- World
- જજની ચેમ્બરમાંથી બે સફરજન અને હેન્ડવોશની બોટલ ચોરી, FIR દાખલ; થઇ શકે છે 7 વર્ષની જેલની સજા
જજની ચેમ્બરમાંથી બે સફરજન અને હેન્ડવોશની બોટલ ચોરી, FIR દાખલ; થઇ શકે છે 7 વર્ષની જેલની સજા
પાકિસ્તાની પંજાબના લાહોરમાં ચોરીની એક રસપ્રદ ઘટના બની છે. એવું કહેવામાં આવે છે કે ત્યાં, ન્યાયાધીશની ચેમ્બરમાંથી બે સફરજન અને હાથ ધોવાની બોટલ ચોરી થયાનું જાણવા મળે છે. જેની પોલીસે ફરિયાદ નોંધી લીધી છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ન્યાયાધીશના રીડરનો ઉલ્લેખ કરીને લાહોરના ઇસ્લામપુરા પોલીસ સ્ટેશનમાં આ કેસમાં FIR દાખલ કરવામાં આવી હતી.
પાકિસ્તાની સ્થાનિક મીડિયા અનુસાર, 5 ડિસેમ્બરે લાહોરના એડિશનલ સેશન્સ જજ નૂર મોહમ્મદ બિસ્મિલના ચેમ્બરમાંથી બે સફરજન અને હાથ ધોવાની બોટલ ચોરી થઈ હતી. FIRમાં ચોરાયેલી વસ્તુઓની કિંમત 1,000 રૂપિયા જણાવવામાં આવી છે. એવું કહેવાય છે કે ન્યાયાધીશ નૂર મોહમ્મદે પોતે તેમના રીડરને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા કહ્યું હતું.
લાહોર પોલીસે આ કેસ કલમ 380 (ચોરી સંબંધિત) હેઠળ નોંધ્યો છે. જો આ કલમ હેઠળ દોષિત ઠેરવવામાં આવે તો, આરોપીને 7 વર્ષ સુધીની જેલ અને દંડ, તેમજ બંને સજા એકસાથે થઈ શકે છે. આ સાથે FIRમાં કેસ તપાસ શાખાને સોંપવાની પણ ભલામણ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર આ ચોરીની ખૂબ ચર્ચા થઈ રહી છે, જેના કારણે લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ઘણી વાર તો ગરીબ લોકો પોતાના આખા જીવનની બચત લૂંટાઈ ગઈ હોવા છતાં પણ FIR નોંધાવી શકતા નથી, અથવા તો પોલીસ તેના પર કોઈ ધ્યાન આપતી નથી. બીજા યુઝરે પણ આવો જ અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું કે, જ્યારે સામાન્ય લોકો પાસેથી લાખો રૂપિયા ચોરાઈ જાય છે, ત્યારે પણ પોલીસ FIR નોંધાવવાનું ટાળતી હોય છે, પરંતુ ન્યાયાધીશની ચેમ્બરમાંથી બે સફરજન અને હાથ ધોવાની બોટલ ચોરી થઇ તેના માટે આખી ફોર્સ કામે લગાડી દેવામાં આવે છે.
જોકે, કેટલાક યુઝર્સ એમ પણ કહી રહ્યા છે કે, ચોરી તો ચોરી છે, અને પોલીસ નાનીમાં નાની ચોરીની નોંધ કરવા માટે પણ બંધાયેલી છે. એક અંગ્રેજી મીડિયા સાથે સાથે વાત કરતા, પાકિસ્તાન પોલીસના નિવૃત્ત ઇન્સ્પેક્ટર જનરલ (IG) મોહમ્મદ અલ્તાફ કમરે કહ્યું કે, ભલે આ ઘટના મોજાંની ચોરીની હોય કે રૂમાલની ચોરીની, FIR નોંધવાની જવાબદારી પોલીસની છે.

