- Sports
- પૂર્વ શ્રીલંકન ખેલાડી પર 20 વર્ષનો પ્રતિબંધ, ઓસ્ટ્રે.માં હવે નહીં કરી શકે કોચિંગ
પૂર્વ શ્રીલંકન ખેલાડી પર 20 વર્ષનો પ્રતિબંધ, ઓસ્ટ્રે.માં હવે નહીં કરી શકે કોચિંગ

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ શ્રીલંકાના પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી દીલિપ સમરવીરા પર 20 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી દીલિપ સમરવીરાના આચરણને ખૂબ જ નિંદાનીય’ કરાર આપવામાં આવ્યો છે. આ દરમિયાન તેમને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA), રાજ્ય ક્રિકેટ સંઘો, BBL કે WBBLના ક્લબોમાં કોઈ પણ પદ આપવામાં નહીં આવે. 52 વર્ષીય સમરવીરાને ક્રિકેટ વિક્ટોરિયાના કર્મચારીના રૂપમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની આચાર સંહિતાનું ગંભીર ઉલ્લંઘન કરતો જોવા મળ્યો હતો.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના આચાર સંહિતા આયોગ તરફથી તેમના આચરણ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ઇન્ટીગ્રિટી વિભાગની તપાસ કરીને 20 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. દીલિપ સમરવીરાએ 1993 થી 1995 વચ્ચે શ્રીલંકા માટે 7 ટેસ્ટ અને 5 વન-ડે મેચ રમી હતી. તે લાંબા સમય સુધી વિક્ટોરિયા મહિલા અને વુમન્સ બિગ બેશ બિલ (WBBL) મેલબર્ન સ્ટાર્સના સહાયક કોચ હતો.
ESPN ક્રિકઇન્ફોના રિપોર્ટ મુજબ, તેને આ વર્ષની શરૂઆતમાં વિક્ટોરિયા મહિલા ટીમના સીનિયર કોચની ભૂમિકામાં પ્રમોશન આપવાનું હતું, પરંતુ પ્રાંતની નીતિઓના કારણે તેની નિમણૂક આપવાની ના પાડી દેવામાં આવી હતી. ત્યારબાદ તેને આ પદ પર કામ કરવાના 2 અઠવાડિયા બાદ જ રાજીનામું આપવું પડ્યું હતું. આચાર સંહિતાનું ગંભીર ઉલ્લંઘન એ મુદ્દાથી અલગ હતું. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના આયોગને જાણવા મળ્યું કે, દીલિપ સમરવીરાએ અનુચિત વ્યવહાર કર્યો હતો.
તેનું આ આચરણ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની આચાર સંહિતાની કલમ 2.23નું ઉલ્લંઘન કરે છે. કથિત રૂપે આ વ્યવહારમાં એક ખેલાડી સામેલ હતો. ક્રિકેટ વિક્ટોરિયાના CEO નિક કમિન્સે દીલિપ સમરવીરાના વ્યવહારની નિંદા કરતા એક નિવેદન જાહેર કર્યું હતું. નિક કમિન્સે કહ્યું કે, અમે આચાર સંહિતા આયોગના નિર્ણયનું દૃઢતાથી સમર્થન કરીએ છીએ. નિર્ણયમાં દીલિપ સમરવીરા પર 20 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, અમારું માનવું છે કે આ આચરણ પૂરી રીતે નિંદનીય છે અને ક્રિકેટ વિક્ટોરિયામાં અમે જે કંઇ પણ માનીએ છીએ તેની સાથે વિશ્વાસઘાત છે. આ મામલે પીડિતાએ પોતાની વાત કહેવામાં અવિશ્વસનીય સાહસનો પરિચય આપ્યો છે. તેને મેદાન અને મેદાન બહાર પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં અમારી નિરંતર મદદ મળતી રહેશે. એક સંગઠનના દૃષ્ટિકોણથી ક્રિકેટ વિક્ટોરિયામાં બધી સુરક્ષા અને ભલાઈ સર્વોપરી છે.
અમે કોઈ પણ એવા વ્યવહારને સહન નહીં કરીએ જે તેના પદ કે અમારા લોકો સાથે સમજૂતી કરતો હોય. અમે હંમેશાં પોતાની વાત કહેવાની સંસ્કૃતિનું સમર્થન કરીએ છીએ. દીલિપ સમરવીરાએ પોતાના કરિયર દરમિયાન 136 ફર્સ્ટ ક્લાસ અને 66 લિસ્ટ A અને એક T20 મેચ રમી હતી. તેમણે ફર્સ્ટ ક્લાસમાં 7210 અને 1658 લિસ્ટ A રન બનાવ્યા છે. તેમણે ફર્સ્ટ ક્લાસમાં 41 વિકેટ પણ લીધી હતી. તેમણે 7 ટેસ્ટમાં 211 અને 5 વન-ડેમાં 91 રન બનાવ્યા હતા.