- World
- પેટ દર્દથી પીડાતા છોકરાએ ડૉક્ટરને કહ્યું, તે ચાર દિવસ પહેલા 200 ચુંબક ગળી ગયો હતો!
પેટ દર્દથી પીડાતા છોકરાએ ડૉક્ટરને કહ્યું, તે ચાર દિવસ પહેલા 200 ચુંબક ગળી ગયો હતો!
ન્યુઝીલેન્ડમાં એક 13 વર્ષનો છોકરો પેટમાં દુખાવાથી પીડાઈ રહ્યો હતો. જ્યારે તે ડૉક્ટર પાસે ગયો, ત્યારે તેને પૂછવામાં આવ્યું કે, તેણે છેલ્લા કેટલાક દિવસોમાં શું શું ખાધું અને પીધું છે. છોકરાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો, તેણે કહ્યું કે તેણે ચાર દિવસ પહેલા 100થી વધુ નાના ચુંબક ગળી લીધા છે.
એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ, જ્યારે ડોક્ટરોએ છોકરાના પેટનો એક્સ-રે અને અન્ય પરીક્ષણો કર્યા, ત્યારે તેમને તેના આંતરડામાં સેંકડો નાના ચુંબક ફસાયેલા જોવા મળ્યા. એવું માનવામાં આવે છે કે, આ ચુંબક ચાઇનીઝ શોપિંગ સાઇટ ટેમુ પરથી ખરીદવામાં આવ્યા હતા.
ચુંબક ગળી ગયા પછી, તેના પેટમાં દુખાવો શરુ થયો હતો. ચાર દિવસ પછી, દુખાવો વધારે વધી ગયો હતો, ત્યારે તે ડૉક્ટર પાસે ગયો હતો. તેને દેશના ઉત્તર ટાપુ પર આવેલી તૌરંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ તપાસ કરતા જોયું કે, છોકરાએ 100થી વધુ ઉચ્ચ-શક્તિવાળા ચુંબક ગળી લીધા છે.
શુક્રવારે ન્યુઝીલેન્ડ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા એક કેસ રિપોર્ટ મુજબ, તેણે ડોકટરોને કહ્યું હતું કે, તેણે લગભગ એક અઠવાડિયા પહેલા 80 થી 100 નાના નિયોડીમિયમ ચુંબક ગળી લીધા હતા, પરંતુ ડોકટરોએ પાછળથી તેના આંતરડામાંથી લગભગ 200 ચુંબક કાઢ્યા હતા.

એક્સ-રેમાં તેના આંતરડાના જુદા જુદા ભાગોમાં ચુંબકની બનેલી ચાર સાંકળો ફસાયેલી જોવા મળી હતી, જે એકબીજાને ખેંચી રહી હતી અને નજીકના કોષોમાં લોહીના પ્રવાહને રોકી રહી હતી. ડોકટરોએ અહેવાલ આપ્યો કે, દબાણને કારણે નેક્રોસિસના ઘણા પેચ બની ગયા હતા, જેના માટે તાત્કાલિક સર્જરી કરવાની જરૂર પડી.
ઓપરેશન દરમિયાન ચુંબક અને ક્ષતિગ્રસ્ત આંતરડાના અમુક ભાગોને દૂર કરવામાં આવ્યા. ડોકટરો બિનુરા લેકામલાગે, લુસિન્ડા ડંકન-વેરે અને નિકોલા ડેવિસે મેડિકલ રિપોર્ટમાં લખ્યું છે કે છોકરો, જેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, તેને રજા આપતા પહેલા તેણે આઠ દિવસ હોસ્પિટલમાં વિતાવ્યા હતા.
ડોકટરોએ ચેતવણી આપી હતી કે, મેગ્નેટ દૂર કરવાની સર્જરી કરાવતા દર્દીઓ ઘણીવાર આંતરડાના નુકસાન, હર્નિઆ અથવા લાંબા ગાળાના પેટમાં દુખાવો જેવી ગૂંચવણોનો સામનો કરવો પડતો હોય છે.
ડોકટરોએ કહ્યું કે, આ કેસ માત્ર ચુંબક ગળવાના જોખમોને જ નહીં, પરંતુ બાળકો માટે ઓનલાઈન માર્કેટિંગના જોખમોને પણ પ્રકાશિત કરે છે. બાળકો દ્વારા ગળી જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા પછી ન્યુઝીલેન્ડે 2013માં નાના, ઉચ્ચ-શક્તિવાળા ચુંબકના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો.

નિયોડીમિયમ-આયર્ન-બોરોનથી બનેલા આ ચુંબક, જે ઘણીવાર રમકડાં અથવા તણાવમાં રાહત આપનાર તરીકે વેચાય છે, તે નિયમિત ચુંબક કરતા 30 ગણા વધુ શક્તિશાળી છે અને ગળી જવા પર આંતરડાની દિવાલો પર એટલા જોરથી ચોંટી જાય છે કે તે ઘણીવાર આંતરડાની દીવાલોમાં કાણું પણ પાડી દે છે.
પ્રતિબંધ હોવા છતાં, આ ચુંબક ઓનલાઈન વ્યાપકપણે ઉપલબ્ધ છે. છોકરાએ ડોકટરોને જણાવ્યું હતું કે તેણે ગળી ગયેલા ચુંબક ટેમુ દ્વારા ખરીદ્યા હતા, જે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા E-કોમર્સ પ્લેટફોર્મ પૈકીના એક છે.
ટેમુએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે ઘટનાની તપાસ કરી રહી છે, જોકે કંપની ખાતરીપૂર્વક નક્કી કરી શકતી નથી કે, આ ચુંબક તેના પ્લેટફોર્મ દ્વારા ખરીદવામાં આવ્યા હતા કે નહીં. ટેમુના પ્રવક્તાએ મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, તેઓ આ ઘટના વિશે જાણીને દુઃખી છે અને છોકરાની ઝડપથી સ્વસ્થ થવાની ભગવાનને પ્રાર્થના કરે છે.

