- Sports
- દિગ્વેશ રાઠી હજુ નથી સુધર્યો, હવે નીતિશ રાણા સાથે બાખડ્યો
દિગ્વેશ રાઠી હજુ નથી સુધર્યો, હવે નીતિશ રાણા સાથે બાખડ્યો
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)નો સ્પિનર દિગ્વેશ સિંહ રાઠી ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. દિગ્વેશે પોતાની પહેલી IPL સીઝનમાં બૉલથી સાથે સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ મેદાન પર તેના આક્રમક વલણને કારણે તે વધુ ચર્ચામાં રહ્યો હતો. ‘નોટબુક સેલિબ્રેશન’ અને વિરોધી ટીમના ખેલાડીઓ સાથે ઝઘડાને કારણે દિગ્વેશની મેચ ફી 3 વખત કાપવામાં આવી હતી. આખરે દિગ્વેશને IPL 2025માં એક મેચનો પ્રતિબંધ પણ ઝીલવો પડ્યો હતો.
હવે દિલ્હી પ્રીમિયર લીગ (DPL) 2025માં પણ દિગ્વેશ રાઠી પોતાના ઓનફિલ્ડર વ્યવહારને કારણે ચર્ચામાં આવી ગયો છે. દિગ્વેશ DPLમાં સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ ટીમનો હિસ્સો છે. 29 ઑગસ્ટ (શુક્રવાર)ના રોજ વેસ્ટ દિલ્હી લાયન્સ સામેની એલિમિનેટર મેચમાં દિગ્વેશ અને નીતિશ રાણા એક-બીજા સાથે બાખડી પડ્યા હતા.
આ મેચમાં વેસ્ટ દિલ્હી લાયન્સના કેપ્ટન નીતિશ રાણાએ દિગ્વેશના બૉલોની સારી રીતે ધોલાઈ કરી હતી, જેથી આ સ્પિન બૉલર હતાશ થઈ ગયો હતો. જ્યારે એક વખત નીતિશે રાણાએ દિગ્વેશના બૉલ પર પર સિક્સ ફટકારી તો પછી મેદાનનું તાપમાન ગરમ થઈ ગયું. નીતિશ અને દિગ્વેશ પરસ્પર બાખડી પડ્યા.
https://twitter.com/DelhiPLT20/status/1961514944106828059
હવે દિગ્વેશ રાઠીને આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મેચ ફીનો 80 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. દિગ્વેશે રમતની ભાવના વિરુદ્ધ આચરણ કર્યું હતું. જેને કલમ 2.2 હેઠળ લેવલ-2નો ગુનો માનવામાં આવ્યો હતો. બીજી તરફ નીતિશ રાણા પર મેચ ફીના 50 ટકા દંડ ફટકારાયો છે. નીતિશે આક્રમક વ્યવહાર કર્યો, જેને કલમ 2.6 હેઠળ લેવલ-1નો ગુનો માનવામાં આવ્યો હતો.
DPLએ 3 અન્ય ખેલાડીઓને પણ દંડ ફટકાર્યો છે. વેસ્ટ દિલ્હી લાયન્સના વિકેટકીપર ક્રિશ યાદવ પર મેચ ફીના 100 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. ક્રિશે વિરોધી ટીમના ખેલાડી તરફથી બેટ બતાવ્યું હતું, જે કલમ 2.3 હેઠળ લેવલ-2નો ગુનો હતો. સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સના સુમિત માથુર પર (કલમ 2.5, લેવલ-1) મેચ ફીનો 50 ટકા અને અમન ભારતી પર (કલમ 2.3, લેવલ-1) મેચ ફીનો 30 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં સાઉથ દિલ્હી સુપર સ્ટાર્સે 5 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. જવાબમાં, વેસ્ટ દિલ્હી લાયન્સે 17.1 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને ટારગેટ હાંસલ કરી લીધો હતો. નીતિશ રાણાએ 15 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી 55 બૉલમાં નોટઆઉટ 134 રન બનાવ્યા હતા. નીતિશને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.. હવે વેસ્ટ દિલ્હી લાયન્સ ક્વોલિફાયર-2માં ઇસ્ટ દિલ્હી રાઇડર્સનો સામનો કરશે. ક્વોલિફાયર-2માં જીતનારી ટીમ ફાઇનલમાં સેન્ટ્રલ દિલ્હી કિંગ્સનો સામનો કરશે. DPL 2025ની ફાઇનલ 31 ઑગસ્ટે રમાશે.

