- World
- બોર્ડર ખોલી દો, અમને બચાવી લો..’, બાંગ્લાદેશમાં ફસાયેલા હિન્દુઓની ભારતને વિનંતી
બોર્ડર ખોલી દો, અમને બચાવી લો..’, બાંગ્લાદેશમાં ફસાયેલા હિન્દુઓની ભારતને વિનંતી
બાંગ્લાદેશ ફરી એકવાર હિંસાની આગમાં સળગી રહ્યું છે. બાંગ્લાદેશમાં લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ દીપુ ચંદ્ર દાસ અને અમૃત મંડલનો જીવ લઈ લેવાયો હતો. આ દરમિયાન સંકટગ્રસ્ત બાંગ્લાદેશમાં ફસાયેલા અને સતાવવામાં આવી રહેલા હિન્દુ નાગરિકો આતંકથી બચવા માટે ભારતને સરહદો ખોલવા વિનંતી કરી રહ્યા છે.
આ દરમિયાન દેશનિકાલ કરાયેલા બાંગ્લાદેશ સનાતન જાગરણ મચાના નેતા નિહાર હલદરની મદદથી રંગપુર, ચટગાવ, ઢાકા અને મયમનસિંહમાં રહેતા હિન્દુ નાગરિકો સાથે વાતચીત કરવામાં આવી. TOIના સંદર્ભે કહેવામાં આવ્યું છે કે આ લોકોએ વોટ્સએપ કોલ દ્વારા વાત કરી હતી.
રંગપુરના એક 52 વર્ષીય રહેવાસીનું કહેવું છે કે, તેઓ તેમના ધર્મને કારણે સતત અપમાનનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રસ્તાઓ પર ચાલતી વખતે તેમને જે ટોણા સાંભળવા પડે છે, તે ટૂંક સમયમાં મોબ લિંચિંગમાં પરિણમી શકે છે. તેણે કહ્યું કે લઘુમતી હિન્દુઓનું કહેવું છે કે, અમે ફસાઈ ગયા છીએ અને અમારી પાસે જવા માટે કોઈ જગ્યા નથી. અમે અપમાન સહન કરી રહ્યા છીએ કારણ કે અમને ડર છે કે દીપુ અથવા અમૃત સાથે જે બન્યું તે અમારી સાથે પણ થઈ શકે છે.
ઢાકાના અન્ય એક હિન્દુ રહેવાસીએ જણાવ્યું હતું કે, દીપુ દાસની લિંચિંગથી ભય ફેલાયો છે, તો પૂર્વ રાષ્ટ્રપતિ ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાનના બાંગ્લાદેશ પાછા ફરવાથી તેઓ વધુ ચિંતિત થયા છે. જો BNP સત્તામાં આવશે, તો અમને વધુ અત્યાચારનો સામનો કરવો પડી શકે છે. શેખ હસીનાની અવામી લીગ જ અમારી એકમાત્ર રક્ષક હતી.
સનાતન જાગરણ મચાના એક કાર્યકર્તાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં કુલ હિન્દુ વસ્તી 25 લાખ છે. આ સંખ્યાને ઓછી આંકી શકાય નહીં. ભારતમાં હિન્દુ સંગઠનો દેખાવની વાત કરી રહ્યા છે, પરંતુ કંઈ નહીં. અમે નરસંહાર તરફ આગળ વધી રહ્યા છીએ.
મયમનસિંહના અન્ય એક રહેવાસીનું કહેવું કે સીમાઓ ખૂલ્યા બાદ હિંદુઓનું પલાયન થશે, પરંતુ હિન્દુઓ ઓછામાં ઓછા હિંસાથી સુરક્ષિત તો રહેશે. બીજી તરફ, ઢાકાના એક હિન્દુનું કહેવું છે કે, ‘અમે સૌથી ખરાબ સપના જેવું જીવન જીવી રહ્યા છીએ. ભારતીય સરહદો ખોલવાથી ઓછામાં ઓછા અત્યાચારનો સામનો કરી રહેલા લોકો માટે સુરક્ષિત રસ્તો ખૂલી જશે.’

