- World
- રજામાં બેંક હતી બંધ, ચોરોએ સુરંગ બનાવીને 300 કરોડની ચોરી કરી, પોલીસે ફિલ્મી લૂંટ ગણાવી
રજામાં બેંક હતી બંધ, ચોરોએ સુરંગ બનાવીને 300 કરોડની ચોરી કરી, પોલીસે ફિલ્મી લૂંટ ગણાવી
2001માં, ઓશન'સ ઇલેવન નામની એક ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મમાં, લોકોનું એક જૂથ એક કેસિનોમાં લૂંટ કરવા માટે સાથે મળીને કામ કરે છે. આ લૂંટ ખુબ જ સાવધાનીપૂર્વક કરવામાં આવે છે. આવી જ એક ચોરી જર્મનીના ગેલ્સેનકિર્ચેન શહેરમાં બની હતી. તપાસ દરમિયાન, જર્મન પોલીસે જણાવ્યું હતું કે ચોરી 'ઓશન'સ ઇલેવન' ફિલ્મની જેમ ખુબ જ સાવધાનીપૂર્વક કરવામાં આવી હતી. પરંતુ આ કેવી રીતે કરવામાં આવ્યું તે જાણી લઈએ.
25-30 ડિસેમ્બરના રોજ, જ્યારે જર્મનીમાં લોકો નાતાલની રજાઓ ઉજવી રહ્યા હતા, ત્યારે કેટલાક લોકો તકનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ ગેલ્સેનકિર્ચેનમાં સ્પાર્કાસ સેવિંગ્સ બેંકમાં લૂંટની યોજના બનાવી રહ્યા હતા. બેંકમાં આશરે 3,000 સેફ ડિપોઝિટ હતી. ચોરોએ લગભગ બધી સેફ લૂંટી લીધી અને તેમને જે કંઈ રોકડ, સોનું અને દાગીના મળી આવ્યા તે તમામ ચોરી ગયા. અહેવાલો અનુસાર, કુલ 30 મિલિયન યુરો (એટલે કે 300 કરોડથી પણ વધારે) ચોરાઈ ગયા.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ચોરો બેંકની દીવાલમાં મોટું કાણું પાડીને અંદર ઘુસી ગયા હતા. 25 અને 26 ડિસેમ્બરે મોટાભાગની ઓફિસોમાં રજા હતી, ત્યારપછી શનિવાર અને રવિવાર આવતો હતો. પોલીસને શંકા છે કે, ચોર લોકોએ આ રજાઓ દરમિયાન જ ચોરી કરી હતી. તેઓએ દીવાલમાં કાણું પાડીને અંદર ઘુસ્યા અને લગભગ બધી જ સેફ ડિપોઝિટમાંથી તમામ વસ્તુઓ ચોરી લીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ, ચોરો પાર્કિંગ ગેરેજમાંથી અંદર આવ્યા હતા અને ત્યાર પછી તેઓ સીડીઓથી ઉતરીને બહાર જતા પણ જોવા મળ્યા હતા. સુરક્ષા કેમેરામાં ગેરેજમાંથી બહાર નીકળતી એક ગાડી પણ દેખાઈ હતી. એક કાળા રંગની ઓડી RS 6 જેમાં કેટલાક લોકો માસ્ક પહેરીને જતા જોવા મળ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, ચોરીનો ખુલાસો સોમવાર, 29 ડિસેમ્બરે થયો હતો, જ્યારે ફાયર એલાર્મ વાગ્યો હતો અને ઇમર્જન્સી સેવાઓએ પાર્કિંગ લોટ પાસે એક મોટું કાણું જોવા મળ્યું હતું. સમાચાર ફેલાતાં જ લોકો બેંકની બહાર ભેગા થવા લાગ્યા હતા. સુરક્ષા કારણોસર બેંક બંધ કરી દેવામાં આવી છે. પોલીસ તપાસ ચાલી રહી છે.
પોલીસે જણાવ્યું હતું કે, પાર્કિંગ લોટમાં દેખાતી કારની લાઇસન્સ પ્લેટ પણ ચોરાઈ ગઈ હતી. તેમણે કહ્યું કે, 'ચોરી ખૂબ જ સમજી વિચારીને અને પૂરું આયોજન કરીને કરવામાં આવી હતી. તે એવું લાગતું હતું કે જાણે ફિલ્મ ઓશન્સ ઇલેવન ચાલી રહી છે. આ લૂંટને અંજામ આપવા માટે ખૂબ જ હોંશિયાર દિમાગની જરૂર પડે છે. અને તેને માટે બેંક વિશે પુરી માહિતી હોવી જરૂરી છે, અને સાથે જ ક્રિમિનલ એનર્જીની જરૂર પડે છે.'
પોલીસે કહ્યું કે, તેઓ હજુ પણ ઘટનાસ્થળે હાજર છે અને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકો ખુબ જ ગુસ્સે થઇ રહ્યા છે, પરંતુ તેમણે લોકોને ખાતરી આપી કે ચોરોને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે.

