- Sports
- અફઘાનિસ્તાન સામે હાર્યા પછી બટલરનું દર્દ છલકાયું, જણાવ્યું હારનું કારણ
અફઘાનિસ્તાન સામે હાર્યા પછી બટલરનું દર્દ છલકાયું, જણાવ્યું હારનું કારણ

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અફઘાનિસ્તાને મોટો અપસેટ સર્જ્યો હતો. 26 ફેબ્રુઆરી (બુધવાર)ના રોજ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને 8 રનથી હરાવ્યું. અફઘાનિસ્તાનની જીતને કારણે, અંગ્રેજી ટીમ સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ. આ અફઘાનિસ્તાનની ODI આંતરરાષ્ટ્રીય મેચમાં ઈંગ્લેન્ડ સામે સતત બીજી જીત હતી. આ પહેલા ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં પણ અફઘાનિસ્તાનની ટીમે ઇંગ્લેન્ડને 69 રનથી હરાવ્યું હતું.
હાર પછી ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. બટલરે કેપ્ટનશીપ છોડવાનો સંકેત પણ આપ્યો હતો. પોતાના ખરાબ ફોર્મ માટે ટીકા પામેલા બટલરે અફઘાનિસ્તાન સામે હાર્યા પછી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થયા પછી કહ્યું હતું કે, તે પોતાની કેપ્ટનશીપ અંગે કોઈ ભાવનાત્મક નિવેદન નહીં આપે, પરંતુ બધી શક્યતાઓ તેની સામે છે.
જોસ બટલરે કહ્યું, 'હું આ સમયે કોઈ ભાવનાત્મક નિવેદન નહીં આપું. પણ હું મારા અને અન્ય ખેલાડીઓ વિશે વિચારીશ. અમે બધી શક્યતાઓ પર વિચાર કરીશું. આ ખૂબ જ નિરાશાજનક છે. મને લાગ્યું કે અમે મેચ જીતી શક્યા હોત. વધુ એક શાનદાર મેચ, પણ અમે હારી ગયા.'
જોસ બટલરની કેપ્ટનશીપ હેઠળ, ઇંગ્લેન્ડ ભારતમાં આયોજિત ODI વર્લ્ડ કપ (2023) અને વેસ્ટ ઇન્ડીઝ-અમેરિકામાં આયોજિત T20 વર્લ્ડ કપ 2024માં નિષ્ફળ ગયું. બટલર કહે છે, 'અફઘાનિસ્તાને છેલ્લી બે ઓવરમાં અમારી પાસેથી મેચ છીનવી લીધી. આનો શ્રેય ઇબ્રાહિમ ઝદરાનને જાય છે, જેણે શાનદાર ઇનિંગ રમી. જો રૂટે પણ શાનદાર સદી ફટકારી. જો કોઈ એક બેટ્સમેન તેની સાથે પીચ પર ટકીને રમી શક્યો હોત તો સારું થાત.'
જોસ બટલરે કહ્યું, 'દુર્ભાગ્યવશ, માર્ક વુડને તેની ચોથી ઓવરમાં ઘૂંટણમાં ઈજા થઈ. દુઃખાવો થવા છતાં બોલિંગ કરવા બદલ તે શ્રેયને પાત્ર છે. રૂટ બધા જ ફોર્મેટમાં શાનદાર ખેલાડી રહ્યો છે અને તેણે અમને દબાણનો સામનો કેવી રીતે કરવો તે બતાવ્યું છે. તેનો વનડે રેકોર્ડ શાનદાર છે. દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક હોવાને કારણે જ્યારે તમે સારું પ્રદર્શન ન કરો ત્યારે નિરાશા થાય છે. હું કોઈ ભાવનાત્મક નિર્ણય લેવા માંગતો નથી.'
અફઘાનિસ્તાનના કેપ્ટન હસમતુલ્લાહ શાહિદીએ વિજય પછી કહ્યું, 'એક ટીમ તરીકે અમે ખુશ છીએ. અમારો દેશ આ જીતથી ખુશ થશે. મેચ ખૂબ જ તણાવપૂર્ણ હતી, પરંતુ અમે તેને સારી રીતે નિયંત્રિત કરી. હું પરિણામથી ખુશ છું. ઝદરાન એક પ્રતિભાશાળી ખેલાડી છે. શરૂઆતમાં અમે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને દબાણ હતું. મારી અને ઝદરાન વચ્ચેની ભાગીદારી મહત્વપૂર્ણ હતી. અઝમતે સારી ઇનિંગ્સ રમી અને શાનદાર ઓવરો પણ ફેંકી.'
હશમતુલ્લાહ શાહિદી કહે છે, 'અમારી પાસે પ્રતિભાશાળી યુવા અને કેટલાક સિનિયર ખેલાડીઓ છે. બધાને તેની ભૂમિકા ખબર છે. બધા સારું પ્રદર્શન કરી રહ્યા છે. આશા છે કે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પણ અમે આ જ લય જાળવી રાખીશું. આનાથી અમને આત્મવિશ્વાસ મળશે પણ તે એક નવો દિવસ હશે. તે મેચ નક્કી કરશે કે, કોણ સેમિફાઇનલમાં જશે. તે દિવસે અમારા માટે જે સારું હશે તે અમે કરીશું.'
Plenty for Jos Buttler and England to consider following their loss to Afghanistan at #ChampionsTrophy 2025 🤔https://t.co/CSzz45gx80
— ICC (@ICC) February 27, 2025
ઇબ્રાહિમ ઝદરાનની સદી (177)ની મદદથી અફઘાનિસ્તાને પોતાના દાવમાં સાત વિકેટે 325 રન બનાવ્યા. જવાબમાં, અંગ્રેજી ટીમ 49.5 ઓવરમાં 317 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટે 120 રનની ઇનિંગ રમી હતી. અફઘાનિસ્તાનની ટીમ હવે તેની આગામી મેચ 28 ફેબ્રુઆરી (શુક્રવાર)ના રોજ ઓસ્ટ્રેલિયા સામે રમશે.