ચે જ રોક્યો
એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકરને પાકિસ્તાન સંબંધિત સવાલનો જવાબ આપતા રોકી દેવામાં આવ્યા હતા. મુંબઈમાં મીડિયા સાથે વાતચીત કરવા દરમિયાન, અગરકર કંઈક કહેવા જ રહ્યા હતા ત્યારે BCCIના પ્રતિનિધિએ હસ્તક્ષેપ કરીને તેમને ચૂપ કરાવી દીધા. ભારતીય ક્રિકેટ ટીમ 14 સપ્ટેમ્બરે દુબઈમાં પાકિસ્તાન સામે મેચ રમશે. પહેલગામ ઘટના બાદ આ પહેલી વાર હશે જ્યારે બંને દેશોની ટીમો એક-બીજા સામસામે આવી શકે છે. ભારત અને પાકિસ્તાન ટૂર્નામેન્ટમાં વધુમાં વધુ 3 વખત એકબીજા સામે આવી શકે છે. ગ્રુપ સ્ટેજ બાદ સુપર-4 અને ફાઇનલમાં પણ બંને વચ્ચે મેચ થવાની શક્યતા છે.
જોકે, વર્તમાન સીમા પાર તણાવ અને આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને, દેશમાં આ અંગે પણ વિરોધ જોવા મળી રહ્યો છે. મે મહિનામાં, એવા અહેવાલો સામે આવ્યા હતા કે ભારત ન તો એશિયા કપમાં ભાગ લેશે કે ન તો તેનું આયોજન કરશે. પરંતુ બાદમાં BCCIએ પોતાનું વલણ બદલ્યું અને ટૂર્નામેન્ટને ન્યૂટ્રલ વેન્યૂ એટલે કે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં શિફ્ટ કરી દીધી.
ઘણા પૂર્વ ક્રિકેટરોએ પણ પાકિસ્તાન સાથે રમવાનો વિરોધ કર્યો છે. કેદાર જાધવ અને હરભજન સિંહે BCCIને પાકિસ્તાન સાથે મેચ ન રમવાની સલાહ આપી હતી. વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં ભારતની ટીમનો હિસ્સો રહેલા હરભજન પણ તે પ્રદર્શની ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન વિરુદ્ધની મેચનો બહિષ્કાર કરનારા ખેલાડીઓમાં સામેલ હતા. તો, કેદાર જાધવે એશિયા કપ 2025માં પાકિસ્તાન વિરુદ્ધ મેચનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી. આ ટૂર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થશે.
જાધવે ANIને કહ્યું હતું, ‘મને નથી લાગતું કે ભારતીય ટીમે રમવું જોઈએ. મને વિશ્વાસ છે કે ભારત નહીં રમે. ભારત જ્યાં પણ પાકિસ્તાનનો સામનો કરશે ત્યાં ભારત જીતશે, પરંતુ આ મેચ બિલકુલ ન થવી જોઈએ. હું દાવા સાથે કહી શકું છું કે એવું નહીં થાય.' અગરકર અને T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે મંગળવારે એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસી થઇ છે.
ભારતની એશિયા કપ માટે T20 ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દૂબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બૂમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજૂ સેમસન (વિકેટકીપર), હર્ષિત રાણા, રિંકુ સિંહ.

