- World
- નેપાળમાં Gen-Zએ કરી આ માંગ, 'બંધારણ ફરીથી લખાવું જોઈએ, 30 વર્ષથી લૂંટાઈ રહેલી સંપત્તિની...
નેપાળમાં Gen-Zએ કરી આ માંગ, 'બંધારણ ફરીથી લખાવું જોઈએ, 30 વર્ષથી લૂંટાઈ રહેલી સંપત્તિની...
નેપાળમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા હિંસક રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો વચ્ચે, સેનાએ સુરક્ષાની કમાન પોતાના હાથમાં લઇ લીધી છે. સમગ્ર નેપાળમાં સાંજે 5 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ દરમિયાન, Gen-Z આંદોલનનું નેતૃત્વ કરી રહેલા યુવાનોએ સેના અને રાષ્ટ્રપતિ સમક્ષ ઘણી માંગણીઓ મૂકી છે. તેમની માંગણી છે કે, Gen-Z આંદોલન દરમિયાન શહીદ થયેલા તમામ લોકોને સત્તાવાર રીતે શહીદ જાહેર કરવામાં આવે.
આ ઉપરાંત, શહીદ પરિવારોને રાષ્ટ્ર તરફથી અભિનંદન, સન્માન અને રાહત આપવામાં આવે. બેરોજગારી, સ્થળાંતર અને સામાજિક અન્યાયનો અંત લાવવા માટે ખાસ કાર્યક્રમો લાવવામાં આવે. તેઓ કહે છે કે, આ આંદોલન કોઈ પક્ષ કે વ્યક્તિ માટે નથી, પરંતુ સમગ્ર પેઢી અને રાષ્ટ્રના ભવિષ્ય માટે છે. યુવાનો કહે છે કે, દેશમાં શાંતિની જરૂર છે, પરંતુ આ ફક્ત એક નવી રાજકીય વ્યવસ્થાના પાયા પર જ શક્ય છે. રાષ્ટ્રપતિ અને નેપાળી સેના પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે, અમારા પ્રસ્તાવોનો સકારાત્મક રીતે અમલ કરવામાં આવે.
આંદોલન નેતૃત્વએ રાષ્ટ્રપતિ અને સેના સમક્ષ ઘણી રાજકીય માંગણીઓ પણ મૂકી છે. તેમણે કહ્યું કે, વર્તમાન પ્રતિનિધિ ગૃહે લોકોનો વિશ્વાસ ગુમાવી દીધો છે, તેને તાત્કાલિક વિસર્જન કરવું જોઈએ. બંધારણમાં સુધારો કરવો જોઈએ અથવા ફરીથી લખાવું જોઈએ. જેમાં નાગરિકો, નિષ્ણાતો અને યુવાનોની સક્રિય ભાગીદારી હોવી જોઈએ. વચગાળાનો સમયગાળો પૂરો થયા પછી, મુક્ત, ન્યાયી અને સીધી જનભાગીદારીના આધારે નવી ચૂંટણી યોજવી જોઈએ. ઉપરાંત, સીધી રીતે ચૂંટાયેલી કાર્યકારી નેતૃત્વની સ્થાપના કરવી જોઈએ.
આ ઉપરાંત, તાત્કાલિક કાર્ય યોજના તરીકે, આંદોલનકારીઓએ માંગ કરી છે કે, છેલ્લા ત્રણ દાયકામાં લૂંટાયેલી સંપત્તિની તપાસ કરીને ગેરકાયદેસર મિલકતનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવે. આ ઉપરાંત, શિક્ષણ, આરોગ્ય, ન્યાય, સુરક્ષા અને સંદેશાવ્યવહાર જેવી પાંચ મૂળભૂત સંસ્થાઓમાં માળખાકીય સુધારા અને પુનર્ગઠન કરવામાં આવે.
આ દરમિયાન, નેપાળી સેનાએ મંગળવારે રાત્રે 10 વાગ્યે દેશભરમાં સુરક્ષા કામગીરીની કમાન સંભાળી. ત્યાર પછી, સેનાએ કાઠમંડુ, લલિતપુર અને ભક્તપુર શહેરો સહિત દેશના ઘણા વિસ્તારોમાં અશાંતિ અટકાવવા માટે પ્રતિબંધો લાદ્યા હતા. આ અગાઉ મંગળવારે પ્રદર્શનકારીઓએ દેશના સંસદ ભવન તેમજ ઘણા મંત્રીઓના ઘરોને આગ ચાંપી દીધી હતી. ઘણી અન્ય સરકારી ઇમારતો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ PM ઝાલાનાથ ખનાલના પત્ની રાજ્યલક્ષ્મી ચિત્રકરનું આગની અંદર સળગી જવાથી મૃત્યુ થઇ ગયું હતું.
અશાંતિ પછી, નેપાળના PM KP ઓલીએ મંગળવારે રાજીનામું આપ્યું હતું, પરંતુ આ પછી પણ વિરોધ શાંત થયો ન હતો. એક સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે, નેપાળમાં જ, બુધવાર સવારથી, કાઠમંડુની સામાન્ય રીતે ધમધમતી શેરીઓ ઉજ્જડ હતી. ફક્ત થોડા લોકો જ તેમના ઘરોમાંથી બહાર આવ્યા હતા, જે મુખ્યત્વે રોજિંદા વસ્તુઓ ખરીદવા ગયા હતા.
એક નિવેદનમાં, સેનાએ કેટલાક જૂથોની પ્રવૃત્તિઓ પર ચિંતા વ્યક્ત કરી હતી, જેઓ મુશ્કેલ પરિસ્થિતિનો ગેરલાભ લઈ રહ્યા છે અને સામાન્ય લોકો અને સરકારી સંપત્તિને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. નેપાળ આર્મી હેડક્વાર્ટરના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'અમે લૂંટફાટ અને તોડફોડ જેવી કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે અમારા સૈનિકોને તૈનાત કરી રહ્યા છીએ.' તેમણે કહ્યું કે, અધિકારીઓએ લોકોને જરૂર ન હોય તો તેમના ઘરોમાં રહેવાનો આદેશ પણ આપ્યો છે, જેથી વધુ અશાંતિ ન ફેલાય.
જ્યારે, એક સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો કે, સૈનિકોએ બુધવારે કાઠમંડુની શેરીઓમાં પેટ્રોલિંગ કર્યું હતું. સેનાના પ્રવક્તા રાજા રામ બસનેતે બુધવારે જણાવ્યું હતું કે, 'અમે પહેલા પરિસ્થિતિને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે લોકોના જાન-માલનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.' આ દરમિયાન, ભારત સરકારે નેપાળમાં રહેતા ભારતીયોને ઘરે રહેવા અને બહાર ન નીકળવાની સલાહ આપી હતી. ઘણી ભારતીય એરલાઇન્સે કાઠમંડુ જતી અને આવતી ફ્લાઇટ્સ પણ બંધ કરી દીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, નેપાળમાં વિદ્યાર્થીઓની આગેવાની હેઠળ 'Gen-Z' વિરોધ પ્રદર્શન, જે સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર પ્રતિબંધના પ્રતિભાવમાં શરૂ થયું હતું, તે એક મોટા આંદોલનમાં ફેરવાઈ ગયું. આ આંદોલન ભ્રષ્ટાચાર અને સામાન્ય લોકો પ્રત્યે ઉદાસીનતાના આરોપોને કારણે KP શર્મા ઓલી સરકાર અને દેશના રાજકીય નેતાઓની વધતી ટીકાને દર્શાવે છે.

